ઇશ્વરે રચેલા આ જગતને જાણવા માટે સૌથી વિશેષ વસ્તુ ગણીએ તો કર્મ છે. કારણ કે કર્મ થકી જ સુખદુ:ખ આધિવ્યાધિ, શાંતિ-સંતાપ, હર્ષ-શોક વિસ્તરી રહ્યા છે. આપણે સતત પ્રવૃત છીએ. એકેય ક્ષણ જીંદગીની એવી નથી કે આપણે કર્મ કર્યા વગર રહી શકીએ છીએ. કારણ કે જીવન કર્મને આધિન છે એટલે જીવમાત્ર સતતને સતત કર્મ કરતો રહે છે. ભગવાન પણ ખુદ કહે છે કે જયારે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું ત્યારે મારે પણ કર્મને આધિન થવું પડે છે. આપણે જે કંઇ કરીએ છીએ તે સમજી વિચારી કરીએ છીએ. પરંતુ કર્મ ગમે તેટલુ સમજી વિચારી કરીએ તો પણ કર્મબંધનથી બંધાઈ જઈએ જ છીએ. માટે જ શાસ્ત્રો કહે છે
કર્મની ગતિ ન્યારી છે વળી વેદો ગાય છે.
‘કરમ પ્રધાન વિશ્વ કરિ રાખા’
જો જસ કરઇ વો તસ ફલ ચાખા’
કર્મ તો ઇશ્વરને આધિન છે જે જેવું કરે તેવું પામે. સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ આપણે શું કરવું એ હવે આપણા હાથમાં જ છે. સવારથી ઉઠીને માણસ કર્મ કરતો થઇ જાય છે. સવારે ઉઠીને રોજનું નિત્યકર્મ, નાહવું. પૂજાપાઠ ચા નાસ્તો સેવા પુજા વગેરે… તે સાંજે સુવા સુધી પણ આ કર્મ પાછળ આપણી કઇ ભાવનાઓ જોડાયેલી છે તે અનુસાર ફળ મળે છે. તમે ઇશ્વરને ભજો છો તો નિસ્વાર્થ ભજો. કોઇને દાન-પુણ્ય કરો છો તો નિસ્વાર્થ કરો. કોઇ આર્થિક કે સામાજીક મદદ કરો છો તમારી ફરજ સમજીને કરો. તમારા કર્મો નહીં બંધાય અને બંધાય તો પણ સારા બંધાય. આ બધુ કરવા પાછળ આપણી કેવી ભાવનાઓ છે તે પ્રમાણે ફળ મળે છે.
આપણે વિચારીએ કે મેં કોઇને દાન કર્યું છે અને ભગવાન મારું સારુ કરશે, એટલે ભલે દાન આપવા પાછળ તમારી સારી ભાવના હશે પણ કર્મ તો બંધાઈ જ જશે. આથી જ ભગવાને ગીતામાં કહેલું છે કે ‘કર્મ કરવું દરેક માણસનો અધિકાર છે પણ ફળ પ્રાપ્તિની ભાવનામાં નહિ’ કારણ કે આમાં તમારી નિ:સ્વાથ વૃતિ નથી. કંઇક મેળવવા માટે કર્મ કરીએ છીએ માટે કર્મથી બંધાઈએ છીએ જે મોક્ષનો માર્ગ નથી. કર્મનો સિદ્દાંત એ છે કે આપણે જે કર્મ કરીએ તેનું સારું કે નરસું ફળ આપણને મળીને જ રહેવાનું છે તો પછી તેની મહેચ્છા કે આંકાંક્ષામાં શા માટે જીવવું? કર્મ એ બંધન જરૂર છે પણ નિસ્વાર્થતાથી કરેલું કર્મ કદાપી બંધન નથી. બીજાને ગમે તે મદદ કરો પણ પોતાની ફરજ સમજીને કરો. આ વિશ્વમાં જે કંઈ ઇશ્વરે મને આપ્યું છે તે મારું એકલાનું નથી બધાનું છે એવો દૃષ્ટિકોણ રાખીએ અને જીવીએ તો સારું જ પરિણામ મળશે. સાત્વીક જીવનના કર્મો સારા ફળ આપે છે અને સુખ આપે છે જયારે ખરાબ કર્મો જેવા કે બીજાનું લુંટી લેવું, બીજાને શારિરીક માનસિક દુ:ખ આપવું. હેરાન કરવા આવા કુકર્મો દુ:ખદાયી છે. આપણે શું કરવું આપણે વિચારવાનું છે. જન્મો-જન્મ કર્મના બંધન ચાલ્યા જ કરે છે. જયારે નિ:સ્વાર્થતા આવે છે ત્યારે જ મુક્તનો માર્ગ મળે છે.