કામરેજ: કામરેજ તાલુકાના પાલી ગામે મિનરલ વોટર પ્લાન્ટનો વહીવટ પંચાયત હેઠળ લેવા બાબતે ગામના બે પક્ષો વચ્ચે ગ્રામ પંચાયતની બહાર જ મારામારી થઇ હતી. આ ઘટનામાં બંને પક્ષે ફરિયાદ કરતાં પોલીસે સરપંચ સહિત કુલ 17 લોકો સામે ગુનો નોંધ્યો હતો.
પાલી ગામમાં આવેલો મિનરલ વોટર પ્લાન્ટમાં છેલ્લા છ મહિનાથી યોગ્ય રીતે ચાલતો નહીં હોવાથી આ પ્લાન્ટને પંચાયતના કબજામાં લઈ લેવા માટે ઠરાવ થઈ ગયો છે, અને જેનો કબજો પંચાયતને લેવાનો હોવાથી પાણી કમિટીના સભ્યોને બપોરે 2.30 કલાકે પંચાયતમાં આવી જવું તે મતલબનો ફોન ગામના સરપંચ કૌશિક રમણભાઈ રાઠોડે કર્યો હતો. જેના પગલે પાણી કમિટીના સભ્ય અમિત મહેન્દ્રસિંહ ચૌહાણ, કૌશિકસિંહ દિલીપસિંહ મોરી, હિતેન્દ્રસિંહ માનસિંહ દેસાઈ, નિકુંજસિંહ કલ્યાણસિંહ ઠાકોર, સુભાષસિંહ પ્રતાપસિંહ મોરી તમામ ગ્રામ પંચાયતની કચેરી પહોંચ્યા હતા. જ્યાં સરપંચ કૌશિક અને તલાટી અનિતાબેન ગામીત તેમજ ગામના સુરેશ રાયસિંગ રબારી, પરેશ ગોવિંદભાઈ રબારી, મિહિર સુરેશભાઈ રબારી, કરણ પરેશભાઈ રબારી, રમેશભાઈ લલ્લુભાઈ રાઠોડ, રાહુલ સોમાભાઈ રાઠોડ, જેનિશ કાનજીભાઈ રબારી વગેરે હાજર હતા.
ત્યારબાદ સરપંચએ સૌને જણાવ્યું હતું કે મિનરલ વોટર પ્લાન્ટ પંચાયત હસ્તક લેવા માટે ઠરાવ કર્યો છે તેનો કબજો આજે લેવાનો છે તેની સાથે વારીગૃહનુ સંચાલન પણ પંચાયતે જ કરવાનું છે. હાલ મિનરલ વોટર પ્લાન્ટ જે જગ્યા ઉપર છે તે સમસ્ત જગ્યા ગામની છે જેનો કોર્ટ કેસ ચાલે છે જેના કારણે પ્લાન્ટને પંચાયતની બીજી જગ્યા પર લઈ જઈ ચાલુ રાખવામાં આવે તેમાં કોઈ વાંધો નથી. જેના કારણે આ મિટીંગમાં ઝઘડો થાય તેમ હોવાથી રાજપૂત ફળિયામાં રહેતા પ્રદિપસિંહ અજીતસિંહ દેસાઈ તેમજ તેમની સાથે આવેલા તમામ લોકો ઘરે જવા માટે પંચાયત ઓફિસની બહાર નીકળતા હતા તે સમયે રમેશ લલ્લુ રાઠોડ નામના ઈસમે હાથમાં રહેલા લાકડાનો સપાટો પ્રદિપસિંહના માથામાં મારી દેતા ત્યાં હાજર જેનિશ રબારી, રાહુલ રાઠોડ, પરેશ રબારી, સુરેશ રબારી, મિહિર રબારી, કરણ રબારી તથા ગામના સરપંચ કૌશિક રાઠોડ ગાળા ગાળી કરી મારામારી કરવા લાગ્યા હતાં.
આથી પ્રદિપસિંહ દેસાઈની સાથે આવેલા લોકો છોડાવવા જતાં તેમને પણ માર મારવામાં આવ્યો હતો. બાદમાં બંને પક્ષો વચ્ચે મારા મારી થતાં મામલો કામરેજ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. બંને પક્ષોએ સામ સામે ફરિયાદો નોંધાવી હતી. પ્રદિપસિંહ દેસાઈએ આઠ લોકો સામે રાયોટિંગ અને મારા મારીની ફરિયાદ નોંધાવી હતી. તેમજ સામા પક્ષે સરપંચની પત્નીએ એટ્રોસિટી એકટ હેઠળ નવ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.