National

ગ્રેડ પેનો વિરોધ કરનારા ૨૮ પોલીસ કર્મચારીઓએ કાપોદ્રા પીઆઈનો ભોગ લીધો

સુરત: કાપોદ્રા (Kapodra) પોલીસમથકમાં જ ૨૮ જેટલા પોલીસ (Police) કર્મચારીઓએ ગ્રેડ પેનો (Grad Pay) વિરોધ કરીને પીઆઇ ચૌધરીનો ભોગ લીધો છે. પોલીસ કમિશનર દ્વારા ધરણાં પ્રદર્શનને લઇ કાપોદ્રા પીઆઇ ચૌધરીની બદલી કરી પોલીસ કંટ્રોલમાં મૂકી દીધા હતા. જ્યારે પોલીસ કંટ્રોલના પી.આઈ. એમ.બી.રાઠોડને કાપોદ્રામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ઘણા દિવસોથી પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરથી શરૂઆત થયેલો આ વિરોધ સુરતમાં સૌપ્રથમ પીપલોદ પોલીસ લાઇનની મહિલાઓએ કર્યો, ત્યારબાદ રાંદેરની પોલીસ લાઈનની મહિલાઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો. આખરે બે દિવસ પહેલાં જ કાપોદ્રા પોલીસ વિસ્તારમાં રહેતી મહિલાઓ દ્વારા પણ ગ્રેડ પેનો વિરોધ કરાયો હતો.

મહિલાઓએ કાપોદ્રા પોલીસમથકમાં જઈને વિરોધ નોંધાવતાં પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા. બીજી તરફ આ વિરોધમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28 જેટલા પોલીસ કર્મચારીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ કર્મચારીઓએ વિરોધનું કાર્ડ હાથમાં લઈને તેનો દસથી પંદર સેકન્ડનો વિડીયો પણ બનાવ્યો હતો, અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો પોલીસ કમિશનરના ધ્યાને આવતા જ પોલીસ કમિશનર હરકતમાં આવ્યા હતા.

આ ઘટનાની ગંભીર નોંધ લઇને પોલીસ કમિશનર અજય તોમરે  કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.ચૌધરીને ટ્રાન્સફર કરીને પોલીસ કંટ્રોલમાં મોકલી આપ્યા હતા. જ્યારે પોલીસ કંટ્રોલમાં ચાર્જ સંભાળતા ઇન્સ્પેક્ટર એમ.બી.રાઠોડને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, આ અગાઉ ગયા ગુરૂવારે કાપોદ્રામાં કેટલાક પોલીસ કર્મચારીઓની મહિલાઓએ પણ ગ્રેડ પે આંદોલનમાં પોતાનું સમર્થન આપીને વિરોધ નોંધાવ્યો હતો. મોડી રાત્રે 8 વાગ્યાના અરસામાં ૧૫થી ૨૦ જેટલી મહિલાઓ કાપોદ્રા પોલીસ મથકે આવી હતી અને અહીં વિરોધ કર્યો હતો. જોકે રાત્રે આઠ વાગ્યે પોલીસ રોલ કોલ હોવાથી થોડા સમય બાદ આ મહિલાઓને સમજાવવામાં આવી હતી. બાદમાં તમામ મહિલા પોત પોતાનાં ઘરે જતી રહી હતી.

Most Popular

To Top