પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા. 28 નવેમ્બર શુક્રવારે કર્ણાટકના ઉડુપી ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી કૃષ્ણ મઠની મુલાકાતે પહોંચ્યા. અહીં તેમણે શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને મુખ્ય પુજારી પાસેથી આશીર્વાદ પણ મેળવ્યા. તેમજ પીએમએ 13મી સદીના મહાન આધ્યાત્મિક ગુરુ શ્રી માધવાચાર્યને પણ યાદ કર્યા જે ઉડુપીની વૈષ્ણવ પરંપરાના મુખ્ય આધારસ્તંભ છે.
પીએમ મોદીએ મઠમાં યોજાયેલ ભવ્ય કાર્યક્રમ ‘લક્ષ ગીતા પાઠન’માં પણ ભાગ લીધો. આ કાર્યક્રમમાં 1 લાખથી વધુ ભક્તોએ એક સાથે ભગવદ ગીતાના શ્લોકો વાંચ્યા. આ કાર્યક્રમ ખૂબ ભવ્ય રહ્યો.

આ ઉડુપીની પીએમ મોદીની ત્રીજી મુલાકાત છે. તેઓ પ્રથમ વખત 1993માં અહીં આવ્યા હતા અને બીજી વખત 2008માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. શ્રી કૃષ્ણ મઠની આ તેમની બીજી મુલાકાત છે.
પીએમ મોદીની મુલાકાત પછી ઉડુપીના શ્રી કૃષ્ણ મઠ અને મંદિરે દેશ-વિદેશમાં ફરી ધ્યાન ખેચ્યું છે. આ સ્થળ વર્ષોથી વૈષ્ણવ પરંપરાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. દર વર્ષે કર્ણાટક અને નજીકના રાજ્યોમાંથી હજારો ભક્તો શ્રી કૃષ્ણના દર્શન માટે આવે છે.

તેમજ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ પહેલગામ હુમલા અને સુદર્શન ચક્ર એટ્લે કે રાષ્ટ્રીય સુરક્ષા કવચનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જો કોઈ દુશમન આપણી પર હુમલો કરશે તો આપણું સુદર્શન ચક્ર તેમનો નાશ કરશે.
પીએમએ વધુમાં કહ્યું કે “ઉડુપીની ભૂમિ પર આવવું હંમેશા ખાસ લાગે છે. અહીં આવવું મારા માટે બીજા એક કારણસર પણ ખાસ છે કેમ કે ઉડુપી જન સંઘ અને ભારતીય જનતા પાર્ટીની કર્મભૂમિ રહી છે. તેણે એક નવા શાસન મોડેલનો પાયો નાખ્યો. પાણી પુરવઠા અને ડ્રેનેજ સિસ્ટમ 1970ના દાયકામાં શરૂ કરવામાં આવી હતી. આજે, આ પહેલ દેશની વિકાસ પ્રાથમિકતાઓને માર્ગદર્શન આપી રહી છે.”
ઉડુપી જિલ્લામાં પીએમની મુલાકાત માટે મોટી તૈયારીઓ કરવામાં આવી હતી;
- મંદિર સંકુલમાં ખાસ સફાઈ અને સજાવટ
- રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની ખાસ વ્યવસ્થા
- મોટી ભીડને સંભાળવા સ્વયંસેવકોની નિમણૂક
- તબીબી ટીમો અને કટોકટી ટીમોની તૈનાતી
આ તમામ આયોજનને કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો.
નિષ્ણાતોના મતે પીએમ મોદીની આ મુલાકાતે ઉડુપીની વૈષ્ણવ અને આધ્યાત્મિક પરંપરાને નવો ઉત્સાહ મળ્યો છે. શ્રી માધવાચાર્યની શિક્ષણ પર ફરી ધ્યાન કેન્દ્રિત થયું છે અને મંદિરની રાષ્ટ્રીય ઓળખ વધુ મજબૂત બની છે.