કામરેજ: (Kamrej) યુવકના પત્નીના મોબાઈલ (Mobile) નંબર પર ફોન કરી વારંવાર હેરાન કરતા ઇસમને કહેવા જતા યુવક પર ચપ્પુથી હુમલો કર્યાનો બનાવ કામરેજ ખાતે બનવા પામ્યો છે. યુવકને મારી નાંખવાની ધમકી (Threat) આપતાં કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
- દેરોદ-કામરેજ રોડ ઉપર પત્નીને હેરાન કરતા ઈસમને કહેવા જતાં ચપ્પુથી હુમલો
- અગાઉ બંને પરિવારો વચ્ચે આ બાબતને લઈ સમાધાન પણ કરાયું હતું
મૂળ ભાવનગરના વતની અને હાલ કામરેજના વાવ જતાં રોડ પર આવેલી શાંતમ એવન્યુમાં રહેતા પાર્થ બાબુભાઈ વાઘેલા સવારે પેટ્રોલ પંપ પર નોકરી કરે છે. ને સાંજે હેર સલૂનની દુકાન ચલાવે છે. બે વર્ષ અગાઉ દેરોદ ગામે આવેલી શુભનંદની સોસાયટીમાં વિભાગ-2માં ઘર નં.100માં રહેતા હતા. ઘરની પાછળ રહેતા ભાવેશ કનુ ચૌહાણ, કલ્પેશ કનુ ચૌહાણ, મુકેશ કનુ ચૌહાણ પરિવાર સાથે રહેતા હતા. ભાવેશનો પરિવાર પીવાનું પાણી પાર્થના ઘરે લઈ જતો હતો. ભાવેશ પાર્થની પત્નીનો મોબાઈલ નંબર લઈ હેરાન કરતો હોવાથી બંને પરિવાર વચ્ચે વાતચીત કરી સમાધાન કર્યું હતું.
ભાવેશ સુરત રહેવા માટે જતો રહ્યો હતો. પરંતુ ત્રણ મહિનાથી ભાવેશ ફરી પાર્થની પત્નીને ફોન કરીને હેરાન કરતો હોવાથી શુભનંદનીનું ઘર ખાલી કરીને વાવ પાસે રહેવા માટે આવી જતા રહ્યા હતા. બુધવારે પાર્થના મામાનો પુત્ર રાકેશ પ્રવીણ બાખલટિયા, નયન અરવિંદ વાળા સાથે શુભનંદની સોસાયટીમાં આવેલા મકાન પર બાંધકામનું કામ ચાલતું હોવાથી પાણી છાંટવા માટે સાંજે ગયા હતા.
પાણી છાંટી 7 કલાકે દેરોદથી કામરેજ ગામ જતાં રોડ પર પાછળથી ભાવેશ, મોટો ભાઈ કલ્પેશ, મિત્ર બાલા વાળા આવતાં બાઈક લઈને ઊભા રહેતાં પાર્થે ભાવેશને જણાવ્યું કે પત્નીને કેમ હેરાન કરો છો? તેમ કહેતાં ભાવેશ અને કલ્પેશ ઉશ્કેરાઈ જઈ પાર્થને મારવા લાગતાં પાર્થના મામાનો દીકરો તથા નયન વચ્ચે પડતાં કલ્પેશ અને તેના મિત્ર પણ માર મારવા લાગ્યા હતા. ભાવેશે ખીસ્સામાંથી ચપ્પુ કાઢી પાર્થને ડાબા હાથમાં મારી દીધું હતું. મારી નાંખવાની ધમકી આપતાં કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.