સુરત મનપાના અધિકારીઓ પોતાને જ સરકાર માની બેઠાં હોય તેમ ગરીબો સાથે દાદાગીરી કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે આજે સુરત મનપાના કતારગામ ઝોનના એક અધિકારીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે પ્રજાની સેવા માટે સરકારે જેને નોકરી આપી છે તે અધિકારીઓ ગરીબ પ્રજા સાથે કેવું બેહુંદું અમાનવીય વર્તન કરી રહ્યાં છે.
શહેરના કતારગામ વિસ્તારની લંકા વિજય હનુમાન મંદિર પાછળ સુરત મનપા દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી, તે દરમિયાન મનપાના કર્મચારીઓ દબાણ હેઠળની ચીજવસ્તુઓની સાથે સાથે અહીં રહેતા ગરીબોના વાસણ સહિતની ઘરવખરીનો સામાન પણ ઉંચકી લાવ્યા હતા. નિયમ પ્રમાણે ઝોન પર પહોંચ્યા બાદ આ સામાન તેના માલિકને પરત કરી દેવાનો હોય છે, પરંતુ અધિકારીઓએ કતારગામ ઝોનના અધિકારીઓએ ગરીબોની ઘરવખરીનો સામાન ઉપાડી પોતે જ ઝોન ઓફિસે ખસેડી દીધો હતો. જ્યારે ગરીબો પોતાનો સામાન પાછો માંગવા ગયા ત્યારે ફરજ પરના અધિકારીએ તેમની સાથે તોછડું વર્તન કર્યું હતું.
અધિકારીએ કહ્યું કે, અમારા મેડમે ના પાડી છે. તમે કોર્ટમાં જાવ, અમારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરો, પરંતુ સામાન તો નહીં જ મળે. એમ કહી અધિકારીએ ગરીબોને હડધૂત કરી ઝોન ઓફિસની બહાર કાઢી મુક્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ગરીબો પોતાનો સામાન પાછો આપી દેવા અધિકારીને વિનંતી કરી રહ્યાં છે. કારણ કે અધિકારીઓ તેમના વાસણ પણ ઉપાડી લાવ્યા હતા. વાસણ વિના રસોઈ કેમ કરવી, જમવું કેવી રીતે તે પ્રશ્ન ગરીબો સામે ઉભો થયો છે. તેથી તે ગરીબોએ વાસણો માંગ્યા હતા પરંતુ અધિકારીને જરાય દયા આવી નહોતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે કતારગામ ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર દીપક પાટીલે ચોખ્ખું કહ્યું હતું કે, તમને અંદર આવવા કોણે દીધા, તમે અધિકારીને મળો. મને અધિકારીએ સામાન આપવાની ચોખ્ખી ના પાડી છે. હું સામાન આપી શકું નહીં. તમારે પોલીસ ફરિયાદ કરવી હોય તો કરો.
ગરીબોએ કહ્યું કે, સાહેબ મળતા નથી તો દીપક પાટીલે નફ્ફટાઈથી કહ્યું કે, સાહેબ તમને મળે નહીં તો હું શું કરી શકું. હવે આ સામાન હું તમને પાછો આપવાનો નથી. તમે કોર્ટમાં જાવ. અમારી સામે પોલીસ ફરિયાદ કરો. તમને જે ઠીક લાગે તે કરો પણ હવે સામાન મળશે નહીં.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આ ઝોન ઓફિસમાંથી એનજીઓનો સામાન ચોરાઈ ગયો હોવાની ફરિયાદ થઈ છે.