કાર્તિક આર્યનને વિકી કૌશલ પછીનો મોસ્ટ પ્રોમિસીંગ સ્ટાર ગણવામાં આવતો હતો પણ અચાનક બે ફિલ્મમાંથી પડતા મુકાવાના કારણે તેની આ ઇમેજને ધકકો લાગ્યો છે. ફિલ્મોમાં અમુક સ્ટાર્સ નકકી થયા પછી તેને બદલવામાં આવે એવું કાંઇ હમણાં જ બને છે યા બન્યું છે એવું નથી. એવું બનવાના અનેક સંજોગો હોય છે ને કારણો હોય છે. કાર્તિકને કરણ જોહર જેવા નિર્માતાએ પડતો મુકયો તેના કારણે જરા વધારે ચર્ચા ચાલી નીકળી છે. કરણની ફિલ્મ પછી આનંદ એલ. રાયની ફિલ્મમાંથી ય તેને પડતો મુકાયાની વાત આવી ત્યારે આનંદ એલ. રાયે કહ્યું કે મેં તેને કોઇ ફિલ્મમાં લીધો જ નથી તો પડતો મુકવાની વાત જ કયાં છે?
દરમ્યાન શાહરૂખે પણ તેની ફિલ્મમાંથી કાર્તિકને પડતો મુકયો. અનુભવ સિંહા અને અપૂર્વ અસરાનીને લાગે છે કે કાર્તિક વિરુધ્ધ આ જાણી જોઇને નકારાત્મક પ્રચાર થઇ રહ્યો છે. આવુ સુશાંતસિંઘ રાજપૂત સાથે થયેલું અને હવે કાર્તિકનો વારો કઢાયો છે. જરા વિચારો કે શાહરૂખ તો કોઇ મોટો નિર્માતા નથી. તે પોતાને સ્ટાર તરીકે ટકાવી રાખવા નિર્માતા બને છે. તેની હાલત અત્યારે સ્ટાર તરીકે ય ખરાબ છે તે કાર્તિકને ફિલ્મ આપી શકે?
ખેર! જે કાંઇ બની રહ્યું છે તેમાં કાર્તિકે જ સ્વસ્થતા રાખવાની છે કારણકે આખર તો તેની આવનારી ફિલ્મ કેવી સફળ રહે તેના આધારે જ ઇન્ડસ્ટ્રીમાં તેનું સ્થાન આગળ વધશે. કરણ જોહર કે શાહરૂખ કોઇને પોતાની ફિલ્મમાંથી પડતો મુકે એટલે કોઇની પ્રતિભા ઓછી થઇ જતી નથી. સારું છે કે કાર્તિકે પોતાને પડતા મુકનારા નિર્માતા વિશે કોઇ પ્રતિક્રિયા નથી આપી. દરમ્યાન તેની નેટફલિકસ પર રજુ થનારી ‘ધમાકા’નું ટીઝર રિલીઝ થઇ ગયું છે ને તેમાં તે ઘણો પ્રભાવક લાગે છે. એક સાદી વાત એ છે કે કરણ, શાહરૂખ જેવાએ તેને પોતાની ફિલ્મ માટે લીધો હતો તેનો અર્થ જ એ કે કાર્તિકને તે પ્રોમિસીંગ સમજે છે.
પણ કરણ જોહર, સલમાન ખાન, સાજીદ નડિયાદવાલા વગેરે ફિલ્મના રાજકારણમાં ખેલાડી ગણાય છે. બાકી લવરંજનથી માંડી ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાંકામ કરવાનો અર્થ જ એ કે કાર્તિક પાસે મોટી અપેક્ષા રાખવામાં આવે છે. તેણે અત્યાર સુધી રોમેન્ટિક – કોમેડી કરી પણ ‘ધમાકા’ એક થ્રીલર છે કે જે ‘નીરજા’ બનાવનાર કિગ્દર્શક રામ માધવાનીએ બનાવી છે. ‘ભુલ ભુલૈયા’ની સિકવલમાં તે કિયારા અડવાણી અને તબુ સાથે છે. ત્રીજી ફિલ્મ રોહિત ધવનની છે કે જે તેલુગુ ફિલ્મની રિમેક છે. આ ઉપરાંત ઓમ રાઉતના દિગ્દર્શનમાં બની રહેલી એકશન ફિલ્મ તો હોંગકોંગમાં ફિલ્માવાય રહી છે. કાર્તિક સમજદારી દાખવી વૈવિધ્ય માટે પ્રયત્ન કરે છે. રોની સ્ક્રુવાલાની બે ફિલ્મો માટે પણ તે કરારબધ્ધ થયો છે અને હંસલ મહેતાની ફિલ્મ પણ તેની બની શકે છે. એટલે હજુ પણ કહી શકાય કે તે મોસ્ટ પ્રોમિસીંગ સ્ટાર છે જ. જેણે ફિલ્મોમાં લાંબા સમય માટે ટકવું હોય તેણે ફિલ્મોદ્યોગના રાજકારણ સાથે કેવી રીતે કામ પાર પાડવું તે શીખી લેવું જોઇએ.
વાત એટલે જ છે કે જો તમે સફળ ફિલ્મો આપશો તો ગમે તેવો વિરોધ થતો હશે કે રાજકારણ રમાતું હશે તો ય કોઇ વાંધો નહીં આવશે. કાર્તિક પોતાના કામ પર જ ધ્યાન આપશે તો બધું ભુલાય જશે. દરેક સ્ટાર્સની જિંદગીમાં કોઇને કોઇ તબકકે આ રીતે સંઘર્ષ ઊભો થાય છે. અમિતાભથી માંડી અનેકે એવા સંજોગો પાર કરવા પડયા છે કે જો તેમાંથી પાર ન ઊતરતે તો મટી જતે. માત્ર એકટિંગ આવડવાથી સ્ટાર નથી થવાતું. સંજોગો જીતવાની ત્રેવડ સ્ટાર બનાવે છે. કરણે ‘દોસ્તાના-2’ માંથી કે શાહરૂખે ‘ગુડબાય ફ્રેડી’માંથી પડતો મુકયો તેનાથી કારકિર્દી અટકી નથી પડી. કરણની અનેક ફિલ્મોના કળાકારો નિષ્ફળ ગયા છે.
‘દોસ્તાના-2’માં તે જાહ્ન્વી કપૂર સાથે આવી રહ્યો હતો. કાર્તિકે કરણ સામે કેટલાંક પ્રશ્નો ખડા કર્યા હતા. ફિલ્મના સેકંડ હાફ વિશે તેને વાંધો પડયો હતો. કારણને આ ગમ્યું નહીં. નવા સ્ટાર્સને નિર્માતા સાંભળતા નથી, અને કાર્તિક પોતાની દરેક ફિલ્મ વિશે કાળજી રાખે છે. આ અધિકાર તો દરેકનો છે. હા, ફિલ્મ સાઇન કર્યા પહેલાં પટકથા અને પોતાના પાત્ર વિશે સ્પષ્ટતા થયેલી હોવી જોઇએ. પછી વચ્ચે વાંધો પાડે તો ખોટું. મઝા એ રહેશે કે કરણ હવે કાર્તિકની જગ્યાએ જેને લેશે તેના વડે ફિલ્મ સફળ જશે? ન જશે તો?