તમિલનાડુના કરુરમાં ગત શનિવારે અભિનેતા-રાજકારણી વિજયની રેલી દરમિયાન બનેલી ભાગદોડમાં 39 લોકોના મૃત્યુ અને 100થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુઃખદ ઘટના અંગે વિજયે મૃતકોના પરિવારજનોને રૂ. 20 લાખ અને ઘાયલોને રૂ.2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પણ પોતાના દરખાસ્ત મુજબ મૃતકોના પરિવારજનો માટે રૂ. 10 લાખ અને ઘાયલો માટે રૂ.1 લાખનું વળતર જાહેર કર્યું છે.
શનિવારે સાંજે થયેલી રેલી દરમિયાન ભીડમાં અટવાયેલા લોકોનું જીવ બચાવવું મુશ્કેલ બન્યું હતું. સ્થળ પર ગંભીર સંજોગો સર્જાયા હતા. જેમાં અનેક લોકોને ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાએ રેલીની આયોજન વ્યવસ્થા પર પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
અભિનેતા અને રાજકારણી વિજયે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે તેઓ આ ઘટનાની ખુબજ દુખી થયા છે. તેમણે કહ્યું “મારા હૃદયમાં જે પીડા છે તેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. હું આપ સૌ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ દુઃખદ ક્ષણમાં હું પીડિતો અને તેમના પરિવારજનો સાથે ઊભો છું.”
વિજયે સ્પષ્ટ કર્યું કે દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને રૂ. 20 લાખ અને ઘાયલ થયેલા આશરે 100 લોકોના પરિવારોને રૂ.2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. તેમણે દરેક પરિવાર સાથે પોતાની સમજ અને સહાનુભૂતિ વ્યક્ત કરતાં કહ્યું કે આ દુઃખ સહન કરવું બહુ જ મુશ્કેલ છે. પરંતુ તેઓ પીડિતોને સમર્થન આપવા માટે તૈયાર છે.
રાજ્ય સરકારના વલણ મુજબ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કરુર રેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનો માટે રૂ. 10 લાખ અને ઘાયલો માટે રૂ. 1 લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. જોકે વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળથી દરેક પીડિત પરિવાર માટે રૂ.2 લાખ અને ઘાયલો માટે રૂ.50,000ના વળતર આપવાની જાહેરાત કરી છે.
વિજયના ઘેરા અને પાર્ટીના વકીલોએ પણ જણાવ્યું કે રેલીની આયોજન પ્રક્રિયા દરમ્યાન તમામ સુરક્ષા અને પોલીસ માર્ગદર્શિકા પાલન કરવામાં આવી હતી. પરંતુ ભીડની વધુ સંખ્યાના કારણે દુર્ઘટના રોકી શકાઈ ન હતી.