કામરેજ: (Kamrej) ખોલવડ ગામે દૂધ લેવા ગયેલી એક સગીરાની (Minor) ગામના જ એક યુવાને છેડતી (Abuse) કરી હતી. યુવાને સગીરાને હાથેથી લખેલી ચિઠ્ઠી આપી હતી અને સગીરાએ તે લેવાની ના પાડતાં તેનો હાથ પકડી લેતાં સગીરા હેબતાઈ ગઈ હતી. ઘરે જઈને તેણે પરિજનોને વાત કરતાં, સગીરાના પિતાએ યુવકને શોધી કાઢ્યો હતો. એટલું જ નહીં, વાત ફેલાતાં ગામનાં લોકોએ ભેગા મળીને યુવકને મેથીપાક ચખાડ્યો હતો અને વાળ પણ કાપી નાંખતાં સમગ્ર પંથકમાં બનાવની ચર્ચા ઉપડી છે. બનાવ અંગે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ આપતાં પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો છે.
- ખોલવડમાં સગીરાની છેડતી કરનારા યુવકના બૂરા હાલ, ગામલોકોએ ઠમઠોરી વાળ કાપી નાંખ્યા!
- યુવકે દૂધ લેવા આવેલી સગીરાને ચિઠ્ઠી આપી, લેવાની ના પાડી તો હાથ પકડી છેડતી કરી હતી
- હેબતાયેલી સગીરાએ પિતાને વાત કરી તો ગામલોકો સાથે મળી યુવકને શોધી કાઢ્યો ને પછી…
સમગ્ર હકીકત એવી છે કે ખોલવડ ગામે રહેતી 13 વર્ષીય એક સગીરા બે દિવસ પૂર્વે નજીકની એક દુકાનમાં દૂધ લેવા માટે ગઈ હતી. સાંજે સાતેક વાગ્યાના અરસામાં તે દુકાને પહોંચી ત્યારે ખોલવડ ગામની હદમાં ઓપેરા પેલેસના ડી બ્લોકમાં ફ્લેટ નં. 201માં રહેતાં 24 વર્ષીય ધવલ પ્રવિણભાઈ મારૂએ સગીરા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દૂધની દુકાનવાળા પાસેથી બોલપેન અને કાગળ લઈને તેણે કાગળમાં કંઈક લખ્યા બાદ આ ચિઠ્ઠી સગીરાને આપી હતી. જો કે સગીરાએ તે લેવાની ના પાડી દેતાં યુવકે સગીરાનો હાથ પકડી લીધો હતો અને છેડતી શરૂ કરી દીધી હતી.
ગભરાયેલી સગીરા પોતાના ઘરે દોડી ગઈ હતી અને પરિજનોને વાત કરી હતી. જેથી પિતાએ સગીરાને સાથે લીધી હતી અને દૂધની દુકાને યુવકને શોધવા પહોંચી ગયા હતાં. ત્યાં યુવક નહીં મળતાં અન્ય જગ્યાઓ પર યુવકની શોધખોળ કરી હતી. હોબાળો થતાં યુવકની શોધખોળમાં સગીરાના પિતાના મિત્રો, પડોશીઓ તેમજ ગામના જ કેટલાક લોકો પણ જોડાયા હતાં. દરમિયાન ખોલવડથી લસકાણા જતાં રોડ પરની ગુજરાતી શાળા પાસે એક લગ્નપ્રસંગમાં ચાલતાં ડીજેમાં તેઓએ યુવકની શોધખોળ કરી હતી.
યુવક ત્યાં હતો અને સગીરાએ તેને ઓળખી બતાવી, તેણે જ છેડતી કરી હોવાનું કહેતાં લોકોએ ધવલની પૂછપરછ શરૂ કરી હતી. જો કે ધવલ યોગ્ય જવાબ નહીં આપી શકતાં ગામલોકો ધવલ પર તૂટી પડ્યાં હતાં અને તેને ખાસ્સો મેથીપાક ચખાડ્યો હતો. વાત અહીંથી અટકી ન હતી અને ઉશ્કેરાયેલા ગામલોકોએ ધવલની આ કરતૂત બદલ તેના વાળ પણ કાપી નાંખ્યાં હતાં. વાત ખાસ્સી વણસી હતી, જો કે બાદમાં ગામના જ કેટલાક વડીલોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. અલબત્ત પોલીસ સુધી આ વાત પહોંચતાં આખરે પોલીસે સગીરાના પિતાની ફરિયાદ લીધી હતી અને છેડતી જેવા ગુના સબબ ધવલ મારૂ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.