આગળની સરકારોએ મંદિરોની ધરાર અવગણના કરેલી છે, એમ કહેનાર વડા પ્રધાન માટે એવું કહી શકાય કે તેઓ છેલ્લે છેલ્લે ચાર-ધામની યાત્રા પૂરી કરશે જ. આખા દેશનો સંપૂર્ણ ભાર જાણે કે માત્ર એક જ માણસ ઉપાડી રહ્યો છે? શકટનો ભાર જેમ…. નિરપેક્ષ સરકારની એ ફરજ બને છે, કે તમામ જાતિ-ધર્મોને સાથે રાખીને વહીવટ કરે. માત્ર મંદિરો જ શા માટે? મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા તેમજ અગિયારી વગેરે તમામનો આદર કરે, ખબરઅંતર પૂછે. એમ કરીને સર્વ ધર્મ સમભાવની ભાવના પેદા કરે. બિન સાંપ્રદાયિક રાષ્ટ્રની એ જ તો ઓળખ કહેવાય. આ બધું હું જ કરું છું એવા તરંગમાંથી બહાર નીકળવું જોઈશે.
(શકટનો ભાર જેમ….) જાણે કે ભૂતકાળમાં સત્તાધારી પક્ષોએ કાંઈ કર્યું જ નથી અને ચરી જ ખાધું છે? લોકોને ધાર્મિક અફીણ ઘોળી-ઘોળીને પાવાનું બંધ કરવામાં આવશે ત્યારે જ સર્વ ધર્મ સમભાવની ભાવના દેશવ્યાપી બનશે. આપણા લોકલાડીલા (??) નેતાજી તો કાશી જાય ત્યારે કાશીનાથ બની જાય છે, તાપી જાય ત્યારે તાપીદાસ અને યમુના ઘાટે જશે ત્યારે જમનાદાસ બની જશે. એટલું સારું છે કે તેઓ એકોહમ બહુ સ્યામ નથી બનતા ! તમારે તો તમારા કામથી જ ઓળખાવું જોઈએ. લોકોના કરોડો રૂપિયાના રોડ-શો કરીને ખોટા ધૂમાડા કરો છો?
એમ કરીને દેશને માથે મોંઘવારીનો બોજ વધારી રહ્યાં છો? દેશના પાયાના પ્રાણ પ્રશ્નો તો આમાં અટવાઈ જ જાય છે. વસ્તીવધારાના પ્રાણપ્રશ્નો તો આમાં અટવાઈ જ જાય છે. વસ્તીવધારાના પ્રાણપ્રશ્ન માટે કેટલાં નક્કર પગલાં ભરાયાં? ધાર્મિક અફીણની ગોળીઓ હવે મફતની રેવડીની જેમ વહેંચાતી બંધ થવી જોઈએ. એક શક્તિશાળી નેતાને પોતાની તાકાતમાં (કે સરકારમાં ?!) વિશ્વાસ નહીં હોવાથી જુદા-જુદા ભગવાનનો સહારો લેવો પડતો હશે? રામ જાણે કે પછી રમણ પાઠક (રમણભ્રમણ વાળા) જાણે ?!
પાલ, ભાઠા – રમેશ એમ. મોદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.