National

કંચનજંગા ટ્રેન દુર્ઘટનાના લોકો પાયલટને ક્લીનચીટ, પત્નીએ કહ્યુ- ‘હવે તેમની આત્માને શાંતિ મળશે’

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) દાર્જિલિંગમાં કંચનજંગા એક્સપ્રેસનો ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. આ ટ્રેન એક ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. કંચનજંગા સિયાલદહ જઈ રહી હતી ત્યારે સર્જાયેલી આ દુર્ઘટનામાં પેસેન્જર ટ્રેનના ગાર્ડ અને ગુડ્સ ટ્રેનના લોકો પાયલટ અનિલ કુમાર સહિત 10 લોકોના મોત થયા હતા. ત્યારે કંચનજંગા એક્સપ્રેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પાઈલટ અનિલ કુમારના પરિવારને આખરે ન્યાય મળ્યો છે.

ચીફ કમિશનર ઑફ રેલ્વે સેફ્ટી (CCRS)ના રિપોર્ટ અનુસાર, 17 જૂને થયેલા અકસ્માત માટે લોકો પાયલટ દોષિત નથી. ત્યારે અનિલ કુમાર પર લાગેલા આરોપોને લઈને તેમની પત્ની રોશની કુમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ટ્રેન દુર્ઘટનાના થોડા જ કલાકોમાં મારા પતિને દોષિત ઠરાવવામાં આવ્યા હતા. હજીતો અમે તેમના મૃત્યુના દુઃખને ભૂલી શક્યા ન હતા, કે તરત જ ટ્રેન અકસ્માત માટે અનિલને જવાબદાર ઠેરવતા અમે ચોંકી ગયા. હવે અમે ખુશ છીએ કે રેલવેએ યોગ્ય તપાસ કરી અને તેમને નિર્દોષ જાહેર કર્યા છે. હવે તેમની આત્માને શાંતિ મળશે.

તપાસમાં સત્ય બહાર આવ્યું
CCRS રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કંચનજંગા એક્સપ્રેસ પાટા ઉપર હોવા છતાં, માલગાડીના લોકો પાઇલટને એ જ ટ્રેક ઉપર આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ કોઈપણ સાવચેતીના આદેશ વિના તમામ સિગ્નલો પાર કરવા માટે માલગાડીને ખોટો મેમો આપવામાં આવ્યો હતો.

ટ્રેનની સ્પીડ 78 કિમી પ્રતિ કલાક હતી
તપાસમાં જાણવા મળ્યું કે માલગાડી 78 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહી હતી જ્યારે તેણે કંચનજંગા એક્સપ્રેસના પાછળના ભાગને જોયો ત્યારે ટ્રેન પાયલટે અચાનક ઇમરજન્સી બ્રેક લગાવી હતી. પરંતુ કંચનજંગામાં અથડાતા પહેલા ટ્રેન માત્ર 40 કિમી પ્રતિ કલાકની ઝડપ જ ધીમી પડી શકી હતી. ત્યારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અનિલે 5 મિનિટમાં 10 વખત થ્રોટલ એડજસ્ટ કર્યું હતું, જે તેની સતર્કતા દર્શાવે છે.

પરિવારને વળતર મળશે
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ અનિલ કુમારના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. તેમજ પરિવાર માટે પેન્શન ઓર્ડર પણ જારી કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ગ્રેચ્યુટી ચૂકવવામાં આવશે. લોકો પાયલટના પુત્રો હજુ સગીર હોવાથી તેમાંથી એકને જ્યારે તે પુખ્ત વયનો થશે ત્યારે તેને રેલવેમાં નોકરીની ઓફર કરવામાં આવશે. તેમજ આ ઘટનાએ ફરી એકવાર રેલવે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે એક નિર્દોષ માણસે પોતાનો જીવ ગુમાવવો પડ્યો અને તેના પરિવારને આટલી પીડામાંથી પસાર થવું પડ્યું.

Most Popular

To Top