Columns

કર્ણાટકના લિંગાયત મઠના સ્વામીની ધરપકડ : મિત્રતા, ઇર્ષ્યા, રાજકારણ અને સેક્સની ભેળસેળ

રાજકારણમાં જ્યારે ધર્મની મિલાવટ થાય અને તેમાં સેક્સ કૌભાંડનો ઉમેરો થાય ત્યારે બહુ વિસ્ફોટક મિશ્રણ તૈયાર થતું હોય છે. ગુજરાતમાં જેમ પાટીદારોનો પ્રભાવ છે તેમ કર્ણાટકના રાજકારણમાં ૧૮ ટકા મતો ધરાવતી પાવરફુલ લિંગાયત કોમનો ભારે દબદબો છે. કર્ણાટકમાં ભાજપની સરકાર બની અને ચાલી તેની પાછળ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદિઉરપ્પા દ્વારા લિંગાયત કોમનો મેળવવામાં આવેલો ટેકો મહદંશે જવાબદાર હતો. કર્ણાટકમાં લિંગાયત કોમના અનેક મઠો અને મઠાધિપતિઓ છે, જેમાં મુરુગા મઠના સ્વામી શિવમૂર્તિ શરણારુનો પણ સમાવેશ થાય છે. આ સ્વામીજીના ચાર હાથ યેદિઉરપ્પા પર હતા, જેને કારણે લિંગાયત કોમના મતો મેળવવામાં તેમને સફળતા મળી હતી. કર્ણાટકના બીજા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા સીતારામૈયાને પણ શિવમૂર્તિ શરણારુ સાથે ઘનિષ્ઠ સંબંધો છે.

તેમની પ્રેરણાથી જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મુરુગા મઠની યાત્રા કરી આવ્યા હતા અને સ્વામી શિવમૂર્તિ પાસે લિંગાયત ધર્મની દીક્ષા લઈ આવ્યા હતા. આ સ્વામીજી પર તેમના જ મઠની હોસ્ટેલમાં ભણતી બે સગીર કન્યાઓ દ્વારા બળાત્કારનો અને જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્વામી શિવમૂર્તિ પહોંચેલી માયા હોવાથી ફરિયાદ દાખલ થવાના એક સપ્તાહ સુધી પોલીસ તેમની પૂછપરછ કરતાં પણ ડરતી હતી. છેવટે જાગ્રત નાગરિકોનું અને ખાસ કરીને કર્ણાટક હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા વકીલોનું દબાણ વધી જતાં પોલીસને સ્વામી શિવમૂર્તિની ધરપકડ કરવાની ફરજ પડી છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નિકટ હોવાથી ભાજપ સરકાર પણ આ પ્રકરણમાં હળવા હલેસે કામ કરી રહી છે. મુખ્ય પ્રધાન બસવરાજ પાટિલે પણ પોલીસને ઉતાવળમાં કોઈ પગલું ન ભરવાની સલાહ આપી છે. વિપક્ષી નેતા સીતારામૈયા પણ સ્વામીજીની ટીકા કરવાથી દૂર રહ્યા છે. સ્વામીજીનું પ્રકરણ દેખાય છે તેટલું સરળ નથી, પણ તેમાં સેક્સ, ધર્મ અને રાજકારણના દાવપેચો પણ ભળેલા છે.

લિંગાયત મઠના સ્વામીની ધરપકડના પ્રકરણમાં ઊંડા ઊતરતાં તેમાં ગાઢ મિત્રોમાંથી કટ્ટર દુશ્મન બનેલા બે ઇસમોની કથા બહાર આવે છે. સ્વામી શિવમૂર્તિ અને તેમની સામે ફરિયાદ કરવા માટે વિદ્યાર્થિનીઓને તૈયાર કરનારા એસ.કે. બસવરાજન બાળપણના મિત્રો હતા. તેઓ એક જ ગામમાં રહેતા હતા અને લિંગાયત કોમ પૈકી જાંગામારુ સમાજના સભ્યો હતા. શિવમૂર્તિ અને બસવરાજન એક જ વર્ષે મઠમાં જોડાયા હતા. મુરુગા મઠના બે મુખ્ય ઉત્તરાધિકારીઓ તરીકે બસવરાજન અને શિવમૂર્તિની ગણતરી થતી હતી. બસવરાજન સિનિયર હતાં, પણ તેઓ સૌભાગ્યા નામની કન્યાના પ્રેમમાં પડીને તેને પરણી જતાં તેમણે મઠ છોડવો પડ્યો હતો. તેમની વિદાય પછી બીજા સ્થાને રહેલા સ્વામી શિવમૂર્તિ મુરુગા મઠના ગાદીપતિના હોદ્દા પર આવ્યા હતા.

જો કે બસવરાજનની મઠમાં લાગવગ બહુ હોવાથી તેઓ લગ્ન પછી મુરુગા મઠના સંચાલક બન્યા હતા અને મઠની આર્થિક બાબતોની સત્તા તેમના હાથમાં આવી હતી. તેમની સહી વગર કોઈ પેમેન્ટ થઈ શકતું નહોતું. પોતાની વગનો ઉપયોગ કરીને બસવરાજને રાજકારણમાં ઝંપલાવી દીધું હતું. બસવરાજને રાજકારણમાં મઠની સંપત્તિનો દુરુપયોગ કરવા બદલ ૨૦૦૭ માં મઠમાંથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. ૨૦૦૮ માં તેઓ ચિત્રદુર્ગ બેઠક પરથી જનતા દળ (એસ) ની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ૨૦૧૩ માં અને ૨૦૧૮ માં પણ તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પણ હારી ગયા હતા. બસવરાજન જનતા દળ (એસ) માં હતા પણ શિવમૂર્તિ ભાજપના સમર્થક હોવાથી તેમના વચ્ચે દુશ્મનાવટ પેદા થઈ હતી.

બસવરાજનની રાજકીય કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ હોવાથી તેઓ ૧૫ વર્ષના વનવાસ પછી ૨૦૨૨ ના જાન્યુઆરીમાં મઠના સંચાલક તરીકે પાછા ફર્યા હતા, પણ ત્યાં સુધી સ્વામી શિવમૂર્તિએ મુરુગા મઠ પર પોતાની મજબૂત પક્ડ જમાવી દીધી હતી, જેને કારણે બસવરાજનના હાથમાં અગાઉ જેટલી સત્તાઓ આવી નહોતી. તેમની અને સ્વામીજી વચ્ચે અનેક વાર ચકમક ઝરતી હતી, પણ તેમાં સ્વામીજી પોતાનું ધાર્યું કરાવી જતા હતા. પરિણામે બસવરાજનના મનમાં સ્વામીજી પ્રત્યે ઇર્ષ્યાની ભાવના પેદા થઈ હતી.

મુરુગા મઠમાં બસવરાજનને કોઈ પૂછતું ન હોવાથી જુલાઈ મહિનામાં તેમણે કંટાળીને રાજીનામું આપી દીધું હતું. સ્વામી શિવમૂર્તિના આક્ષેપ પ્રમાણે તેમણે જૂના વેરની વસૂલાત કરવા હોસ્ટેલમાં રહેતી કન્યાઓનું અપહરણ કરાવ્યું હતું અને તેમના દ્વારા સ્વામીજી સામે પોલીસમાં ફરિયાદ કરાવી હતી. આ મામલો અત્યંત જટિલ બની ગયો જણાય છે. મુરુગા મઠની હોસ્ટેલમાં રહેતી ૧૫ અને ૧૬ વર્ષની કન્યાઓ દ્વારા સ્વામી શિવમૂર્તિ સામે જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી છે અને તેમની પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ કન્યાઓ દ્વારા મૈસૂરના નઝારાબાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ સ્વામી શિવમૂર્તિ સાડા ત્રણ વર્ષથી તેમનું જાતીય શોષણ કરતા હતા, પણ તેઓ ડરના માર્યા કોઈને ફરિયાદ કરી શકતી નહોતી. પોક્સોના કાયદા મુજબ કોઈ પુરુષ સગીર કન્યાની જાતીય સતામણી કરે કે તેના શરીરનો અનિચ્છનીય રીતે સ્પર્શ કરે તો પણ તેને બળાત્કાર ગણવામાં આવે છે અને જન્મટીપ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આશારામ બાપુ પર પણ આ કાયદા હેઠળ કેસ કરવામાં આવ્યો હોવાથી તેમને જન્મટીપની સજા થઈ છે. આશારામ બાપુ હજુ સુધી જેલમાં જ છે.

હોસ્ટેલમાં રહેતી કન્યાઓની જો સાડા ત્રણ વર્ષથી જાતીય સતામણી થતી હતી તો તેમણે શા માટે અગાઉ સ્વામીજી સામે ફરિયાદ ન કરી? અત્યારે જ કેવી રીતે તેમનામાં ફરિયાદ કરવાની હિંમત આવી ગઈ? તેનો ઉત્તર ચિત્રદુર્ગના રુરલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પરથી આવે છે. આ ફરિયાદ હોસ્ટેલની વોર્ડન દ્વારા કરવામાં આવી છે. તેના કહેવા મુજબ બસવરાજ અને તેમની પત્ની સૌભાગ્યાએ તા. ૨૭ જુલાઈના રોજ હોસ્ટેલમાં રહેતી બે કન્યાઓનું અપહરણ કરાવ્યું હતું અને તેમને પોતાના ઘરમાં ગોંધી રાખી હતી.

તે જ દિવસે આ કન્યાઓને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી અને તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હોસ્ટેલની વોર્ડન દ્વારા બસવરાજન સામે ફરિયાદ કરવામાં આવી છે કે તેઓ મઠના સંચાલકની જવાબદારી નિભાવતા હતા તે દરમિયાન તેમણે મારું પણ જાતીય શોષણ કર્યું હતું. હોસ્ટેલની વોર્ડન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પાછળ સ્વામી શિવમૂર્તિ શરણારુનો હાથ હોવાનું સ્પષ્ટપણે સમજાઈ રહ્યું છે.

એક સમય હતો જ્યારે સંન્યાસીઓ જંગલમાં જઈને સાધના કરતા હતા અને પોતાના આત્માનું કલ્યાણ કરતા હતા. હવે સ્વામીજીઓ મઠાધિપતિ બનતાં તેમના હાથમાં ચિક્કાર સંપત્તિ અને સત્તા આવતા હોય છે. તેમાં રાજકારણની પણ મિલાવટ થાય છે. મઠો દ્વારા શિક્ષણના નામે હોસ્ટેલોની સ્થાપના કરવામાં આવે છે, જેમાં ગરીબ ઘરની કન્યાઓને રાખવામાં આવે છે. જો સ્વામીજી ચુસ્ત બ્રહ્મચર્ય ન પાળતા હોય તો આ કન્યાઓ જાતીય શોષણનો ભોગ બને છે. સ્વામી શિવમૂર્તિના કેસમાં જો તટસ્થ તપાસ કરવામાં આવશે તો જ સત્ય બહાર આવી શકશે.

Most Popular

To Top