વ્યારા: વ્યારાના કપુરા ગામે પતિ સાથે ઝઘડો થયા બાદ પોતાની માતાને ત્યાં રહેવા આવેલી પત્નીને ધમકાવતો હોવાથી વચ્ચે પડેલી સાળીને બનેવીએ ઢોર માર માર્યો હતો. આ અંગે પોલીસે માર મારનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ૧૦૮ એમ્બ્યુલન્સમાં સાળીને ગડત સરકારી દવાખાના બાદ વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ રિફર કરી હતી. પતિ હેરાન કરતો હોવાથી તેની પત્ની પોતાનાં બાળકો સાથે છેલ્લા બે એક માસથી પોતાનાં માતાના ઘરે રહેવા આવી ગઈ હતી.
વ્યારાના કપુરા ગામે પટેલ ફળિયામાં રહેતો નિતેશ નવીન ગામીત (રહે.,કપુરા, પટેલ ફળિયું, તા.વ્યારા)ની પત્ની સરોજ ગત તા.૨/૯/૨૦૨૪ના રોજ બપોરે પિયર હતી. એ વેળા કેમ તું મારા ઘરે આવતી નથી કહી ઝઘડો કરતો હતો. એ દરમિયાન સરોજની નાની બહેન સરસ્વતી તેને કહેવા જતાં નિતેશ ગામીતે ગાળો આપી મોંના ભાગે ઢીકમુક્કીથી તેમજ પેટમાં લાત વડે માર મારી સરસ્વતીને ઇજા પહોંચાડી, જાનથી મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો.
વ્યારામાં પત્નીએ ગુસ્સામાં ગરમ પાણીનું તપેલું પતિ ઉપર ફેંકતાં સાસુ દાઝી ગઈ
વ્યારા: વ્યારાની કણઝા ફાટક પાસે પતિ-પત્નીનો આંતરિક ઝઘડો ચાલતો હતો. દરમિયાન તા.૨૯/૭/૨૦૨૪ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં સાસુ વચ્ચે પડતાં વહુએ તેને ઢીકમુક્કીનો માર માર્યો હતો. ઉપરાંત પતિ ઉપર ગરમ પાણીનું તપેલું નાંખી દેતાં વચ્ચે પડેલા સાસુ જમણા પગ તથા કમરના ભાગે દાઝી ગયાં હતાં.
ગત તા.૨૯/૭/૨૦૨૪ના રોજ સાડા બારેક વાગ્યાના અરસામાં છોકરો ઇમરાન તથા વહુ શહેનાઝનો પારિવારીક ઝઘડો થતો હતો. આથી તકરાર ન કરવા સલમાબીબી અબ્દુલહફીઝ પઠાણ (ઉં.વ.૬૩) પોતાના પુત્રને સમજાવતી હતી. એ દરમિયાન વહુ શહેનાઝે ચૂલા ઉપરનું મૂકેલું ગરમ પાણીનું તપેલું છોકરા ઇમરાન ઉપર નાંખતાં વચ્ચે પડેલા સલમાબીબી પઠાણ ગરમ પાણીથી દાઝી ગયાં હતાં. વહુ શહેનાઝે તેની સાથે ઝપાઝપી કરી હતી. ઢીકમુક્કીનો માર મારતાં છોકરાઓએ વચ્ચે પડી માતાને બચાવ્યાં હતાં. આ બનાવમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી શહેનાઝ પોતાના પિયરે જતી રહી હતી. જ્યારે સાસુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં. આ ઘટનામાં વહુએ ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી પોલીસે વહુ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.