સુરત: સુરતમાં અસામાજિક તત્વોની દાદાગીરી વધી ગઈ છે. જાણે પોલીસનો કોઈ ધાક જ નહીં હોય તેમ ખુલ્લેઆમ બેફામ ગુંડાગીર્દી થવા માંડી છે. આવી જ એક ઘટના કાપોદ્રા વિસ્તારમાં બની છે. અહીં ધરતી નગરમાં એક દુકાનની બહાર બેઠેલા યુવક પર હુમલો થયો છે. બુટલેગરે યુવકને જાહેરમાં ઢોર માર માર્યો છે, જેના લીધે યુવકના ગળા પર ઈજા પહોંચી છે. આ ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
વીડીયો જોવા માટે અહીં ક્લીક કરો
કાપોદ્રા વિસ્તારમાં બુટલેગરની દાદાગીરીનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. અહીંના ધરતી નગરમાં દુકાનની બહાર બેઠેલા અલ્તાફ નામના ઈસમ પર બુટલેગરે હુમલો કર્યો છે. કમલા ઉર્ફે કમલેશ નામના બુટલેગરે જૂની અદાવતમાં અલ્તાફ ઉપર હુમલો કર્યાની ચર્ચા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કમલેશ દુકાન પર આવીને સીધો મારામારી જ કરવા માંડે છે. હાથમાં જે હથિયાર આવે તેનાથી અલ્તાફને મારે છે. આ મારામારીમાં અલ્તાફના ગળાના ભાગે ઈજા થઈ છે. મારામારી થતા આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ભાઠેનાના કારખાનામાં આધેડ પર હુમલો
સુરત: શહેરના ભાઠેનામાં પણ એક આધેડ પર હુમલાની ઘટના બની છે. ભાઠેનાના શિવ શંભુનગર ખાતે રહેતા મિથુલ હીરાલાલ પટેલ સાડી ફોલ્ડીંગનું કામ કરે છે. મિથુન પટેલ ગઈકાલે કારખાનામાં હતાં ત્યારે બુધવારની રાતે કોઈ અજાણ્યા શખ્સે મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. મિથુન પટેલના માથાના પાછળના ભાગે ચહેરાના ભાગે તેમજ ડાબી આંખ પર ગંભીર ઈજા પહોંચાડી તે નાસી ગયો હતો. મિથુન પટેલને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મિથુન પટેલે ઉધના પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અમરોલીમાં લાલુ જાલીમ ગેંગના સાગરિતોનો કાના રાઉત પર હુમલો
ગયા અઠવાડિયે અમરોલીના કોસાડ આવાસમાં જાહેરમાં ગેંગવોર થઈ હતી. મૂળ ઓડીશા ગંજામનો વતની અને સુરતમાં અમરોલી ખાતે કોસાડ આવાસમાં રહેતો 23 વર્ષીય કાન્હુચરણ ઉર્ફે કાન્હા મદનમોહન રાવત બપોરે ઘર નજીક ભરતેશ્વર મહાદેવ મંદિર પાસેથી જઇ રહ્યો હતો. ત્યારે પ્રકાશ ઉર્ફે ચુચી મહેન્દ્રસીંગ રાજપૂત (રહે. તાપી દર્શન સોસાયટી, અમરોલી-છાપરાભાઠા રોડ) અને તેના મિત્ર શીવમ ઉર્ફે કાલી બેચુરામ કનોજીયા (રહે. જહાંગીરપુરા), પ્રશાંત ઉર્ફે ટકલા બિહારી સંતોષ ચૌધરી (રહે. ભગુનગર, અમરોલી) એ આંતરી ઢીક-મુક્કીનો માર માર્યો હતો. બે વર્ષ પહેલા કાન્હાનો પ્રકાશ ઉર્ફે ચુચી સાથે પૈસા બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને ત્રણેય તેના પર તૂટી પડ્યા હતા. ઉપરાંત શિવમે શેરડી કાપવાના કોયતા વડે માથામાં અને પ્રશાંત ઉર્ફે ટકલાએ લોખંડની ટોમી હાથમાં મારી દીધી હતી.