શ્રીનગર : કાશ્મીરમાં (Kashmir) 102 વર્ષ જૂની ક્રિકેટ (Cricket) બેટ ઇન્ડસ્ટ્રીઝે પ્રખ્યાત ‘અંગ્રેજી વિલો’ સાથે સ્પર્ધા કરવા માટે પોતાનું સ્તર સુધાર્યું હોવા છતાં હવે જોકે, ઉત્પાદકોને ડર છે કે વિલો લાકડાની અછત તેમને એક લાખથી વધુ લોકોને આજીવિકા પૂરી પાડતા રૂ. 300 કરોડના બિઝનેસને બંધ કરવાની ફરજ પાડી શકે છે. કાશ્મીર ક્રિકેટ બેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રવક્તા ફવાઝુલ કબીરે કહ્યું હતું કે અમે છેલ્લા 102 વર્ષથી ક્રિકેટ બેટનું ઉત્પાદન કરીએ છીએ. અમારા બેટ સારી ગુણવત્તાના છે અને આઇસીસી દ્વારા માન્ય છે. ગુણવત્તાના સંદર્ભમાં કોઈ ખોટ નથી. અમે ઇંગ્લીશ વિલો કરતાં વધુ સારા નહીં તો તેની બરાબરી પર છીએ.
- એક લાખ લોકોથી વધુને રોજગારી પુરી પાડતાં ઉદ્યોગમાં બેટ બનાવવા જરૂરી વિલોની અછત કારખાના બંધ કરાવી દેવાની દહેશત
- માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ નહીં, પંજાબના જલંધર અને ઉત્તર પ્રદેશના મેરઠના એક લાખથી વધુ લોકોની આજીવિકા આ વ્યવસાય પર નિર્ભર
લગભગ 400 બેટ બનાવતા એકમોનું ભવિષ્ય અનિશ્ચિત છે. કેનેડા અને પાકિસ્તાનમાં વનીકરણ અભિયાનો તરફ ઈશારો કરતા કબીરે કહ્યું હતું કે વિલોનું ઉત્પાદન ઝડપથી ઘટી રહ્યું છે અને અમને ડર છે કે તે આગામી પાંચ વર્ષમાં સમાપ્ત થઈ શકે છે. તેમણે કહ્યું કે માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ નહીં, પંજાબના જલંધર અને ઉત્તર પ્રદેશના મેરઠના એક લાખથી વધુ લોકો આજીવિકા માટે આ વ્યવસાય પર નિર્ભર છે. કબીરે કહ્યું કે શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ તેમને ગયા વર્ષે 1,500 વિલોના રોપા ઉગાડવા માટે આપ્યા હતા, પરંતુ દરેક યુનિટને દર વર્ષે લગભગ 15,000 વિલોની સપ્લાયની જરૂર પડે છે. બેટ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 300 કરોડ રૂપિયાથી વધુ હતું. કબીરે સૂચવ્યું કે સરકારે વેટલેન્ડ્સ અને નદીના કાંઠે જ્યાં વિલો વૃક્ષો ઉગાડતા હતા ત્યાં વાવેતરની મંજૂરી આપવાનું વિચારવું જોઈએ.