“તમે તમારું મકાન બદલીને કેમ આ વિસ્તારમાં આવ્યા?” “એક જ કારણે હું અહીં આવ્યો. મને અહીંથી ‘ડી માર્ટ’ બહુ નજીક પડે છે. આથી ગમે ત્યારે કોઈ પણ વસ્તુ મારે મંગાવવી હોય તો સારું રહે છે.” આ સંવાદ કાલ્પનિક નહીં, સાવ વાસ્તવિક છે. પહેલી વારમાં એ હાસ્યપ્રેરક જણાય, પણ પછી સમજાય કે હવે લોકોની પ્રાથમિકતા કઈ હદે બદલાઈ ગઈ છે. ખરીદી હવે જરૂરિયાત નહીં, પણ આદત બની ગઈ છે અને ઘણા કિસ્સામાં એ આદત મટીને વળગણ બની રહી છે. આવું પ્રથમ નજરે સૌને લાગે, પણ ડિસેમ્બર, 2024ના આખરી સપ્તાહમાં સરકારે બહાર પાડેલા એક અહેવાલનાં પરિણામોમાં પણ આ હકીકત ઉજાગર થઈ છે. પહેલાં આ સર્વેક્ષણ વિશે.
ભારત સરકારના સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય દ્વારા ઑગસ્ટ, 2023થી જુલાઈ,2024ના સમયગાળા દરમિયાન કરાયેલા ઘરેલુ ખર્ચના આંકડાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, જેનાં પરિણામ ડિસેમ્બર, 2024ના અંતિમ સપ્તાહમાં પ્રકાશિત કરાયાં. બધું મળીને 2.61 લાખ ઘરોનો અભ્યાસ કરવામાં આવ્યો. એક વર્ષ અગાઉ પણ આવું સર્વેક્ષણ હાથ ધરાયું હતું.
ભૂતકાળમાં આવાં સર્વેક્ષણ દર પાંચ વર્ષે એક વાર કરવામાં આવતાં હતાં, પણ સળંગ બે વખત એ હાથ ધરવાનું કારણ પદ્ધતિ અને પરિણામની યથાર્થતા ચકાસવાનું છે. કેવાં છે આ અભ્યાસનાં તારણ? નવાઈ લાગે એવી બાબત એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખર્ચાળ શક્તિ શહેરી વિસ્તારો કરતાં ઝડપી દરે વધી રહી છે. અગાઉના 2022-23ના સર્વેક્ષણમાં વ્યક્તિદીઠ સરેરાશ માસિક વપરાશ રૂ. 3,773નો હતો, જે હવે વધીને 4,122 રૂ. સુધી પહોંચ્યો છે. શહેરી વિસ્તારમાં અગાઉ આ આંકડો રૂ. 6,459નો હતો, જે વધીને રૂ. 6,996 થયો છે. અલબત્ત, આ આંકડો વધવાનું કારણ વધેલી મોંઘવારી પણ ખરી.
આંકડા ખરું જોતાં એક પ્રકારનો ઝોક દર્શાવે છે. કેવો છે આ ઝોક? નાણાં શેમાં શેમાં અને કેટલા ખર્ચાય છે? મુખ્ય બે ભાગ પાડીએ તો ખોરાકી ચીજો અને બિનખોરાકી ચીજો એમ પડી શકે. એ મુજબ જોતાં, ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ખર્ચના 47.04 ટકા અને શહેરી વિસ્તારોમાં 39.68 ટકા ખોરાકી ચીજો માટે ખર્ચાય છે. ખોરાકી ચીજો પૈકી ગ્રામ્ય વિસ્તારોમાં 9.84 ટકા અને શહેરી વિસ્તારોમાં 11.09 ટકા રકમ ઠંડાં પીણાં અને પ્રોસેસ્ડ ફુડ પાછળ ખર્ચાય છે. દૂધ અને દૂધની પેદાશો પાછળ ગ્રામ્ય વિસ્તારોમાં 8.44 ટકા રકમ અને શહેરી વિસ્તારોમાં 7.19 ટકા રકમ ખર્ચાય છે. શાકભાજી માટે ગ્રામ્ય વિસ્તારમાં 6.03 અને શહેરી વિસ્તારમાં 4.12 ટકા રકમનો ખર્ચ કરવામાં આવે છે.
બાકીની રકમ, એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં 52.96 ટકા અને શહેરી વિસ્તારોમાં 60.32 ટકા બિનખોરાકી ચીજો પાછળ ખર્ચાય છે. બિનખોરાકી ચીજો એટલે શું? સર્વેક્ષણ અનુસાર, ગ્રામ્ય વિસ્તારના 52.96 ટકા પૈકીની 6.11 ટકા રકમ ઈંધણ અને પ્રકાશ પાછળ, 3.24 ટકા શિક્ષણ માટે, તબીબી માટે 6.83 ટકા, વાહનવ્યવહાર માટે 7.59 ટકા, વસ્ત્રો, પગરખાં અને સૂવાના સામાન માટે 6.63 ટકા, ટકાઉ ચીજવસ્તુઓ માટે 6.48 ટકા, પ્રકીર્ણ વસ્તુઓ તેમજ મનોરંજન માટે 6.22 ટકા, વાહનવ્યવહાર સિવાયની ગ્રાહક સેવાઓ પાછળ 5.25 ટકા અને અન્ય બિનખોરાકી ચીજો પાછળ 4.61 ટકા ખર્ચ કરવામાં આવે છે.
શહેરી વિસ્તારોમાં બિનખોરાકી ચીજો પાછળ ખર્ચાતી 60.32 ટકા રકમ પૈકી ઈંધણ અને પ્રકાશ પાછળ 5.59 ટકા, શિક્ષણ પાછળ 5.97 ટકા, તબીબી સેવાઓ પાછળ 5.85 ટકા, વાહનવ્યવહાર પાછળ 8.46 ટકા, પગરખાં અને સૂવાના સામાન માટે 5.66 ટકા, ટકાઉ ચીજવસ્તુઓ માટે 6.87 ટકા, પ્રકીર્ણ વસ્તુઓ તેમજ મનોરંજન માટે 6.92 ટકા, વાહનવ્યવહાર સિવાયની ગ્રાહક સેવાઓ પાછળ 5.72 ટકા અને અન્ય બિનખોરાકી ચીજો પાછળ 9.26 ટકા ખર્ચ કરવામાં આવે છે.
આ વિગતો દેખીતી રીતે આંકડા છે પણ તે અનેક મહત્ત્વની બાબતોને ઉજાગર કરે છે. જેમ કે, ખોરાકી ચીજોને બદલે બિનખોરાકી ચીજો પાછળ ખર્ચાતો વધુ રકમનો હિસ્સો સૂચવે છે કે લોકોની ખરીદશક્તિ વધી છે. ખોરાકી ચીજોમાં પણ જરૂરી અને પોષણક્ષમ ખોરાકની સરખામણીએ ઠંડાં પીણાં, નાસ્તો કે પ્રોસેસ્ડ ફુડ પાછળ ખર્ચાતો હિસ્સો વધુ છે. લોકોની ખાનપાનની બદલાતી જતી આદતોનું એ સૂચક છે.
નાણાં ખર્ચવાનો દર શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં વધુ છે એ દર્શાવે છે કે શહેરી વિસ્તારમાં તેનો વપરાશ ઘટ્યો છે, એટલે કે ઘટાડવામાં આવ્યો છે. એનો સીધો સંબંધ આવક યા આવકની વૃદ્ધિના ધીમા દરની સાથે છે. પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો જેવાં કે મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, હરિયાણા, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં માથાદીઠ ખર્ચાતી રકમ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે, જ્યારે પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ જેવાં પૂર્વ તેમજ મધ્ય ભારતનાં રાજ્યોમાં તે ઓછી છે.
આવા અભ્યાસ કે સર્વેક્ષણના આંકડા પરથી ગરીબીની સ્થિતિ પણ જાણી શકાય છે. સરકારને વિવિધ નીતિઓ ઘડવામાં આવાં સર્વેક્ષણ મદદરૂપ બની રહે છે. નાગરિકોને એનાથી કશો ફેર પડે ખરો? સીધો ફેર કશો ન પડે, પણ સરકાર આ સર્વેક્ષણોના આંકડા પ્રકાશિત કરે છે અને તેમાંથી કશું તારવવું હોય તો તારવી શકાય ખરું. જો કે, વ્યક્તિગત સ્તરે એ મુશ્કેલ છે. નાગરિકોની સમસ્યાને વાચા આપતાં જૂથો કે સમૂહો માટે આ ઉપયોગી થઈ શકે. સવાલ એ છે કે એવાં કોઈ જૂથો રહ્યાં છે ખરાં? અને છે તો એમનો એવો કોઈ પ્રભાવ કે છાપ છે ખરી?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.