કામરેજ: (Kamrej) શિક્ષણ વિભાગે 30થી ઓછા બાળકો હોય તેવી શાળાને (School) મર્જ કરવાનો નિર્ણય લીધો હોવાથી કામરેજ તાલુકાની નવ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણને (Students Education) માઠી અસર થવાની સંભાવના છે. જેથી નવ ગામના લોકો દ્વારા ગુરુવારના રોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 30થી ઓછા બાળકો ધરાવતી શાળાને અન્ય શાળામાં મર્જ (Merge) કરવાની તજવીજ ચાલી રહી છે. જેના લઈને કામરેજ તાલુકામાં કાર્યરત એવી નવ શાળાઓ જેવી કે રૂઢવાડા, ઓવિયાણ, ભૈરવ, ધારૂઠા, જાત ભરથાણા, છેડછા, ઘલુડી, મીરાપુર અને દેથલીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી મર્જ કરી દેવાની હોવાથી ગામોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નવ શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ગામથી દૂર અન્ય શાળામાં જવું પડે તેમ હોવાથી અભ્યાસને માઠી અસર પડવાની સંભાવના સાથે ગુરુવારના રોજ આ નવ ગામના લોકો મોટી સંખ્યામાં બેનરો સાથે તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી સીતાબેન પટેલને મળી આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવ્યું હતુ કે 1956 ધોરણ 1 થી 5 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જો આ નવા શાળાઓમાં ભણતાં બાળકો નાના હોવાથી બીજે દૂર ગામની શાળામાં મોકલવું જોખમકારક છે. આ નવ શાળા બંધ કરવામાં આવશે તો શિક્ષણના અધિકાર RTE મુજબ મળેલા શિક્ષણના અધિકાર છીનવાઈ જશે. ગામના ગરીબ વાલીઓના બાળકો અન્ય જગ્યાએ શિક્ષણ લઈ શકશે નહિ. શાળામાં ડ્રોપ આઉટ થઈ જશે. ગામની શાળા મર્જ કરવાથી ગામ શાળા વિહોણુ થઈ જશે. સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ કાર્યક્રમો, ઉત્સવો અને વિવિધ પ્રકારણની સરકારી યોજાનોઓથી ગામ વંચિત રહી જશે. ભવિષ્યમાં ગામને માંઠા પરિણામો બોગવવા પડશે. શાળા કોઈપણ પ્રકારે બંધ ન કરવામાં આવે તેવી માંગ કરી છે.
આ નવ ગામના બાળકોનો અભ્યાસ બગડવાની ભીતિ
શાળા મર્જ કરવાથી ભૈરવ ગામે 23 બાળકો, ધારૂઠા ગામે 17 બાળકો, મીરાપુર ગામે 15 બાળકો, છેડછા ગામે 21 બાળકો, ઓવિયાણ ગામે 22 બાળકો, ઘલુડી ગામે 22 બાળકો, દેથલી ગામે 28 બાળકો, રૂઢવાડા ગામે 27 અને જાત ભરથાણા 27 બાળકો મળી કુલ્લે 202 વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થશે.