કરીના કપૂરમાં હજુ પ્રેક્ષકોને પણ ખુશ કરી દેનારો ચમત્કાર બચેલો છે? આનો ઉત્તર હજુ પણ ‘હા’માં આપવો પડે. તે 41 વર્ષની થઇ ચુકી છે પણ હજુ ફિલ્મો માટે પર્ફેક્ટ છે. તૈમર પછી જહાંગીરની તે મા બની છે એ ખરું પણ તે કાંઇ મધ્યમ વર્ગીય ગૃહિણી નથી. તેને બોર્ન સ્ટાર છે અને પરદા પર હજુ કામણ કરી શકે છે. આ કામણનો પહેલો પરિચય તે ‘લાલસિંઘ ચઢ્ઢા’ થી આપશે પણ એ ફિલ્મ તો આ વર્ષે ઓગસ્ટમાં આવવાની છે. જે ફિલ્મનું શૂટિંગ પૂરું થાય તેનામાં તે રોકાયને રહેતી નથી અને નવી ફિલ્મ શરૂ કરી દે છે. તેની બે ફિલ્મો ખૂબ ખેંચાય ગઇ તેમાં આ એક ‘લાલ સિંઘ ચઢ્ઢા’ અને બીજી તે કરણ જોહર દિગ્દર્શીત ‘તખ્ત’. હવે તે આ ઉપરાંતને ફિલ્મો પર ફોકસ કરી રહી છે અને તેમાં હંસલ મહેતાની એક ફિલ્મ છે. હજુ શીર્ષક ભલે નક્કી નથી થયું પણ કરીના તેનું શૂટિંગ કરી રહી છે. હંસલ મહેતા જેવા દિગ્દર્શકે તેના માટે એક જાનદાર પાત્ર સર્જયું છે. મનોજ વાજપેયી, રાજકુમાર રાવ, પ્રતિક ગાંધીને મજબૂત પાત્રો વડે લોકપ્રિય બનાવનાર હંસલ મહેતા પર કરીનાને ભરોસો પણ ઘણો છે.
કરીના હવે ફકત મનોરંજક ફિલ્મ પૂરતી પોતાને મર્યાદિત બનાવવા નથી માંગતી પણ પોતાની દરેક ભૂમિકાપર મહેનત કરવા માંગે છે. હવે તેની પર ટોપ પર રહેવાનું દબાણ પણ નથી. આ કારણે જ તે દેવ બેનેગલની ‘બોમ્બે સમુરાઇ’ નામની ફિલ્મ સાથે પણ રોકાયેલી છે. આ એક આંતરરાષ્ટ્રીય સ્તરની ફિલ્મ બનશે. કરીના સાથે ફરાન અખ્તર નક્કી થયા છે અને ત્યાર પછી કરણ જોહરની ‘ગોરી તેરે પ્યાર મેં’ ફિલ્મ છે. કરીના કહે છે કે અત્યારે હું જે ફિલ્મો કરી રહી છું તેમાં મારી ભૂમિકા એકદમ ઇન્ટ્રેસ્ટિંગ છે. ‘બોમ્બે સમુરાઇમાં અક્ષય ખન્ના, અભય દેઓલ, નવાઝુદ્દીન સિદ્દીકી પણ છે. આ ફિલ્મમાં ઋતિક રોશન પણ એક ભૂમિકા કરે એવી શકયતા છે. કરીના કપૂરને ફિલ્મોમાં આવ્યાને 21 વર્ષ થઇ ચૂકયા છે.
તેની બહેન કરિશ્મા કરતાં તે વધારે સારી રહી છે. શાહરૂખ, આમીર, સલમાન, ઋતિક વગેરે તેની સાથે જોડી બનાવવા ઉત્સુક રહ્યા છે. તે મણીરત્નમની ‘યુવા’માં કે સુધીર મિશ્રાની ‘ચમેલી’માં અને કેન ઘોષની ‘ફીદા’માં ય કામ કરી ચુકી છે. ‘ફીદા’માં તો તે ખલનાયિકા જેવી તી. ‘યુવા’ જોઇને તો વિશાલ ભારદ્વાજે તેને ‘ઓમકારા’માં લીધી હતી. ઇમ્તિયાઝ અલીની ‘જબ વી મેટ’ તેની રોમેન્ટિક ફિલ્મોમાં એકદમ ખાસ છે. કરીનાએ રોહિત શેટ્ટીની ફિલ્મમાં મસ્ત કોમેડી પણ કરી છે. રાજકુમાર હીરાનીની ‘થ્રી ઇડિયટ્સ’ને પણ તમે ખાસ ગણી શકો. તેને સારા પાત્રો આપો તો સહજ ટેલેન્ટથી ખાસ બનાવી દે છે. ‘સીંઘમ રિટર્ન્સ’, ‘બજરંગી ભાઇજાન’, ‘ઉડતા પંજાબ’ જોતાં લાગશે કે તે નિર્માતાની જરૂરિયાત માટે તેમાં હતી. તેની આ વેલ્યુ ઓછી નથી થઇ એટલે જ તેણે ‘ગુડ ન્યૂસ’ આપેલા અને ‘અંગ્રેજી મિડીયમ’માં પણ કામ કરેલું. હમણાં તે સુજોય ઘોષની ફિલ્મમાં પણ કામ કરે છે જે ‘ધ ડેવોશન ઓફ સસ્પેકટ એકસ’ પરથી નેટફિલકસ માટે બની રહી છે.