કાલોલ: કાલોલ તાલુકાના વ્યાસડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી કરાડ નહેર યોજના પૈકીની માઈનોર કેનાલના છેવાડાના ભાગે કેનાલના (પાણીને) વ્યાસડા-આપેશ્વર રોડ ક્રોસ કરવા માટે બનાવવામાં આવેલા અંડરગ્રાઉન્ડ નાળા પરના નાના કુવા પૈકી એક કુવાનું ચણતર તુટી જતા કેનાલમાં આવતા સિંચાઈ ઉપયોગી પાણીનો ભારે વેડફાટ થઈ રહ્યો છે. પાછલા વીસ-ત્રીસ વર્ષ અગાઉ બનેલી આ માઈનોર કેનાલના સમારકામ માટે લાખો રૃપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
પરંતુ યોગ્ય સમારકામના અભાવે આ કેનાલના કુવાનું ચણતર સમયાંતરે ધોવાઈ જતા તાજેતરમાં છોડવામાં આવેલા પાણીના પ્રવાહને પગલે પાછલા બે-ત્રણ દિવસથી કેનાલનો નાનો કુવો તુટી જતા કેનાલમાં આવતું મોટાભાગનું પાણી રસ્તા પર વેડફાઈ જાય છે જેને કારણે પાછળના ભાગમાં આવેલા ખેડૂતો કેનાલના પાણીથી વંચિત રહી જતા જોવા મળે છે.
જેથી જવાબદાર તંત્રએ હરકતમાં આવી વ્યાસડા-આપેશ્વર રોડ પર તુટેલા માઈનોર કેનાલના આ ભાગને તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવે તેવી અસરગ્રસ્ત ખેડૂતોની લોકમાંગ ઉઠવા પામી છે.