આણંદ: ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઇભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સીસ (BDIPS), ચારુસેટ હોસ્પિટલ અને ચારુસેટ રૂરલ એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ (CREDP) ના સંયુક્ત ઉપક્રમે કરોલી પ્રાથમિક શાળાના 300થી વધારે વિદ્યાર્થીઓ માટે બ્લડ ગ્રૂપ ટેસ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્લડ ગ્રુપ ટેસ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ચારૂસેટ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં કરોલી ફુનાબા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ સંદીપભાઈ, શિક્ષકો, ચારુસેટ હોસ્પિટલના પેથોલોજી વિભાગના સ્ટાફ અને BDIPSના સ્ટાફે સેવાઓ આપી હતી. આ 5 દિવસ દરમિયાન આયોજિત બ્લડ ગ્રૂપ ટેસ્ટ કાર્યક્રમમાં ચારૂસેટ તરફથી વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કરોલી ગામમાં ફુનાબા પ્રાથમિક શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ તેમજ યુનિફોર્મ વિતરણ કરવાનો કાર્યક્રમ તેમજ દાતાનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બ્લડ ગ્રુપ ટેસ્ટ કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને બ્લડ ગ્રુપ સાથેનું કાર્ડ આપવામાં આવ્યું હતું. ચારૂસેટમાંથી BDIPSના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સુચિત્રા બર્ગે, પંક્તિ પટેલ, બ્રિજેશભાઈ, CREDPના રાજેશભાઈ ગઢવી તેમજ અન્ય વોલેન્ટિયર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચારૂસેટ તરફથી શાળાના દરેક બાળકને નિ:શુલ્ક બ્લડ ગ્રુપ ચેક કરી આપવામાં આવ્યું હતું. BDIPS ના પંક્તિ પટેલે બ્લડ ગ્રુપની આવશ્યકતા અને મહત્વ વિશે સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી આર.આર.પરમાર, બીઆરસી કો-ઓર્ડીનેટર બીપીનભાઈ પ્રજાપતિ, તાલુકા માસ્તર ધર્મેન્દ્રસિંહ મહિડા, બીટ નિરીક્ષક સંજયભાઈ પરમાર, તાલુકા પંચાયતના સભ્ય, એસએમસીના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને શૈક્ષણિક કીટ તેમજ યુનિફોર્મ માટે રૂ. 8 લાખનું દાન આપનાર મુખ્ય દાતા ઇન્દ્રવદનભાઈ ગોરધનભાઈ પટેલ તેમજ કાંતિભાઈ મગનભાઈ પટેલ અને મનુભાઈ મગનભાઈ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.