કઠલાલના પીઠાઇ ટોલ પર કપડવંજના વાહનચાલકોને પાસ રદ કરાતાં રોષ

આણંદ : કપડવંજથી અમદાવાદ જવા માટે સને 2013માં શરૂ થયેલા નેશનલ હાઈવે 59 પર પીઠાઈ ટોલ પ્લાઝામાં અત્યાર સુધી કન્સેશન પાસ નીકળતા હતા. પરંતુ હાલના ટોલ પ્લાઝાના કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓના ઉંધા અર્થઘટનનો ભોગ મુસાફરો બની રહ્યા છે. કપડવંજ ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના વિસ્તારમાં આવવા છતા કન્સેશન પાસ આપવામાં આવતો નથી. આથી લોકોને અપડાઉનના સમયે રોજના 170 ટોલ ચુકવો પડતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
કપડવંજથી અમદાવાદ જવા માટે સને 2013માં શરૂ થયેલા કઠલાલથી નેશનલ હાઈવે 59 પર પીઠાઈ ટોલ પ્લાઝા આવ્યો છે. જેમાં નોન કોમર્શિયલ વાહનો માટે કન્સેશન સાથેના મહિનાના પાસ નીકાળવામાં આવતા હોય છે. જેમાં તમામ ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતા રહીશો પોતાની માલિકીનું અંગત વાહન ધરાવતા હોય કે જે નોન કોમર્શિયલ કેટેગરીમાં આવતું હોય તો તેઓ આ પ્રકારનો કન્સેશન પાસ મેળવવાના હકદાર છે. આથી કપડવંજના રહીશોને આ લાભ મળવો જોઇએ. જોકે અત્યાર સુધી કન્સેશન પાસ નીકળતા હતા પરંતુ હાલના ટોલ પ્લાઝાના કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓના ઉંધા અર્થઘટનનો ભોગ મુસાફરો બની રહ્યા છે.

સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરાશે
અપડાઉન કરતા કૃપાલભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના ઉદ્ધત વર્તનથી પણ અને થાકી ગયા છે. તેઓ માત્ર કપડવંજ વાળાઓનો પાસ નહીં નીકળે તેવું રટણ કર્યા કરે છે. અહીં રેગ્યુલર પાસના 3500 રૂપિયા ખર્ચવા પડે છે. જે બધા મુસાફરો માટે શક્ય નથી. આથી અમારી સાથે અન્યાય થઇ રહ્યો છે, અમારી માગણી છે કે તમામ મુસાફરોના હીતમાં કન્સેશન પાસ ફરીથી નીકળે એ ખૂબ જરૂરી છે કપડવંજથી લગભગ 500 જેટલા ધારકો કર્મચારીઓની સમજણના અભાવે અટવાયા હોવાનું અનુમાન છે. આ અંગે આગામી દિવસોમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે.

દરરોજ રૂ.170નો ખર્ચ થાય છે
આ અંગે કપડવંજથી અપડાઉન કરતા આસીફભાઈ શેખે જણાવ્યું હતું કે, અમે વર્ષોથી પાસ કઢાવી મુસાફરી કરતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી નવા કર્મચારીઓના અધૂરા જ્ઞાન અથવા ઊંધા અર્થઘટનને કારણે કપડવંજ 20 કિલોમીટર વિસ્તારમાં આવવા છતાં પાસ કાઢી આપવાની ના પાડે છે. જેના કારણે નાછૂટકે દરરોજના 170 રૂપિયા ખર્ચ કરી પસાર થવું પડે છે .

Most Popular

To Top