ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ આવતીકાલે તા. 20 જૂનને શુક્રવારથી લીડ્સમાં શરૂ થશે. આ મેચ શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયા ચિંતામાં મુકાઈ ગઈ છે. નેટ પ્રેક્ટિસ દરમિયાન ટીમના બે ખેલાડીઓ ઘાયલ થયા છે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર લાંબા સમય બાદ ટીમમાં સ્થાન મેળવનાર 33 વર્ષીય બેટ્સમેન કરુણ નાયર પહેલી ટેસ્ટમાં રમે તેવી શક્યતા છે. પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા 33 વર્ષીય ક્રિકેટર સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી છે. ગઈકાલે તા. 18 જૂને નેટ પ્રેક્ટિસ દરમિયાન કરૂમ નાયરને થોડી ઈજા થઈ હતી. પ્રસિદ્ધ કૃષ્ણના શોર્ટ બોલનો સામનો કરતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. કરુણને પેટ પર બોલ વાગ્યો હતો. જોકે, આ ઈજા હળવી હતી અને કોઈ ગંભીર સમસ્યા નહોતી.
નેટ્સમાં બેટિંગ કરતી વખતે કરુણ નાયર શોટ રમવામાં થોડો મોડો પડ્યો અને પ્રસિદ્ધ કૃષ્ણનો બોલ તેના પેટ પર વાગ્યો. બોલ તેના પેટ પર વાગતાની સાથે જ કૃષ્ણ તરત જ તેની પાસે પહોંચી ગયો. નાયરને થોડીક સેકન્ડ માટે દુઃખાવો થયો, પરંતુ થોડીવાર પછી તે હસતો જોવા મળ્યો હતો. પછી તેણે ફિઝિયો અને ટીમના બાકીના ખેલાડીઓને તેના શરીર પર બોલનું નિશાન પણ બતાવ્યું હતું. હવે જોવાનું એ છે કે હેડિંગ્લી ટેસ્ટના એક દિવસ પહેલા યોજાનારા નેટ સત્ર નક્કી કરશે કે શું આ ઈજા એટલી ગંભીર છે? શું આનાથી તેના ટેસ્ટ વાપસી પર અસર નહીં પડે?