કર્ણાટક: ઉડુપી (Udupi) જિલ્લાના કુંડાપુરમાં સરકારી કોલેજમાં ક્લાસમાં વિદ્યાર્થીનીઓના હિજાબ (Hijab) પહેરવાના હક (rights) સામે ચાલી રહેલા વિરોધ (Protest) દરમિયાન ઘાતક હથિયારો (weapons) સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે હત્યાનો (Murder) પ્રયાસ, ઘાતક હથિયારો સાથે રમખાણ (Riot) અને ગુનાહિત ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો છે. પાંચ લોકોનું ગ્રુપ શુક્રવારે વિરોધ સ્થળની આસપાસ ફરતા જોવા મળ્યા હતા. પરંતુ તેઓ વિદ્યાર્થીઓના આંદોલનમાં સામેલ ન હતા. નોંધનીય છે કે હિજાબ પહેરવાનો મુદ્દો રાજ્યમાં કોમી રમખાણ ઊભા કરી શકે છે. શાળામાં (school) હિજાબ પહેરવું કે નહીં તે બાબતે વિદ્યાર્થીઓમાં ભારે વિરોધ નોંધાય રહ્યો છે. જેના પગલે રાજ્યની કેટલીક શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓ ભગવા રંગના સ્કાફ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન હિજાબ વિવાદે રાજકીય રંગ લીધો છે.
પોલીસે જણાવ્યું કે આરોપીઓમાંથી એક નજીકના ગામનો છે. આ સાથે જ અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે તેમનો કોઈ રાજકીય સંબંધ છે કે નહીં. કુન્દાપુર પોલીસને આ સંદર્ભે માહિતી મળી હતી, ત્યારબાદ તે વિરોધ સ્થળ પર પહોંચી અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ત્રણ લોકો ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં 41 વર્ષીય રજબ અને 32 વર્ષીય અબ્દુલ મજીદનો સમાવેશ થાય છે, જેમની સામે સાત કેસ નોંધાયેલા છે. કુંડાપુર શહેર નજીક ગંગોલી ગામના પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
ઉલ્લેખીનય છે કે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં મુસ્લિમ છોકરીઓ દ્વારા પહેરવામાં આવતા હિજાબ અથવા માથાના સ્કાર્ફને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે શનિવારે હિંદુ વિદ્યાર્થીઓની એક માર્ચ નીકળી હતી જેમાં તેઓએ ભગવા સ્કાર્ફ પહેર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાએ રાજ્ય સરકારને “સમાનતા, અખંડિતતા અને જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડતા” કપડાં પર પ્રતિબંધ મૂકવાની પ્રેરણા આપી.
કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને લઈને વિવાદ ઊભો થતાં રાજ્ય સરકારે શનિવારે શાળાઓ અને કોલેજોમાં સમાનતા, અખંડિતતા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતા આવા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “કર્ણાટક એજ્યુકેશન એક્ટ, 1983ની કલમ 133(2) લાગુ કરવામાં આવી છે જે એવી જોગવાઈ કરે છે કે ડ્રેસની એકસમાન શૈલી ફરજિયાતપણે પહેરવી જોઈએ. પ્રાઈવેટ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન તેમની પસંદગીનો ડ્રેસ પસંદ કરી શકે છે.
સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓએ કોલેજ ડેવલપમેન્ટ કમિટી અથવા કોલેજોના એડમિનિસ્ટ્રેટિવ બોર્ડની એપેલેટ કમિટી દ્વારા નક્કી કરાયેલ ડ્રેસ પહેરવાનો રહેશે. આદેશ અનુસાર, “વહીવટી સમિતિ દ્વારા ડ્રેસની પસંદગી ન કરવાની સ્થિતિમાં, સમાનતા, અખંડિતતા અને કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા કપડાં પહેરવા જોઈએ નહીં.” સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટક શિક્ષણ અધિનિયમ, 1983 કે તમામ વિદ્યાર્થીઓ સમાન ડ્રેસ પહેરવો જોઈએ જેથી તેઓ એકસરખા દેખાય અને એવી રીતે વર્તે કે કોઈ ભેદભાવ ન હોય.
રાજ્યમાં એવી ઘણી ઘટનાઓ બની છે કે જ્યાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને કૉલેજ, ક્લાસમાં જવા દેવામાં આવતા નથી, જ્યારે હિજાબના જવાબમાં હિંદુ વિદ્યાર્થીઓ કેસરી શાલ સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં આવી રહી છે. આ મુદ્દે વિવાદ જાન્યુઆરીમાં ઉડુપી અને ચિક્કામગાલુરુમાં શરૂ થયો હતો, જ્યાં છોકરીઓ હિજાબ પહેરીને ક્લાસમાં આવતી હતી. આ પછી, કુંડાપુર અને બિંદુરની કેટલીક અન્ય કોલેજોમાં પણ આવા જ કિસ્સા સામે આવ્યા. પાછળથી કેટલાક અન્ય સ્થળોએ પણ આવા જ કિસ્સાઓ નોંધાયા હતા જ્યાં મુસ્લિમ છોકરીઓએ હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી માંગી હતી. આ દરમિયાન હિજાબ વિવાદે રાજકીય રંગ લીધો છે. રાજ્યમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ કહ્યું કે સરકાર શિક્ષણ પ્રણાલીના “તાલિબાનીકરણ”ને મંજૂરી આપશે નહીં. તે જ સમયે, વિપક્ષી પાર્ટી કોંગ્રેસ મુસ્લિમ યુવતીઓના સમર્થનમાં આગાળ આવી છે.