છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં કાશી, બનારસ, વારાણસી નગરી છવાયેલી છે. હજારો વર્ષ પૌરાણિક આ નગર કેટલીય વખત ખંડિત થયું અને ફરી બેઠું પણ થયું. સંસ્કાર, સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન કરી ધર્મના ધ્વજને લહેરાવતી મહાદેવ કાશી વિશ્વનાથની આ નગરી આજે નવા વલ્કલ ધરી અને શૃંગાર સજેલી ષોડશી જેવી નવપલ્લવિત દીસે છે. ધર્મપ્રિય સરકારે સનાતની ધર્મીઓના તીર્થક્ષેત્રોનો પુન:રોધ્ધાર કરવાનું અભિયાન ગતિમાન કર્યુ છે તેને રાજકીય તરીકે મૂલવવાને બદલે રાષ્ટ્રીય પ્રગતિના ભાગરૂપે મૂલવવું વધુ યોગ્ય લાગે છે.
આ પ્રાચીન પૌરાણિક નગર વૈદિકસમય પહેલાનું ઉદ્ભવેલું છે. શિવઉપાસનાની આ ધર્મનગરીનો અથર્વવેદની પૈપ્લાદ સંહિતામા (૫, ૨૨, ૧૪) ઉલ્લેખ જેવા મળે છે. શુકલ યજુર્વેદના શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં પણ કાશીરાજ ધૃતરાષ્ટ્રની વાત આવે છે કે જેણે શતાનીક સત્રાજીતને પરાજીત કરેલ, બૃહદારણ્યકોપનિષદ, કોષીતકી ઉપનિષદ, બોધાયન શ્રોતસૂત્ર, ગોપથ બ્રાહ્મણગ્રંથ અને શાંખાયન શ્રોતાસૂત્ર જેવા અનેક પૌરાણિક ગ્રંથોમાં કાશીનગરનો ઉલ્લેખ વિગતે જોવા મળે છે. આપણા બે મહાકાવ્ય રામાયણ અને મહાભારતમાં પણ કાશીનગરનો ઉલ્લેખ છે. રામ વનવાસ દરમિયાન સીતાહરણ બાદ સીતાજીને શોધવા સુગ્રીવજી વાનરોની એક સેનાને કાશી અને કોસલ દેશ તરફ મોકલે છે. તો મહાભારતમાં કાશી વિવિધ પ્રસંગોમાં આવે છે. ભીષ્મે કાશીરાજની કન્યાઓનું અપહરણ કરેલું તે જાણીતી વાર્તા છે. (આદિપૂર્વ અધ્યાય-૧૦૨) ઉપરાંત મહાભારતના યુદ્ધ વખતે કાશીરાજે પાંડવોનો સાથ આપ્યો હતો. પૌરાણિક પવિત્ર દેવી-દેવતાઓની આ નગરી છેલ્લા એક હજાર વર્ષમાં વારંવાર વિદેશી આક્રાંતાઓનો ભોગ બની ખંડિત થતી રહી અને પુન: નવરચિત બની રહી.
૨૧૦૦ વર્ષ પૂર્વે રાજા વિક્રમાદિત્યએ કાશીનું વિશ્વનાથ મહાદેવના મંદિરનું જિર્ણોધ્ધાર કરી પુન:નિર્માણ કરાવેલું. મૂળ તો પાંચ હજાર કરતા પણ વધુ આ પ્રાચીન નગરીને પુરાણોકત કથનોનુસાર ભગવાન મનુની ૧૧મી પેઢીના રાજા કાશએ વસાવી હતી. સમયાંતરે અહીં સ્થિત જયોતિર્લિંગ કાશી વિશ્વનાથ મંદિરને સત્યવાદી રાજા હરિશચંદ્રએ જિર્ણોધ્ધાર કરી નવું નિર્માણ કરાવેલું. પુરાણોકત અનેક કથા-વાર્તાઓ સાથે ઇતિહાસ પણ જાણવો જરૂરી છે.
સન ૧૧૯૪ માં મુસ્લિમ આક્રમણખોર મુહમ્મદ ઘોરીએ આ મંદિરને લૂંટીને ધ્વંશ કરી દીધેલું. ફરીને મંદિરનું નિર્માણ થયું પણ જૌનપુરના સુલ્યાન મહેમુદ શાહે બીજી વખત મંદિરને ધ્વંશ કરી દીધું. અકબરના નવરત્નોમાંના એક ટોડરમલે બાબાવિશ્વનાથના મંદિરનું સન-૧૫૮૫ માં ફરી એકવાર નિર્માણ કરાવ્યું. એટલું જ નહિ અન્ય મંદિરો પણ કાશીમાં બનાવ્યા હતા. બાબા વિશ્વનાથના ભવ્ય મંદિરની જાહોજલાલીથી ક્રોધિત મુગલ શાસક શાહજહાંએ સન-૧૬૩૨ માં મંદિરને તોડવા મોટી સેના મોકલેલી પણ હિન્દુ શાસકોએ વળતો જવાબ આપતા, બાબા વિશ્વનાથનું મંદિર તો બચી ગયેલું પણ અન્ય અનેક પૌરાણિક ૬૩ જેટલા મંદિરોને ધ્વંશ કરી હિન્દુ ધર્મને મોટુ નુકશાન પહોંચાડેલું.
મુગલ રાજા શાહજહાંની નિષ્ફળતા પછી પણ નવા મુગલ શાસક ઔરંગઝેબે ૧૮ એપ્રિલ,૧૬૬૯ ના દિવસે કાશી વિશ્વનાથના મંદિરને તોડી પાડવા આદેશ બહાર પાડયો. આ ઉર્દૂમાં લખાયેલો આદેશ આજે પણ કોલકાતાની એશિયાટીક લાઇબ્રેરીમાં સંગ્રહાયેલો છે. એ આદેશ મુજબ મંદિર તોડીને ત્યાં જ્ઞાનવાપી મસ્જીદ બનાવવામાં આવેલ જે આજે પણ જોવા મળે છે. વારંવાર મંદિરને ધ્વંશ કરવાની ક્રૂરતાએ હિન્દુ રાજાઓમાં જોશ આપ્યું.
સન-૧૭૫૨ પછી મરાઠા સરદાર દત્તાજી સિંધિયા અને મલ્હારરાવ હોલકરે મંદિરની મુકિત માટે ખૂબ પ્રયાસ કર્યા પણ એ સમય બ્રિટિશ સરકારનો હતો તેથી સફળ ના થયા. પણ સન ૧૭૭૭-૭૮ દરમિયાન ઇંદોરની મહારાણી અહિલ્યાબાઇએ બાજુમાં બનેલી મસ્જીદને છેડયા વગર નવા અદ્યતન શિખરબંધ મંદિરનું નિર્માણ કરાવેલું. જે વર્તમાનમાં પણ અખંડિતતા જાળવીને ઊભું છે. અહિલ્યાબાઇ હોલકરે બનાવેલ આ મંદિરના શિખરને સન-૧૮૩૫ માં પંજાબના મહારાજા રણજીતસિંહે સોનાથી મઢી દીધુ હતું. અહીં પ્રાંગણમાં નંદીની વિશાળ પ્રતિમા તે વખતના નેપાળના રાજાએ પ્રસ્થાપિત કરાવેલી.
કાશી, બનારસ, વારાણસી જેવા નામ તો આપણે જાણીએ છીએ પણ પુરાણોમાં આ નગરના ૧૮થી વધુ નામો વિવિધ રીતે ઉલ્લેખાયેલા છે. કાશીનગર, અવિમુકતનગર, કાસિપુર, રામનગર, બેનારસ, આનંધ્વન, રુદ્રવાસ, મહાસ્મશાન, જિત્વરી, સુદર્શન, બ્રહ્મવર્ધન, માલિની, ફોલો-નાઇ, પુષ્પાવતી, આનન્દકાનન, પો-લોનિસેસ અને મોહમ્મદાબાદ જેવા નામ મુખ્ય છે.
વારાણસી નામ સરકારી ગેઝેટ પર છે. અહીં વહેતી પવિત્ર ગંગામાં વરુણા અને અસી નામની નદીઓનો સંગમ થાય છે આ વરુણા અને અસી નદીની વચ્ચે વસેલા નગરને લોકો કાશી સાથે વારાણસીને પણ સહજતાથી સ્વીકારતા થયા. ઉ.પ્ર. ના પૂર્વ મુખ્યમંત્રી ડો. સમ્પૂર્ણાનંદજી દ્વારા વારાણસી નામને ૨૪ મે,૧૯૬૫ ના રોજ ડિસ્ટ્રીકટ ગેઝેટમાં સ્થાન આપ્યું અને કાયદેસર નામ વારાણસીને માન્યતા મળી. પણ લોકજીભે હજુ પણ કાશી અને બનારસ બોલાતું રહ્યું છે.
મંદિરોની નગરી તરીકે પણ વિખ્યાત કાશીમાં ૧૫૦૦ થી વધુ પ્રાચીન-અર્વાચિન મંદિરો છે. અહીં એવું મનાય છે કે નગરમાં ૩૩ કોટી દેવતાઓનો વાસ છે. નવગૌરી દેવી, નવદુર્ગા, અષ્ટભૈરવ, ૫૬ વિનાયક અને દ્વાદશ જ્યોતિર્લીંગોના મંદિરો છે. બાબા કાળ ભૈરવ અને બટુક ભૈરવના મંદિરો વિખ્યાત છે. સંતાન પ્રાપ્તિના આશિર્વાદ લેવા બટુક મંદિરે શ્રધ્ધાળુઓની ભીડ જામે છે તો કાળભૈરવના દર્શન કર્યા વગર કાશી વિશ્વનાથના દર્શન ફળતા નથી. આ બધા મંદિરોનું રિનોવેશન કરાયું છે.
‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ એવી એક ઉકિત છે. કહેવાય છે કે પૂર્વજન્મના સત્કર્મોને કારણે કાશીમાં જન્મ મળે છે અને કાશીમા મૃત્યુ પામનારને મોક્ષ મળી જાય છે મતલબ પુન: જન્મ-મરણના ચક્રમાંથી મુકિત મળી જાય છે. કાશીમાં ધનુષાકારે વહેતી ગંગાના કિનારે ૮૪ થી વધુ ઘાટ બંધાયેલા છે જેમાંના કેટલાકનો તો તાજેતરમાં જીર્ણોધ્ધાર પણ કરાયો છે. હરિશચન્દ્ર ઘાટ અને મણિકર્ણિકા ઘાટ પર અંત્યેષ્ટી ક્રિયા કરાય છે.
કાશી પહોંચ્યા પછી કાશી વિશ્વનાથ સુધી પહોંચવા માટે સાંકડી, ભીડવાળી ગલીઓમાંથી પસાર થવુ પડતું. તેના બદલે આજે અદ્યતન એરોડ્રામ જેવા રેલ્વે સ્ટેશનથી વિશાળ રસ્તાઓ સગવડદાયી બન્યા છે. ગંગાસ્નાન પછી ૩૩ મહિનાની મહેનતે અને ૯૦૦ કરોડના ખર્ચે બનેલ કોરીડોર દ્વારા સીધા બાબા વિશ્વનાથ મંદિરે પહોંચી શકાય છે. પહેલા મંદિર ૨૫૦૦ સ્કે. ફૂટની જગ્યામાં હતુ જયારે આજે સરકારે આજુબાજુના અને ગંગા તટ સુધીના ૩૦૦ થી વધુ મકાનો ૩૩૯ કરોડના ખર્ચે ખરીદી લીધા હતા અને ત્યાં ૫૦ હજાર વર્ગ મીટરમાં નવા કોરીડોરને સ્વરૂપ અપાયું છે. અદ્યતન સગવડો અને અદ્યતન હાઇટેક સુરક્ષા વ્યવસ્થા સાથે વિવિધ પ્રકારના ૨૪ ભવનો બનેલ છે. જેમાં અતિથિભવનો, વૈદિક કેન્દ્ર, સંગ્રહાલય, રૂગ્ણાલય, શોપીંગ સેન્ટરો હશે. બાબા વિશ્વનાથના આનંદથી, સરળતાથી દર્શન કરી ધન્ય થવાની તક વર્તમાન રાજય સરકાર અને કેન્દ્ર સરકારે પૂરી પાડી છે. આવન-જાવન માટે છેક સુધીની અનેક ટ્રેનો ઉપલબ્ધ કરાઇ છે. તો ચાલો બાબા વિશ્વનાથના દર્શને….