અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને માત્ર ચાર જ મહિનાનો સમય બાકી છે ત્યારે ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ એક મુશ્કેલ પરિસ્થિતિમાં છે. ડિબેટમાં ટ્રમ્પ વિરુદ્ધ જો બાઇડનના નબળા પ્રદર્શનને કારણે તેમની ચૂંટણી જીતવાની ક્ષમતા પર સતત ટીકાઓ થઈ રહી હતી. ડેમોક્રેટિક પાર્ટીના લોકોની પણ ચિંતા તણાવમાં બદલી ગઈ ત્યારે કમલા હેરિસનું નામ બાઇડનને બદલે રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે સૌથી આગળ ચાલી રહ્યું છે. બાઇડને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો અને પોતાનું સમર્થન ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને આપ્યું. બાઇડનના સમર્થનની સાથે જ હેરિસ એ સ્થિતિ પર પહોંચી ગયા છે જ્યાં તેઓ પહોંચવા ઇચ્છતા હતા. ડેમોક્રેટિક પાર્ટીનાં સંભવિત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને કદાચ ભવિષ્યના રાષ્ટ્રપતિ જોકે, હેરિસની આ પદ સુધી પહોંચવાની યાત્રા ખૂબ જ મુશ્કેલીભરી હતી, ખાસ કરીને હાલના કેટલાક મહિનાઓ.
ચાર વર્ષ પહેલાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદ માટે એક સમયના ઉમેદવાર હેરિસે પાર્ટીની પ્રશંસાનું સ્વાગત કર્યું. જોકે, હેરિસની રાજકીય સ્થિતિ જુલાઈ 2024 સુધી અત્યંત અનિશ્ચિત હતી. કારણ કે હેરિસના વધારે એક કાર્યકાળની આશા બાઇડનના પ્રદર્શન પર ટકેલી હતી. ટ્રમ્પ સામેની ડિબેટમાં બાઇડનના ખરાબ પ્રદર્શનની 24 કલાકની અંદર જ હેરિસે બાઇડન પ્રત્યે પોતાની મજબૂત નિષ્ઠા દર્શાવી હતી. ઉપ રાષ્ટ્રપતિ હેરિસે સીએનએન, એમએસએનબીસી અને ચૂંટણી સભામાં વાત કરી હતી. તેમણે પોતાના રાજકીય સાથી બાઇડનના રેકર્ડને બચાવ કર્યો અને પોતાના હરિફ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર નિશાનો સાધ્યો હતો. ‘અમને અમારા રાષ્ટ્રપતિ જો બાઇડન પર ભરોસો છે અને અમને તેમની નીતિઓ પર વિશ્વાસ છે.’
ડેમોક્રેટિક પાર્ટીમાં હેરિસ માટે વધી રહેલા સમર્થન અને બાઇડનની ટીકાને કારણે તેમના પર રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી પરત ખેંચવાનું દબાણ હોવા છતાં કમલા હેરિસ બાઇડનનો સાથ આપવામાં ન ડગમગ્યાં. જોકે, કમલા હેરિસ અમેરિકાનાં પ્રથમ મહિલા છે જેમણે રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટે બીજો મોકો મળશે. આ ઉપરાંત તેઓ શ્વેત અને એશિયન-અમેરિકન મૂળનાં પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ છે. કમલા હેરિસને 2020ના ચૂંટણી અભિયાન દરમિયાન મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે સંઘર્ષ કરવો પડ્યો અને ઉપ રાષ્ટ્રપતિ તરીકે પણ સરવેમાં તેમનું રેટિંગ નીચે રહ્યું છે.
જોકે, હેરિસના સમર્થકો તેમની ગર્ભપાતના અધિકારો માટે વકીલાત, અશ્વેત મતદારોમાં તેમની અપીલ તરફ ધ્યાન દોરે છે. સર્મથકો હેરિસની તરફેણમાં કહે છે કે હેરિસ એક પ્રોસિક્યુટર હતાં, જે રાષ્ટ્રપતિપદ માટે એક દોષિત ઠરેલા ગુનેગાર સામે લડશે. નાદીયા બ્રાઉન જ્યૉર્જટાઉન યુનિવર્સિટીમાં ‘વીમેન ઍન્ડ જેન્ડર સ્ટડીઝ પ્રોગ્રામ’નાં નિદેશક છે. તેમણે કહ્યું, “મારું માનવું છે કે તેમણે મત અધિકાર અને ઇમિગ્રેશનને લગતા સુધારા જેવા મહત્ત્વના મુદાઓનો ઉકેલ મેળવવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”
‘તેઓ (હેરિસ) ગર્ભપાતના અધિકારોના મુદ્દે અને અશ્વેત સમુદાયો સુધી પહોંચ બનાવવામાં બાઇડનના સૌથી શક્તિશાળી પ્રતિનિધિ છે.’ આજથી માત્ર પાંચ વર્ષ પહેલાં કમલા હેરિસ કૅલિફોર્નિયાનાં સેનેટર હતાં અને રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી નામાંકન મેળવવાની આશા રાખી રહ્યાં હતાં. કમલા હેરિસે પોતાના કરિયરની શરૂઆત અલામેડા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ ઍટોર્ની ઑફિસથી કરી હતી. તેઓ વર્ષ 2003માં સૅન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ ઍટોર્ની બન્યાં. હેરિસ ત્યારબાદ કૅલિફોર્નિયામાં એટૉર્ની જનરલ બન્યાં. હેરિસ અમેરિકાના સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યમાં મુખ્ય વકીલ અને કાયદા અમલીકરણ અધિકારી તરીકે સેવા આપનાર પ્રથમ મહિલા અને અશ્વેત વ્યક્તિ બન્યાં. તેમણે ડેમોક્રેટિક પાર્ટીના ‘ઊભરતાં સિતારા’ પૈકી એક તરીકે ખ્યાતી મેળવી. આ ખ્યાતીનો ઉપયોગ કરીને તેમણે 2017માં કૅલિફોર્નિયામાં જૂનિયર અમેરિકન સેનેટર તરીકે ચૂંટણી જીતી હતી.
જોકે, હેરિસનું 2020માં રાષ્ટ્રપતિ બનવાનું લક્ષ્ય અસફળ રહ્યું. તેમણી વાદ-વિવાદની કુશળતા નબળી રીતે વ્યક્ત કરેલી નીતિઓને બચાવવામાં માટે પૂરતી ન હતી. 2020માં હેરિસનું અભિયાન એક વર્ષથી ઓછા સમયમાં જ સમેટાઈ ગયું. જોકે, બાઇડને 59 વર્ષીય હેરિસને ઉપ રાષ્ટ્રપતિપદની ટિકિટ આપીને તેમણે ફરીથી રાષ્ટ્રીય ચર્ચામાં લાવી દીધાં. ગિલ ડ્યૂરાને કહ્યું આ નિર્ણયે હેરિસનું નસીબ પલટી નાખ્યું. ડ્યૂરાન 2013માં કમલા હેરિસના કૉમ્યુનિકેશન ડાયરેક્ટર હતા. તેમણે કમલા હેરિસના રાષ્ટ્રપતિપદની ઉમેદવારીના અભિયાનની ટીકા કરી હતી.