સુરત: લોકસભા ચૂંટણી 2024 ટાણે ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રુપાલા સામેનો વિરોધ સતત વધી રહ્યો છે. રાજકોટ બાદ હવે રુપાલા સામે સુરતમાં રોષ જોવા મળ્યો છે. આજે તા. 1 એપ્રિલને સોમવારે કરણી સેનાએ રુપાલાની ટિકિટ પાછી નહીં ખેંચી લેવામાં આવે તો સુરતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી બાદ રાજ્યના ક્ષત્રિયો રુપાલાથી ગુસ્સે ભરાયા છે. રાજકોટથી શરૂ થયેલો વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો છે. રાજપૂત કરણી સેના સુરતના સભ્યોએ આજે સુરત જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું. કરણી સેનાએ પુરુષોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી છે. કલેક્ટર કચેરી બહાર કરણી સેનાએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
સુરત કરણી સેનાના શહેર પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકીએ કહ્યું કે, જ્યાં સુધી રુપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિયોનો રોષ શાંત નહીં થાય. વિરોધ ચાલુ રહેશે. જરૂર પડ્યે રસ્તા પર ઉતરી ક્ષત્રિયો આંદોલન કરશે. વધુમાં સોલંકીએ કહ્યું કે, રુપાલાએ ક્ષત્રિયો વિશે કરેલું નિવેદન નિંદનીય છે. તેમણે રાજકીય આગેવાનો સામે માફી માંગી છે. સમાજના અગ્રણીઓને તેઓ હજુ સુધી મળ્યા નથી. તેથી અમે રુપાલાની ટિકિટ કાપવા માંગ કરી રહ્યાં છે.
આવેદનપત્રમાં શું લખ્યું છે?
સુરત કરણીસેના દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આ મામલે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં એવું લખવામાં આવ્યું છે કે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રુપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભવવામાં આવી છે. દેશના મહાન યોદ્ધાઓ અને પ્રજાવત્સલ રાજા માટે અપમાનજનક ભાષાથી ક્ષત્રિય સમાજ અને અનેક રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાઈ છે. ક્ષત્રિય રાજપૂત સમાજની સમરસતા તોડવાનું કામ કરે છે.