Charchapatra

કાશ્મીર – એક યાદગાર અનુભવ

જૂન-૨૦૨૪માં કાશ્મીરની ટૂર કરવાનું બન્યું. શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ, દૂધપથરી અને પહેલગામની મુલાકાત લીધી. આ પ્રદેશને કુદરતે બેનમૂન સૌંદર્ય બક્ષ્યું છે. પાઈન, દેવદાર, ચીડ જેવાં વૃક્ષોથી સભર ઘાટીઓની સાથે બાગાયતી વૃક્ષો, સુંદર બગીચાઓ, હરિયાળા મેદાનો અને ખળખળ વહેતી નદીઓથી આ પ્રદેશ સભર છે. પ્રવાસના સુખદ સંભારણાઓમાં સોનમર્ગની બરફ આચ્છાદિત પર્વતમાળાના દર્શન, પહલગામમાં લીડર નદી પરનું રિવર રાફ્ટિંગ અને ખુબસુરત અરુ વેલીના દર્શન, દૂધપથરીના સરસો કા સાગ અને મક્કેકી રોટીનો સ્વાદ, ટટ્ટુ પરની સવારીઓ – યાદગાર છે.

પ્રજાની સૌજન્યશીલતા તેમજ ઊંડા પહાડી ક્ષેત્રોમાં વસતા લોકોની દારુણ ગરીબીના દર્શન થયા. ઘણે બધે ઠેકાણે ભણેલા તેમજ સાધનસંપન્ન વર્ગમાં કેન્દ્રીય નેતાગીરી પ્રત્યેનો છૂપો રોષ અને અણગમો પણ અનુભવ્યો. પહલગામમાં મીની સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન એકાંત, જોખમી રસ્તે તેમજ જંગલથી ઘેરાયેલા સ્થળે સલામતી વ્યવસ્થાનો અભાવ નોંધનીય હતો! મારું દઢ માનવું છે કે કાશ્મીરી પ્રજાના ભુતકાળના જખ્મોને મલમપટ્ટીની જરૂર છે. તાજેતરની પહલગામ ઘટનાં પશ્ચાતના વધુ પડતાં જલદ સરકારી પગલાં પ્રજાની જુદાઇની લાગણી ફરી ઉશ્કેરી શકે છે!
નવસારી           – કમલેશ આર મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top