સુરત: ‘ભ્રષ્ટ્રાચાર મુક્ત ગુજરાત’, સરકારનું આ સ્લોગન માત્ર બોલવા અને સાંભળવામાં જ સારું લાગે છે. હકીકતમાં રાજ્ય ભ્રષ્ટ્રાચાર મુક્ત થયું નથી. સરકારી કચેરીઓમાં હજુ પણ ભ્રષ્ટ્ર બાબુઓ લાંચ લીધા વિના કામ કરતા નથી. ભ્રષ્ટ્રાચારી તંત્રનો વધુ એક પુરાવો સામે આવ્યો છે.
આજે એન્ટી કરપ્શન બ્યુરોએ એક ઓપરેશનમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વલથાણ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને રૂપિયા 40,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
આ કેસની વિગત એવી છે કે ફરિયાદીએ કામરેજના વલથાણમાં એક મિલકત ભાડે રાખી હતી. આ મિલકતમાં તે પોતાનો ધંધો શરૂ કરવા માંગતો હતો. જોકે, મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરનો વેરાબિલમાં ઉલ્લેખ ન હતો. તેના લીધે ફરિયાદીને જીએસટી નંબર તથા વીજ કનેક્શન મેળવવામાં તકલીફ થઈ રહી હતી. તેથી તે તલાટી કમ મંત્રી ભરત કનુભાઈ વાળા પાસે વેરાબિલમાં ગ્રાઉન્ડ ફ્લોરનો ઉલ્લેખ કરાવા પહોંચ્યો હતો.
ભરત વાળાએ આટલું નાનકડું કામ કરવા માટે ફરિયાદી પાસે રૂપિયા 40 હજારની લાંચ માંગી હતી. રૂપિયા 40,000 આપો તો તમારું કામ થઈ જશે તેવું કહ્યું હતું. મિલકતના વેરાબિલમાં સુધારો કરવા માટે 40,000 રૂપિયાની મોટી રકમની લાંચની માંગણી કરનાર ભરત વાળા વિરુદ્ધ ફરિયાદીએ એસીબીને ફરિયાદ કરી હતી. એસીબીએ છટકું ગોઠવી આજે ભરત વાળાને રૂપિયા 40,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.