કામરેજ: (Kamrej)) કિમથી સુરત ધંધાના કામ માટે જઈ રહેલા પિતા પુત્રની બાઈકને ટ્રકના (Truck) ચાલકે અડફેટમાં લેતાં પુત્રની સામે જ પિતાનું (Father) કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. મૂળ રાજસ્થાની (Rajasthani) યુવક ધંધાના કામ માટે 12 વર્ષીય પુત્રને લઈને સુરત જવા નીકળ્યો હતો, અબ્રામા ગામની સીમમાં કાળ ભેટી ગયો.
- અબ્રામા રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતાં પુત્રની નજર સામે પિતાનું મોત
- મૂળ રાજસ્થાની યુવક ધંધાના કામ માટે 12 વર્ષીય પુત્રને લઈને સુરત જવા નીકળ્યો હતો, અબ્રામા ગામની સીમમાં કાળ ભેટી ગયો
મુળ રાજસ્થાનના વતની અને હાલ માંગરોલ તાલુકાના કિમ ચાર રસ્તા ખાતે સાંનિધ્ય ટાઉનશીપમાં રહેતા ગોપારામ સવારામ પ્રજાપતિ (ઉ.વ.39), પોતાના પુત્ર રોનક(ઉ.વ.12) સાથે પોતાની હિરો સ્પલેન્ડર બાઈક નંબર જીજે 19 એઈ 4177 લઈને સાંજના સમયે દુકાનના કામ માટે સુરત જવા માટે નીકળ્યા હતા. ત્યારે અબ્રામા ગામની સીમમાં વરાછાથી અબ્રામા જતાં રોડ પર ટ્રક નંબર જીજે 16 એયુ 8104ના ચાલકે તેમની બાઈકને અડફેટમાં લેતાં પિતા-પુત્ર બંને નીચે પટકાયાં હતાં. જેમાં પિતા ગોપારામને ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ પુત્રની નજર સામે તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતક ગોપારામના સાળાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
ટીંબા ગામે તાપીમાં ન્હાવા પડેલાં પુણાગામના યુવકનું ડુબી જતાં મોત
કામરેજ: ટીંબા ગામે બ્રીજ નીચે ન્હાવા પડેલા મિત્રો પૈકી એક યુવકનું નદીના પાણીમાં ડુબી જતાં મોત નીપજયું હતું. કામરેજ ઈઆરસીની ટીમે મરનાર યુવાનનો મૃતદેહ શોધી પોસ્ટમોર્ટમ માટે કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોકલ્યો હતો.
સુરત પુણા ગામ શીવશકિત સોસાયટીમાં રહેતો આશિષ ખોડાભાઈ કથીરીયા (ઉ.વ.21), રવિવારના રોજ કાંતિ હડીયા સહિતના પાંચ મિત્રો સાથે કામરેજ તાલુકાના ટીંબા ગામેથી પસાર થતી સુર્યપુત્રી તાપી નદીમાં બૌધન ટીંબા જતાં બ્રીજ નીચે નહાવા માટે પડયા હતાં.
સાંજના પાંચેક વાગ્યાના અરસામાં છ મિત્રો પૈકી આશિષ તાપી નદીના ઊંડા પાણીમાં ડુબી જતાં પાંચેય મિત્રો ગભરાઈને રડવા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતાં. બનાવ અંગે જાણ કરાતાં કામરેજની ઈઆરસીની ટીમના ફાયર ઓફિસર બીપીન ખલાસીએ ટીમ સાથે ટીંબા ખાતે દોડી જઈને આશિષના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. જે અંગે કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.