ઈશ્વરે માનવીને જે કાર્ય માટે નિયુક્ત કર્યા હોય એ કાર્ય એ માનવી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરે એને પણ પૂજા સમાન ગણી શકાય. વકીલ, ડોક્ટર, ગૃહિણી, રાજકારણી, શિક્ષક, વેપારી વિ. સ્વયંના ક્ષેત્રમાં ઈમાનદારીપૂર્વક પોતાની ફરજ નિભાવે, માનવતાલક્ષી દૃષ્ટિકોણ દાખવે તો એ એમની પૂજા જ છે. ડોક્ટર દર્દીને સાચું નિદાન જણાવી ખોટા ખોટા ટેસ્ટ ન કરાવે, જરૂર (જરૂર હોય તો જ કરાવે) એ ડોક્ટરની પૂજા કહેવાય! વકીલ, અસીલને સાચી સલાહ આપી તારીખ પર તારીખ ન પડાવે અને ટૂંક સમયમાં ન્યાય અપાવે તો એ વકીલની પૂજા ગણાશે. રાજકારણીઓ સત્તા પર આવી પ્રજાને પ્રદાન કરેલાં વચનો નિભાવે અને પ્રજાલક્ષી કાર્યો કરે તો એ એમની પૂજા કહેવાય. શિક્ષક વિદ્યાર્થીને શાળામાં જ ઉચિત શિક્ષણ પ્રદાન કરે (ટયુશનની લાલચ વિના) તો એ સાચો શિક્ષક ગણાય એ એની પૂજા.
ગૃહિણી ગૃહસામ્રાજ્યની ફરજ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરે, વડીલોની સેવા, પરિવારની સુખ-સગવડ નિષ્ઠાપૂર્વક સાચવે તો એ ગૃહિણીની પૂજા ગણી શકાય. એક વેપારી ગ્રાહકને તોલમાપમાં છેતરે નહીં. ભેળસેળવાળો માલ પધરાવે નહીં તો એ એ વેપારીની પૂજા કહેવાય. સારાં કર્મો જ મનુષ્યને ઊર્ધ્વગામી બનાવે છે, પ્રગતિશીલ બનાવે છે. નિષ્ઠાપૂર્વક કર્મ કરવામાં આવે તો ઈશ્વર અવશ્ય કૃપા અર્પણ કરે જ છે. પછી મંદિર કે પૂજાપાઠની આવશ્યકતા રહેતી નથી. સ્વચ્છ દિલોદિમાગથી કરેલાં કર્મ પૂજાસ્વરૂપ જ હોય છે. ફક્ત એમાં નિ:સ્વાર્થ ભાવના હોવી જરૂરી. આર્થિક લાભ તો હોય જ અને માનસિક સંતોષ તથા શાંતિ પણ પ્રાપ્ત થાય.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પેન્શનવધારો કરવામાં વિલંબ કેમ?
2014માં સરકારે ન્યુનતમ પેન્શન રૂા. 1000/- કર્યું હતું. જે વાતને 10 વર્ષ થઈ ગયાં છે. છેલ્લા ખૂબ લાંબા સમયથી પેન્શનવધારા અંગે પેન્શનધારકોનાં જુદાં-જુદાં સંગઠનો દ્વારા શ્રમ મંત્રાલય, સાંસદો અને વડા પ્રધાન સુધી નિરંતર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આશ્વાસન અને વાયદા આપ્યા સિવાય પરિણામ શૂન્ય છે. 76 લાખ પેન્શનધારકોમાંથી મહત્તમ સંખ્યામાં એવા છે કે તેમની માસિક દવાઓ મેડીશીનનો ખર્ચ હજારોમાં થતો હોય છે. તો આ અંગે વર્તમાન સરકાર બેફામ મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ પેન્શનધારકોના આર્થિક હિતમાં ન્યુનતમ પેન્શન 7500/- અને મહત્તમ પેન્શન 15000/- અંગે હવે વિલંબ કર્યા વિના તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવો જરૂરી બન્યો છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.