હાઇ સ્પીડ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સમગ્ર જમ્મુ અને કાશ્મીર સંઘ પ્રદેશમાં આજે પુરા દોઢ વર્ષ પછી ફરી શરૂ થઇ હતી, જે સેવાઓ ઓગસ્ટ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે અગાઉના જમ્મુ-કાશ્મીર રાજ્યનો ખાસ દરજ્જો નાબૂદ કર્યો ત્યારથી બંધ કરી દેવામાં આવી હતી. ગૃહ વિભાગના મુખ્ય સચિવ શાલીન કાબરાએ એક જાહેરનામુ બહાર પાડ્યું હતું અને કાશ્મીર તથા જમ્મુના ઇન્સ્પેકટર જનરલોને આ નિયંત્રણો ઉઠાવી લેવાની અસર પર બારીકાઇથી નજર રાખવા જણાવ્યું હતું.
રાજભવનના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં ફોર-જી સેવાઓ ફરી સ્થાપિત કરવાની માગણી મંજૂર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો આભાર માનવામાં આવ્યો હતો. આ પગલું લોકોની, ખાસ કરીને યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ કરશે એમ જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ, કે જ્યારે કેન્દ્ર સરકારે બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ સંપૂર્ણ બંધ કરી દીધી હતી. બાદમાં ગયા વર્ષની ૨૫ જાન્યુઆરીએ ટુ-જી સેવાઓ ફરી શરૂ કરી હતી તથા ગયા વર્ષના ઓગસ્ટમાં કેટલાક વિસ્તારોમાં ફોર-જી સેવાઓ ફરી શરૂ કરી હતી.