એક દિવસ એક શેઠ કારણ વિના પોતાના મેનેજરને ખૂબ ખીજાયા.મેનેજરને બહુ ગુસ્સો આવ્યો પણ તે શેઠને કંઈ કહી શક્યો નહિ.મેનેજર પોતાનો ગુસ્સો ક્યાં કાઢે.તે ગુસ્સામાં પોતાના ટેબલ પર બેઠો અને એક પછી એક બધા સ્ટાફને બોલાવી કારણ હોય કે ન હોય વાંક કાઢી ખીજાવા લાગ્યો.શેઠ તેને ખીજાયા હતા તેના કરતાં બમણું તે બધાને ખિજાયો પછી મેનેજરને શાતા વળી.
મેનેજરના ગુસ્સાનો ભોગ બનેલા સ્ટાફનાં સભ્યો ગુસ્સો ક્યાં ઉતારે.કોઈ પોતાની હાથ નીચેના ટ્રેનીને ખીજાયું, કોઈ પ્યુનને.આ ટ્રેની અને પ્યુન ઘરે જતાં જતાં ગુસ્સામાં ગેટ પર ઊભેલા વોચમેનને ખીજાઈને પોતાનો ગુસ્સો ઉતાર્યો.આ વોચમેન ઘરે જઈ કારણ વિના કેમ આવી રસોઈ કરી છે કહી પત્નીને ખીજાવા લાગ્યો.પત્ની ગુસ્સામાં ઊભી થઇ અને કારણ વિના પોતાના છ વર્ષના દીકરાને બે લાફા મારી દીધા કે આખો દિવસ ટી.વી.જુએ છે, ભણતો નથી.હવે બાળકને ગુસ્સો આવ્યો કે મને કારણ વિના મા શું કામ ખીજાય.
બાળક ગુસ્સામાં ઘરની બહાર દોડી ગયો અને ગુસ્સો ઉતારવા રસ્તા પર એક બાજુ સૂતેલા કૂતરાને પથ્થર માર્યો.કૂતરો ડરીને ભાગ્યો અને રસ્તામાં જે માણસ સાથે અથડાયો તે માણસને બચકું ભરી લીધું.આ માણસ કોણ હતો? આ માણસ એ જ શેઠ હતો જે પોતાના મેનેજરને કારણ વિના ખિજાયો હતો.શેઠ પણ વિચારવા લાગ્યો કે આ કૂતરાને તો મેં કંઈ નથી કર્યું તો મને શું કામ કરડ્યો?
કંઇક સમજાયું? આ ગુસ્સા અને ક્રોધની પરંપરા સર્જાઈ તેનું બીજ કોણે વાવ્યું હતું.શેઠે. એટલે ફળ કોને મળ્યું? શેઠને. કર્મનું ફળ મળીને જ રહે છે.આપણા જીવનમાં પણ જાણ્યે અજાણ્યે કેટલાંય લોકો આપણા વ્યવહારથી ત્રસ્ત રહે છે, પરેશાન થાય છે અને ઘણાંને તો આપણા વ્યવહારને કારણે નુક્સાન પણ થાય છે પરંતુ આપણને તેનો અંદાજો પણ નથી આવતો. આપણે આપણા પદ, પ્રતિષ્ઠાના મદમાં, શ્રીમંતાઈ કે મોટાઈના ઘમંડમાં એવાં ચૂર હોઈએ છીએ કે આપણને આપણા વર્તનથી કોઈનું અપમાન કર્યું કે કોઈનું નુકસાન કર્યું તે સમજી શકતાં નથી. આપણે નથી સમજતાં કે આપણે કોઈને દુઃખ પહોંચાડ્યું. જેને દુઃખ પહોંચે છે તે વ્યક્તિ કંઈ કરી શકતો નથી પરંતુ કુદરત બધું જુએ છે અને કોઈ ને કોઈ રીતે કુદરત તે વ્યવહારનું ફળ આપણા સુધી પહોંચે જ છે.આપણને થાય છે કે આવું આપણી સાથે શું કામ થાય છે પણ તે આપણા જ કોઈ કર્મનું ફળ હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.