ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કપલસાડી ગામે સોમવારે બપોરે એક મકાનમાં કોઇ કારણોસર આગે દેખા દીધી હતી. જે સ્થળે આગ લાગી હતી. તેની આજુબાજુ કાચાં મકાન હોવાથી બીજાં ચાર મકાનો પણ આગની લપેટમાં આવી ગયાં હતાં. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જીઆઇડીસીના અગ્નિશામક બંબા બોલાવાયા હતા. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવતા આ સિવાયના અન્ય મકાનો બચી ગયાં હતાં.
આગની લપેટમાં આવેલાં મકાનોનો ઘરવખરી ઉપરાંત અન્ય સામાન સળગીને રાખ થઇ જતાં આ ગરીબ પરિવારોને મોટુ નુકસાન થયું હતું. ઘરના સભ્યો સમય સૂચકતા દાખવી ઘરની બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી. આગના બનાવમાં પાંચ પૈકી ચાર મકાન સંપૂર્ણપણે બળીને રાખ થઇ ગયાં છે. આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઇ. આ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું મનાઇ રહ્યું છે.