નડિયાદ: કઠલાલના ગંગાદાસના મુવાડા સીમમાં થોડા વર્ષો અગાઉ અમદાવાદના પરિવારે જમીન ખરીદી હતી. કોરોનાકાળમાં તેઓએ ખેતરમાં અવરજવર બંધ કરી હતી. દરમિયાન તકનો લાભ લઈ ત્રણ ભાઇએ આ જમીન પર ગેરકાયદેસર કબ્જો કર્યો હતો. અમદાવાદ રહેતાં મુકેશભાઈ પ્રગાજીભાઈ ડાબરીયાની માતા મંજુબેને થોડા વર્ષો અગાઉ કઠલાલ તાલુકાના ગંગાદાસના મુવાડા સીમ વિસ્તારમાં આવેલી ખેતીલાયક જમીન પ્રભાતભાઈ વાલાભાઈ ચૌહાણના વારસદારો પાસેથી ખરીદી હતી. જે બાદ મંજુબેનના પુત્ર મુકેશભાઈએ આ જમીનમાં ખેતી કરી ઉપજ લેવાનું શરૂ કર્યું હતું. જોકે, કોરોનાકાળ દરમિયાન તેઓએ ખેતરમાં જવાનું બંધ કર્યુ હતું.
દરમિયાન તકનો લાભ લઈને રમેશ દેસાઈભાઈ ચૌહાણ, કનુ દેસાઈભાઈ ચૌહાણ અને પુનમ દેસાઈભાઈ ચૌહાણે આ જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો હતો. આ વાતથી અજાણ મુકેશભાઈ ચારેક મહિના અગાઉ તેમના ખેતરે ગયાં હતાં. તે વખતે ખેતરમાં હાજર રમેશભાઈ, કનુભાઈ અને પુનમભાઈએ ભેગાં મળી મુકેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને આ જમીનમાં અમારો કબ્જો છે, તારે આ જમીનમાં આવવાનું નહીં, જો આવીશ તો મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. જેથી મુકેશભાઈએ આ મામલે ખેડા કલેક્ટરમાં અરજી આપી હતી. જેની તપાસમાં ગેરકાયદેસર રીતે જમીન પર કબ્જો કર્યો હોવાનું જણાઈ આવ્યુ હતું. જેના આધારે મુકેશભાઈ ડાબરીયાએ રમેશ દેસાઈભાઈ ચૌહાણ, કનુ દેસાઈભાઈ ચૌહાણ અને પુનમભાઈ દેસાઈભાઈ ચૌહાણ સામે કઠલાલ પોલીસમથકમાં ફરીયાદ આપતાં, પોલીસે ત્રણેય ભાઈઓ સામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધ્યો હતો.