નડિયાદ: કપડવંજ રૂરલ પોલીસી ટીમે રેલીયા ચેકપોસ્ટથી બનાના મુવાડા સુધી ફિલ્મીઢબે પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ભરેલું પીકઅપ ડાલું ઝડપ્યું હતું. જોકે, પીકઅપ ડાલાનો ચાલક પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. પોલીસે પીકઅપ ડાલું તેમજ તેમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂ.10,42,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કપડવંજ રૂરલ પોલીસની ટીમે સોમવારના રોજ બપોરના સમયે રેલીયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન બાયડ તરફથી આવી રહેલ પીકઅપ ડાલા નંબર જેજી 23 એટી 1687 ને પોલીસે રોકવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ, ચાલકે પોતાનું ડાલું રોક્યું ન હતું અને પોલીસની નાકાબંધી તોડી કપડવંજ તરફના રસ્તે હંકારી મુક્યું હતું.
જેથી પોલીસની ટીમે પીછો કરી પાંખીયાથી કાપડીવાવ તરફના માર્ગ પર આવેલ બનાનામુવાડા સ્ટેન્ડ પાસે ઓવરટેક કરી પીકઅપ ડાલાને રોક્યું હતું. પરંતુ, તેનો ચાલક પીકઅપ ડાલું રોડ પર મુકીને ખેતરાળ રસ્તે ફરાર થઈ ગયો હતો. પોલીસે પીકઅપ ડાલાની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તેમજ બિયરની કુલ 4920 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ.4,92,000 તેમજ પીકઅપ ડાલું કિંમત રૂ.5.50.000 મળી કુલ રૂ.10,42,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ મામલે ફરાર પીકઅપ ડાલાના ચાલક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી, તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.