Vadodara

કાંકરોલી નરેશ વ્રજેશકુમારજીનું વૈકુંઠ ગમન : વૈષ્ણવો ઘેરાશોકમાં

વડોદરા: ભારત સરકાર દ્વારા ‘બ્રહ્મર્ષિ’ એવોર્ડથી સન્માનિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની તૃતીય પીઠના પીઠાધિશ્વર પૂ.વ્રજેશકુમારજી મહારાજે સવારે 11.32 વાગ્યે નિત્ય લીલામાં પ્રવેશ કર્યો છે વૈષ્ણવાચાર્યના નિધનથી દેશ-વિદેશમાં રહેતા હજારો વૈષ્ણવો ઘેરાશોકમાં ગરકાવ થઇ ગયા છે. કેવડા બાગ બેઠક મંદિર ખાતેથી હજારો વૈષ્ણવોની અશ્રુભીની આંખો વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા અને વ્રજેશકુમાર અમર રહોના નારા લાગ્યા હતા.તેઓની ઉમર 85 વર્ષની હતી અને અસાધ્ય બીમારીથી પીડાતા હતા છેલ્લા એક સપ્તાહથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

વ્રજેશકુમારજી મહારાજ પુનઃ સ્વસ્થ થાય તેવી આશા નહી હોવાની રવિવારે બપોરથી હોસ્પિટલ પર વૈષ્ણવોની ભારે ભીડ જામી હતી. આખરે હોસ્પિટલના દરવાજા sબંધ કરી દેવા પડયા હતા. એક સપ્તાહથી પૂજ્યશ્રીના સ્વાસ્થ્ય માટે દેશ-વિદેશમાં પ્રાર્થનાઓ થઇ રહી હતી.પૂ,વ્રજેશકુમારજી મહારાજ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન ઉપરાંત સારા ગાયક અને વાદક હતા.મુંબઇની પ્રસિધ્ધ જે જે સ્કૂલ ઓફ આર્ટસના સ્નાતક હતા.તેઓ રાજસ્થાની મિનિએચર આર્ટ પેઇન્ટિંગના નિષ્ણાત ગણાતા હતા.પુષ્ટિમાર્ગ અને કૃષ્ણલીલા પર તેઓ પેઇન્ટિંગ્સ બનાવતા હતા.તેઓ માત્ર સનાતન હિન્દુ ધર્મનું જ નહી, વિશ્વના અન્ય ધર્મગ્રંથોનું પણ ઊંડુ જ્ઞાાન ધરાવતા હતા.

વર્ષ ૨૦૦૯માં ભારત સરકારે તેમને બ્રહ્મર્ષિ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.ગુજરાતમાં બ્રહ્મર્ષિ એવોર્ડ માત્ર બે મહાનુભાવોને જ મળ્યો છે,જેમાં કે.કા.શાસ્ત્રી અને વ્રજેશકુમારજીનો સમાવેશ થાય છે.રાજસ્થાનના કાંકરોલી સ્થિત દ્વારકાધીશ મંદિર,વડોદરાના બેઠક મંદિર અને સુખધામ હવેલી સહિત ૧૩૨ મંદિરો-વૈષ્ણવ હવેલીઓના તેઓ ગાદીપતિ હતા.પૂ.વ્રજેશકુમારજીના પુત્રોમાં પૂ.વાગિશકુમાર અને પૂ.દ્વારકેશલાલજી નો સમાવેશ થાય છે.જેમાંથી પૂ.દ્વારકેશલાલજી મહારાજ છઠ્ઠા ગૃહમાં દત્તક ગયા છે અને તેઓ ષષ્ઠગૃહાધિપતી કલ્યાણરાયજીની હવેલી-માંડવી છે.

અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા
વ્રજેશકુમારજીના અંતિમ દર્શન બાદ બપોરે નીજ મંદિરેથી અંતિમયાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. અંતિમ યાત્રા કેવડા બાગ બેઠક મંદિરથી ખંડેરાવ માર્કેટ, ટાવર ચાર રસ્તા, નાગરવાડા થઇ બહુચરાજી સ્મશાન ખાતે પહોંચી હતી. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

બેઠક મંદિર મા અંતિમ દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી
કેવડાબાગ સ્થિત બેઠક મંદિરમાં વ્રજેશકુમારજીના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો આવી પહોંચ્યા હતા. દર્શન માટે લાંબી કતારો લાગી હતી. દરેક વૈષ્ણવજનોની આંખો આંસુઓથી ભરેલી જોવા મળી હતી.

વ્રજેશકુમારજીએ લાખો વૈષ્ણવોને પ્રભુની સમીપ લાવવાનું કાર્ય કર્યું
કાંકરોલી નરેશ 108 શ્રી વ્રજેશકુમારજી આજે નિત્ય લીલામાં પધાર્યા છે. ત્યારે વૈષ્ણવ સમાજ ઘેરા શોકની લાગણીમાં છે. ધર્મના જાણકાર અને વિદ્વાન એવા વ્રજેશકુમારજીએ લાખો વૈષ્ણવોને પ્રભુની સમીપ લાવવાનું કાર્ય કર્યું છે. વૈષ્ણવ સમાજ અને વડોદરા શહેર માટે ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
-કેયુર રોકડીયા,ધારાસભ્ય અને મેયર

Most Popular

To Top