કામરેજ: (Kamrej) પરબ ગામમાં જમવાનું બનાવ્યું ન હોવાથી કાકા સસરાએ ઉંચા અવાજે ઝઘડો કરતાં ઘર જમાઈએ જાહેરમાં કુહાડીનો હાથો માથામાં તેમજ છાતીના ભાગે મારી પતાવી દીધા હતા, પોલીસે (Police) હત્યારા જમાઈની ધરપકડ (Arrest) કરી હતી. કામરેજના પરબ ગામે વડ ફળીયામાં ઉકકર મગનભાઈ રાઠોડ, પત્ની ભીખીબેન, પુત્રી ભાનુબેન રહે છે. તેમની સાથે ઉક્કરભાઈના નાનાભાઈ પ્રકાશ મગનભાઈ રાઠોડ (ઉ.વ.52) પણ રહે છે. છેલ્લા બે વર્ષથી જમાઈ તરીકે સંજય ભુલાભાઈ રાઠોડ (મુળ રહે. દિગસ વચલું ફળીયું) પણ રહેતો હતો. શનિવારે રાત્રિના 8 વાગ્યે ભાનુબેન રસોઈ બનાવતી હતી. પ્રકાશ ઘરે આવીને જમવાનું માંગતા રસોઈ બની ન હોવાથી ઉચા અવાજે ઘરમાં બોલવા લાગ્યા હતાં. જે બાબતે જમાઈએ કાકા સસરાને આવું ન બોલવા છતાં પણ પ્રકાશે ઉચા અવાજે બોલવાનું ચાલુ જ રાખ્યું હતું. જેના લઈને જમાઈ સંજય અને કાકા સસરા બન્ને ઘરેમાંથી ઝઘડતા શીતળા મંદિર પાસે રોડ પર આવી ગયા હતાં. જમાઈએ કુહાડીનો હાથો કાકા સસરા પ્રકાશના માથા તેમજ છાતીના ભાગે મારી દેતા તુંરત જ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે કામરેજ પોલીસને જાણ કરતા સંજયની ધરપકડ કરી હત્યાનો (Murder) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાણીપુરા ગામે પ્રેમિકાને મધરાત્રે મળવા ગયેલા યુવકના મિત્રની હત્યા
ઝઘડિયા : ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે પ્રેમિકાને મળવા ગયેલા યુવકને યુવતીના બે ભાઈઓએ જોઈ લેતાં મારામારી થઈ હતી. વચ્ચે છોડાવવા પડેલા યુવકને ઢોર માર મારી ગળું દબાવીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ઝઘડિયાના વખતપુરા ગામના યુવક સ્વપ્નિલ પ્રવિણભાઇ વસાવાને રાણીપુરા ગામની એક યુવતી સાથે લગભગ ચાર વર્ષથી પ્રેમ સંબંધ છે. રાણીપુરા ગામે હાલમાં લગ્ન પ્રસંગ હોવાથી રાત્રે અઢી વાગ્યે સ્વપ્નિલ વસાવા તેની પ્રેમિકાને મળવા માટે ઘરના વાડા પાછળ ગયો હતો.
સ્વપ્નિલની સાથે તેનો મિત્ર રાણીપુરાનો વિપુલ રતિલાલભાઈ વસાવા પણ હતો. એ વેળા મળવા આવેલા સ્વપ્નિલને પ્રેમિકાના ભાઈ હિતેશ બાબુભાઈ વસાવા તેમજ વિપુલ બુધીયાભાઈ વસાવા જોઈ જતા સ્વપ્નિલને લાકડીના સપાટાથી મારવા લાગ્યા હતા. તેના મિત્ર સ્વપ્નિલને માર મારતા જોઇને છોડાવવા માટે વિપુલ વસાવા વચ્ચે પડતા યુવતીના બંને ભાઈએ ઢોર માર મારીને ગળું દબાવીને જમીન પર પાડી દીધો હતો. આ સમગ્ર તકરારની ઘટનામાં વિપુલના પિતા રતિલાલભાઈ વસાવાને ખબર પડતા તાબડતોબ દોડીને આવીને સેવારૂરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા તબીબે વિપુલને મૃત જાહેર કર્યો હતો. જે બાબતે મૃતકના પિતાએ ઝઘડિયા પોલીસમાં હિતેશ વસાવા (રહે.રાણીપુરા તા.ઝઘડિયા) અને વિપુલ વસાવા (મુળ રહે.બામલ્લા તા.ઝઘડિયા હાલ રહે.રાણીપુરા) વિરુધ્ધ ગુનો નોંધીને બંનેની ધરપકડ કરવામાં આવી હતી.