ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપને (World Cup) વિદાય આપી છે અને ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે. પૂર્વ ક્રિકેટર કપિલ દેવે (Kapil Dev) ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર આકરા પ્રહારો કર્યા છે. વર્લ્ડ ચેમ્પિયન કપિલ દેવનું કહેવું છે કે કેટલાક ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમને (Indian cricket team) નહીં પરંતુ IPLને મહત્વ આપે છે.
કપિલ દેવે કહ્યું કે BCCIએ હવે શેડ્યૂલ પર ધ્યાન આપવું જોઈએ, ભારતીય ટીમને IPL બાદ T20 વર્લ્ડ કપ પહેલા બ્રેક મળવો જોઈએ. કપિલ દેવે કહ્યું કે આઈપીએલ પહેલા ખેલાડીઓએ દેશની ટીમ પર પણ ધ્યાન આપવું જોઈએ. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ બે મેચ હારી ગઈ હતી, ત્યારબાદ છેલ્લી બે મેચ જીત્યા બાદ પણ તેને કોઈ ફાયદો મળી શક્યો નહોતો.
કપિલ દેવે એક કાર્યક્રમમાં કહ્યું કે જો ખેલાડીઓ દેશ માટે રમવાને બદલે આઈપીએલને મહત્વ આપે તો આપણે શું કહી શકીએ. ખેલાડીઓએ દેશ માટે રમીને ગર્વ લેવો જોઈએ. જોકે, કપિલ દેવે એમ પણ કહ્યું હતું કે તેઓ IPL રમવાનો ઇનકાર નથી કરી રહ્યા, પરંતુ BCCIએ શેડ્યૂલનું યોગ્ય આયોજન કરવું પડશે. કપિલ દેવે કહ્યું કે બીસીસીઆઈએ હવે ભવિષ્યની ટીમ તૈયાર કરવાની તૈયારી કરવી જોઈએ. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાની છેલ્લી મેચ સોમવારે રમાવાની છે, ત્યારબાદ ભારતીય ટીમ વાપસી કરશે. ટી-20 વર્લ્ડ કપ પછી તરત જ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં ભાગ લેશે.
17મી નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ ભારતના પ્રવાસે આવશે
ટી-20 વર્લ્ડકપ સમાપ્ત થયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ દુબઈથી સીધી જ ભારતના પ્રવાસે આવશે. અહીં 17 નવેમ્બરથી બંને દેશો વચ્ચે 3 ટી-20 અને 2 ટેસ્ટ મેચ રમાશે. વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ ટી-20માં BCCI કેપ્ટન તરીકે કોની પસંદગી કરે છે તે જોવાનું રહેશે. રોહિત, રાહુલ અને ઋષભ પંત રેસમાં છે.
આ ઉપરાંત બિઝી ક્રિકેટ શિડ્યુલના લીધે થાકેલા સિનિયર્સ ખેલાડીને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. તે જોતાં ચેતન શર્માની આગેવાની વાળી પસંદગીકારોની ટીમ યુવાનોને તક આપે તેવી સંભાવના છે. જેમાં વૈંકટેશ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઓવેશ ખાન અને ચેતન સાકરીયાને તક મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. કેકેઆર તરફથી આઈપીએલમાં ડોબોડી ઓપનીંગ બેટ્સમેન વૈંકટેશ અય્યર અને સીએસકે તરફથી ઓપનર જમણેરી બેટ્સમેન ગાયકવાડે સારું પ્રદર્શન કર્યું હતું.