કરીના કપૂર હવે પૂનમનો ચાંદ થઈ ગઈ છે ને ફિલ્મના આકાશમાં તેની પૂનમ હમણાં બે વર્ષે આવી રહી છે. તેને જો કે ન તો સૈફ અલી ખાને કે ન તો આમીર ખાને રોકી રાખી હતી. તે જહાંગીરની મમ્મી બની તે એક કારણ અને કોરોના બીજું કારણ. બાકી કરીનાનો ચાહક કેટરીના કરતાંય વધારે છે. તે ‘લાલ સીંઘ ચઢ્ઢા’માં કામ કરતી હતી અને આમીર તો એટલી શાંતિથી ફિલ્મ બનાવે છે કે વચ્ચે બે લગ્ન અને ડાયવોર્સથઈ જાય તોય ખબર ન પડે. પણ અહીં બીજી વાત પણ નોંધવી જોઈએ કે હમણાં તેની જેની સાથે જોડી લોકપ્રિય છે તે તો આમીરખાન સાથે જ છે. સલમાન અક્ષયકુમાર સાથે તેની ફિલ્મો આવી છતાં આમીરખાન સાથે તે વધારે જામે છે.
‘તલાશ’માં અને પછી ‘થ્રી ઈડિયટ્સ’માં બંનેને પસંદ કરાયા હતા. આમીર કરીનાને પોતાની ફિલ્મમાં ઈચ્છે છે કે કારણ કે તેનો ચાર્મ હજુ પણ ઓછો નથી થયો અને તે પણ, એટલે કે કરીના પણ પર્ફેક્શનની આગ્રહી છે. આમીર નવી નવી હીરોઈન સાથે કામ કરવાનો કોમ્પલેક્સ ધરાવતો નથી એટલે કરીના સાથે ફરી આવ્યો છે. જોકે ‘લાલ સીંઘ ચઢ્ઢા’માટે અભિનેત્રી પસંદ કરવાની હતી ત્યારે આમીરખાન અને ફિલ્મનાં દિગ્દર્શક અદ્યૈત ચંદને બીજી અભિનેત્રીઓને પણ જોઈ હતી પણ આકસ્મિક રાતી જ તેમણે કરીનાને જોઈ અને થયું લિડીંગ લેડી તરીકે એજ યોગ્ય રહેશે. આમીર તો કરીનાને જોઈને બોલી પડ્યો હતો, ‘કમાલ લગ રહી થી વો’. અદ્યૈત તેને કહ્યું પણ, ‘કરીનાની ઉંમર થઈ રહી છે.’તો આમીરનો જવાબ હતો ‘મેરી હો રહી હે, ઊસકી ભી હો જાયેગી. અને કરીના જ નહીં ‘થ્રી ઈડિયટ્સ’વાળી મોના સીંઘ પણ નક્કી થઈ ગઈ.
કરીના કપૂર ફિટનેસ ફેક છે અને તે આજે પણ દરેક ફેશનમાં જામે છે. પરદા પર જુઓ તો મનમાં નકાર નથી આવતો કે ‘છટ્, આ કોને લઈ લીધી છે!’તે સ્વભાવિક સ્ટાઈલીશ છે. ભલે તે આવતા મહિને 42ની થવાની હોય. કરીના છેલ્લા પાંચ-સાત વર્ષમાં ‘ગબ્બર ઈઝ બેક’, ‘બજરંગી ભાઈજાન’, ‘કી એન્ડ કા’, ‘ઉડતા પંજાબ’, ‘વીરે દી વેડિંગ’, ‘ગુડ ન્યૂસ’, ‘અંગ્રેજી મિડીયમ’માં આવી છે. ને આવી ત્યારે પ્રેક્ષકોની આંખમાં વસી ય છે. અને તમે માનો ન માનો પણ આમીરે કરીનામાં વિશ્વાસ મુકયો પછી અત્યારે કુલ છ ફિલ્મોમાં તે આવી રહી છે.
એ ફિલ્મો જરા જૂદી ય છે. જેમ કે સુજોય ઘોષની ફિલ્મમાં પતિ વિના રહેતી સ્ત્રી અને તેની દિકરીની વાત છે જે એક અપરાધ કરે છે. જેમાં પડોશીએ પણ મદદ કરી છે અને પોલીસ તપાસનો મામલો શરૂ થાય છે. કરીના આખી ફિલ્મના કેન્દ્રમાં છે ને સાથે જયદીપ અહલાવત છે. બીજી એક ફિલ્મ રાજેશ ક્રિષ્નનની છે. ત્રીજી હંસલ મહેતાની, ચૌથી સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ જેમાં કરીના સાથે પ્રભાસ છે અને કરણ જોહરની ‘તખ્ત’તો છે જ. તમે કહી શકો કે તે અત્યારે ખૂબ કામમાં છે. તેનો દિકરો હવે પાંચ વર્ષનો થઈ ગયો છે એટલે પણ તે આરામથી કામ કરી શકે છે.
બીજું એમ પણ કહી શકાય કે સૈફ અલી ખાન સાથેના લગ્નને 10 વર્ષ થઈ ચુક્યા છે અને લગ્નજીવન સારું ચાલી રહ્યું છે. કરીના ફેમિલીને યોગ્ય રીતે સંભાળી રહી છે. જો કુટુંબ બરાબર ચાલતું તો જ તે આટલી ફિલ્મોમાં ફરી કામ કરતી હોય. હમણાં કરન જોહર સાથે કોફી પીતાં પીતાં તેણે જે વાત કરી હતી તે પણ મઝાની છે. કરને પૂછયું તેના જવાબમાં કહેલું કે મને આમીર કરતાં અક્ષયકુમાર સાથે કામ કરવામાં એક રીતે સારું છે. આમીર 100-200 દિવસમાં ફિલ્મ પૂરી કરે જ્યારે અક્ષય 30 દિવસમાં નિપટાવી દે. આમીર આ જવાબથી ચોંકી ગયેલો પણ વાત તો સાચી જ છે. પરંતુ આમીર સાથેની ફિલ્મ સ્પેશિયલ બની જાય છે ‘લાલ સીંઘ ચઢ્ઢા’આવી જ છે તો જોઈ લેજો. •