પલસાણા: (Palsana) સુરત જિલ્લા એસઓજીએ કામરેજના નવી પારડી ખાતે રહેતા એક ઈસમના ઘર (House) પાછળ વાડામાં બનાવેલા બગીચામાં (Garden) લોખંડની પેટીમાં સંતાડેલો 24.47 લાખનો વનસ્પતિજન્ય માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે (Police) ઘરમાલિકની અટક કરી ગાંજાનો (Hashish) જથ્થો આપનારા બે ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.
- કામરેજના નવી પારડીમાં વાડાના બગીચામાં સંતાડેલા 24.47 લાખના ગાંજા સાથે એકની અટક
- ઘરમાલિકની અટકાયત, ગાંજાનો જથ્થો આપનારા બે ઈસમ વોન્ટેડ
પ્રાપ્ત માહિતી અનુસાર એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે, કામરેજના નવી પારડી ગામની સીમમાં આવેલા થારોલી ફળિયામાં રહેતા ભાવેશ ભૂપત મકવાણા તેના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં બનાવેલા બગીચામાં લોખંડની પેટીમાં ગેરકાયદે પાસ પરમિટનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો છે. તેના આધારે ભાવેશના ઘરે જઈ રેડ કરતાં બાતમીવાળી જગ્યા ઉપરથી 2,44,740 કિલો ગ્રામ કિં.24,47,400ના ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ભાવેશ મકવાણાની અટક કરી પૂછપરછ કરતાં ભાવેશ છૂટકમાં ગાંજાના જથ્થાનું વેચાણ કરતો હતો. આ જથ્થો આપનાર તથા વેચાણ કરનાર કાલુ નામનો ઇસમ અને તેનો એક માણસ (રહે., અમરોલી, સુરત શહેર) ગાંજો આપી ગયો હતો. કાલુ તથા કાલુના માણસે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મંગાવી ભાવેશના વાડામાં ગાય-ભેંસના ગમાણની પાછળ બનાવેલા બગીચામાં લોખંડની પેટીમાં સંગ્રહ કર્યો હતો અને ત્યાંથી ગાંજો લઈ જઈ બંને છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરવાના હતા. પોલીસે કાળુ તથા તેના માણસ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ટીંભીથી વરલી મટકાનો જુગાર રમનાર રિક્ષાચાલક ઝડપાયો
ઉમરગામ : ઉમરગામ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ટીંભી, માછીવાડ ચાર રસ્તા સામે દુકાનની બાજુમાં વોચ ગોઠવી હતી. માહિતીવાળો ઈસમ રાજેશ ખંડુ માછી (ઉં.55,રહે. ટીંભી, આંબાવાડી ફળિયા, તા.ઉમરગામ) અને તે રિક્ષા ડ્રાઈવર હોવાનું જણાયું હતું. તેની પાસેથી ફેરઆંકના આંકડાઓ લખેલી કાપલીઓ મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં આ વરલી મટકાના આંકડાઓ જીપુદાદા રામદાસ જવરે (રહે.દહાણુ-મહારાષ્ટ્ર) આપતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે અંગઝડતી દરમિયાન રોકડા રૂ.5,550 તથા એક મોબાઈલ ફોન મળી કુલ 10,550 નો મુદ્દામાલ કબજે લઈ તેની અટક કરી જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.