કામરેજ: (Kamrej) સુરત-કામરેજ રોડ પર પાસોદરા પાટિયા પાસે હીટ એન્ડ રનની (Hit And Run) ઘટના બની હતી, જેમાં ફોર વ્હીલ કારમાં સવાર પાંચ નબીરાએ બાઈક પર સવાર દંપતીને અડફેટે લેતાં પતિની પાછળ બેસેલી પત્નીને ગંભીર ઈજા થઈ છે.
- પાસોદરા પાટિયા પાસે હીટ એન્ડ રન: થાર ચાલકે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું
- ખોલવાડના રમેશભાઈ સોઠાંગર અને તેમનાં પત્ની હંસાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં
- થારમાં સવાર પાંચેય નબીરા વરાછા લગ્નમાંથી કામરેજ આવી રૂપિયા લેવા માટે આવી રહ્યા હતા
- થારના ચાલક કેવીન પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ન હતું
કામરેજના ખોલવડ ગામની હદમાં આવેલા ઓપેરા રોયલમાં રહેતા રમેશભાઈ પુનાભાઈ સોઠાંગર અને તેમનાં પત્ની હંસાબેન બુધવારે રાત્રે સુરતના વરાછાથી ઘરે પોતાની બાઈક હોન્ડા સાઈન નં.(જીજે 05 ઈયુ 2063) લઈને જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે આશરે 10.30 કલાકે સુરત તરફથી પૂરપાટ આવતી મહિન્દ્ર થાર ગાડી નં.(જીજે 19 બીઈ 7522)માં સવાર પાંચ નબીરાએ બાઈકસવાર દંપતીને અડફેટે લેતાં બાઈકચાલક રમેશભાઈ અને તેમનાં પત્ની હંસાબેન રોડ પર જોરથી પટકાતાં શરીરે ગંભીર ઈજા થતાં 108માં સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
કારમાં સવાર પાંચ પૈકી ત્રણ યુવાન અકસ્માત થતાં નાસી છૂટ્યા હતા. જ્યારે બે યુવાનમાં ચાલક કેવીન જયંતીભાઈ રાદડિયા (ઉં.વ.19) (રહે.,ઘર નં.27, વર્ધમાન સોસાયટી, શ્યામધામ ચાર રસ્તા, સુરત) અને બાજુની સીટ પર બેસેલો મયૂર મુકેશ સોલંકીને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. થારના ચાલક કેવીન પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ન હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે કામરેજ પોલીસે બંને નબીરાને પકડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે થારમાં સવાર અન્ય ત્રણ નબીરાની તપાસ હાથ ધરી છે. થારમાં સવાર પાંચેય નબીરા વરાછા લગ્નમાંથી કામરેજ આવી રૂપિયા લેવા માટે આવી રહ્યા હતા.