કામરેજ: પરબ ગામે ઓમ ઈન્ડસ્ટ્રીઝ પાન મસાલો ખાઈને રૂમ આગળ થુકતાં બે પક્ષો વચ્ચે મારામારી થતાં કામરેજ પોલીસ મથકમાં બન્ને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી હતી.
- કામરેજના પરબ ગામે પાનમસાલો થુંકવા મુદ્દે બે પક્ષો બાખડ્યા, એકનું માથું ફૂટ્યું
- થુંકનારે ભૂલ કબૂલી સાફ કરાવી આપવાનું કહ્યું છતાં બીજા પક્ષે બોલાચાલી શરૂ કરતાં વાત વણસી, સામસામી પોલીસ ફરિયાદ
મૂળ ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લાના નયા પુરવાહાના વતની અને હાલ કામરેજ તાલુકાના પરબ ગામે ઓમ ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-2માં પ્લોટ નંબર 75માં કુણાલભાઈની રૂમ નંબર 305માં ભાડેથી રહેતાં રાજકુમાર બદ્રી વર્મા વોટરજેટ મશીન ચલાવવાનું કામ કરે છે. શનિવારના રોજ રાત્રિના નોકરી કરી સવારે રૂમ પર આવી 11.00 કલાકે પાન મસાલા ખાઈને બિલ્ડીંગના રૂમ નંબર 309ની આગળ ભૂલથી થુકાઈ જતાં રૂમ નંબર 309માં રહેતા અમીત સુરેન્દ્ર સહાનીએ જોતા જણાવ્યું કે તને ખબર નથી પડતી કે અમારા રૂમની આગળ પાન મસાલો થુંકે છે. રાજકુમારે ભૂલથી થુંકાઈ ગયાનું તેમજ સાફ કરાવી આપવાનું કહ્યું હતું.
જો કે શનિવારના રોજ વીજપુરવઠો બંધ હોવાથી બિલ્ડીંગ નીચે ઉતરીને મામાનો પુત્ર શ્રીરામ લોઢી અને રૂમમાં સાથે રહેતા કેશરીનંદન, રાજન, રમેશ ઉભા હતા. ત્યારે અમીત સહાની, અમનકુમાર દેવકીપ્રસાદ શાહુ, અરવિંદ જાધવલાલ સહાની તેમજ બીજા 10 થી 12 અજાણ્યા ઈસમો આવીને અમીતે જણાવ્યું કે અમારા રૂમની સામે થુંકે છે અને પાછો માથાકુટ કરે છે તેમ કહીને ઝઘડો કરી મારા મારી કરવા લાગ્યા હતા. લાકડાનો ફટકો લોઢીને માથાના ભાગે મારી દીધો હતો. છોડાવવા જતાં અમનકુમાર શાહુ તથા અરવિંદે શેરડીના સાઠા વડે માર મારવા લાગતા પોલીસ આવી જતાં બધા ભાગી ગયા હતા. કામરેજ પોલીસ મથકમાં રાજકુમાર વર્માએ અમીત સહાની, અમનકુમાર શાહુ, અરવિંદ સહાની તેમજ અન્ય 12 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે પણ અમીત સહાનીએ રાજકુમાર શર્મા, રાજ લોઢી તથા બીજા ત્રણ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.