કામરેજ: (Kamrej) 5 ફેબ્રુઆરીથી તમામ કોમર્શિયલ વાહનોએ (Commercial Vehicle) કામરેજના ચોર્યાસી ટોલનાકા પર ટોલ ટેક્સ ફરજિયાત ભરવો પડશે. અત્યાર સુધી સ્થાનિક ખાનગી વાહનોને છૂટ આપવામાં આવતી હતી. જેની આડમાં કોમર્શિયલ વાહનો પણ ટોલ ટેક્સ (Toll Tax) ભરતાં ન હતાં. જ્યારે સ્થાનિક વાહનોને ટોલ ટેક્સમાં 50 %ની રાહત અપાશે.
- 5 ફેબ્રુઆરીથી ચોર્યાસી ટોલનાકા પર કોમર્શિયલ વાહનોને ટોલ ભરવો પડશે
- અત્યાર સુધી સ્થાનિક ખાનગી વાહનોને છૂટ હતી, જેની આડમાં કોમર્શિયલ વાહનો પણ ટોલ ભરતાં ન હતાં
સુરતના કામરેજ તાલુકાના ચોર્યાસી ગામ પાસે નેશનલ હાઇવે નં.48 પર ટોલનાકું કાર્યરત છે. જે ટોલનાકું અત્યાર સુધી IRB કંપની પાસે હતું. પરંતુ 6 માસ અગાઉ IRBનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં હાલ આ ટોલનાકું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અંડરમાં કાર્યરત છે. આ ટોલનાકાની ટોલ ટેક્સ લેવાની જવાબદારી NHAIએ ખાનગી કંપનીને આપી છે. નેશનલ હાઇવે ઓથોરિટીના પરિપત્ર મુજબ કોઈપણ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી નથી. પરંતુ IRB દ્વારા GJ 5 તેમજ GJ 19નાં RTO રજિસ્ટ્રેશન વાહનો માટે ટોલ માફી આપવામાં આવી હતી.
હાલ IRBનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં NHAI દ્વારા સરકારના પરિપત્ર મુજબ ટોલ વસૂલવાનું નક્કી કરાતાં સ્થાનિક વાહનોને અત્યાર સુધી ટોલમુક્તિ આપવામાં આવી હતી, તે હવે આગામી 5 ફેબ્રુઆરીથી કોમર્શિયલ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે. NHAI દ્વારા ખાનગી સ્થાનિક વાહનોને દૈનિક 20 રૂપિયા તેમજ માસિક પાસની સુવિધા તેમજ કોમર્શિયલ વાહન માટે 50 % રાહત આપવાની સુવિધા કરવામાં આવી છે. વાહનચાલકોને આ તમામ સુવિધા માત્ર ને માત્ર ફાસ્ટેગ મારફતે મેળવી શકાશે. રોકડ વહેવારમાં વાહનચાલકોને કોઈપણ જાતની છૂટ મળશે નહીં. વાહનચાલકોએ પૂરેપૂરો ટેક્સ ભરવાનો રહેશે, એવું હાલમાં ટોલ ચલાવતા ટોલ મેનેજર શારદાપ્રસાદ પાંડેએ જણાવ્યું હતું.
પાનોલી હાઈવે પર ટ્રકનું કેબિન અને ટ્રોલી છૂટા પડ્યા, વાહનચાલકોનો બચાવ
ભરૂચ: ભુજથી 14 ટાયરની ટ્રકમાં માલભરી ડ્રાઈવર સિકંદર સાહની કર્ણાટક બેંગ્લુરુ તરફ જઈ રહ્યો હતો. ભરૂચ-અંકલેશ્વર પસાર થયા બાદ ટ્રક પાનોલી હાઇવે ઉપર માંડ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. ત્યાં જ એકાએક ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ ગઈ હતી.
માલ સાથે બોડી અને કેબિન છૂટી પડી હાઇવે પર પટકાઈ અને પલટી મારી ગઈ હતી. જ્યારે ચેસીસ સાથે ટ્રક આગળ નીકળી ગઈ હતી. જોરદાર ધડાકો થતાં કેબિન તેમજ બોડી છૂટી પડતાં ડ્રાઈવર સિકંદરે તુરંત બ્રેક મારી ટ્રકને અટકાવી દીધી હતી. આ બનાવમાં પાછળ આવતાં વાહનોનો ચમત્કારિક બચાવ થયો હતો. દરમિયાન ટ્રાફિક પોલીસે આવી ક્રેઇનની મદદથી હાઇવે પર માલ સાથે તૂટી પડેલી બોડી તેમજ કેબિનને દૂર કરી ટ્રાફિકજામને ખુલ્લો કરવા કવાયત હાથ ધરી હતી.