SURAT

કમલ હાસનની રિમેક મૂવી હિન્દુસ્તાની-2નું સુરતના કિલ્લા અને પાલ RTO પર શૂટિંગ

સુરત: નાયક, રોબોટ-2, ઇન્ડિયન-1 અને 2 તથા બોસ નામની ફિલ્મ સિરિઝનું નિર્માણ કરનાર દિગ્દર્શક શંકરે કમલ હાસન, કાજલ અગ્રવાલ અને સરકાર, કંપની ફિલ્મના વિલન ઝાકીર હુસેન અભિનીત ફિલ્મ ‘હિન્દુસ્તાની-2’ નું શૂટિંગ સુરતનાં ગીચ વિસ્તારોમાં કરવાનું શરૂ કર્યું છે.

બે દિવસ દરમિયાન સુરત એરપોર્ટ, અડાજણ સ્વામી નારાયણ મન્દિર, રેલવે સ્ટેશન, રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. શુક્રવારે ભાગળ ચાર રસ્તે અને રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ બ્રિજની નીચે અભિનેતા ઝાકીર ખાન સાથે શૂટિંગ કરવામાં ભીડ જામતા શૂટિંગ કરવું મુશ્કેલ થયું હતું.

રિંગરોડ પર સ્નેચિંગનું દ્રશ્ય ફિલ્માવાયું હતું જેમાં સુરતનાં નાટ્ય અભિનેતા ડો.મિનેશ માટલીવાલાએ ઝાકીર હુસેન સાથે બાઇક પર બેસી અભિનય કર્યો હતો. આ ફિલ્મ કમલ હાસનની સુપર ડુપર હિટ ફિલ્મ હિન્દુસ્તાનીની રિમેક એટલે પાર્ટ-2 ફિલ્મ છે. જોકે કમલ હાસનનો કોઈ સીન સુરતમાં ફિલ્માવાનો નથી. તેઓ વડોદરાનાં રાજવી પેલેસમાં લગ્નનું દ્રશ્ય શૂટ થશે એમાં ભાગ લેશે.

આ ફિલ્મમાં સુરતનાં અભિનેતાઓ ડો.પંકજ પાઠકજી, સમીર મઢવી, સમીર દેસાઈ, સલીલ ઉપાધ્યાય ડો. વિકાસ સોજીત્રા, ઉન્નતી ગાંધી, સેતુ ઉપાધ્યાય, ઋચા શુકલા સહિત 10 કલાકારો અભિનયના ઓજસ પાથરશે. ઝાકીર હુસેન આ ફિલ્મમાં દર્શન નામનું પાત્ર ભજવે છે.

બોલીવુડમાં સુરતના લોકેશનો પર ફિલ્મનું શૂટિંગ કરવાનો ક્રેઝ વધી રહ્યોં છે. દાયકાઓ પેહલા મહેશ ભટ્ટે કુમાર ગૌરવ અભિનીત ફિલ્મ જનમ અને ત્યાર બાદ સુનિલ શેટ્ટીની બલવાન ફિલ્મનું શૂટિંગ સુરતમાં થયું હતું. રિશી કપૂર, પરેશ રાવલ, નિલ નીતિન મુકેશ સુરતમાં શૂટિંગ કરી ચુક્યા છે.

ભાગળ પર મિનારા મસ્જિદ અને ટાવરનું દ્રશ્ય ફિલ્માવ્યું
ડાયરેક્ટર શંકર આ ફિલ્મ બ્રિટિશ રાજનાં ઇતિહાસને વણીને બનાવી રહ્યાં હોવાથી તેમને એક ઐતિહાસિક શહેરની જરૂર હતી. સુરતમાં ઓલ્ડ સિટી એન્ટ્રી,સુરતની જૂની મસ્જિદ તરીકે ભાગળની મિનારા મસ્જિદ સાથે બ્રિટિશ કલોક ટાવરને સાંકળી દ્રશ્યો શૂટ કર્યા હતા.તેમણે ભવ્ય મંદિર દર્શાવવા અડાજણ સ્વામિનારાયણ મંદિરમાં પણ શૂટિંગ કર્યું હતું.

શનિવારે હિન્દુસ્તાની-2 ફિલ્મનું શુટિંગ ક્યાં-ક્યાં?
સુરતમાં બે દિવસથી જુદા જુદા લોકેશન પર ફિલ્મ શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્રીજા દિવસે શનિવારે હજી ચોકબજારનો કિલ્લો, કેબલ સ્ટેજ બ્રિજ, પાલ RTO પર કાર રેસિંગ સીન અને સુરતની 2 ફૂડ સ્ટ્રીટના દ્રશ્યો ફિલ્માવવાના બાકી છે. શનિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ વિસ્તારોમાં શૂટિંગ કરવામાં આવશે.

જોકે ડાયરેક્ટરને ભીડને લીધે કેટલાક દ્રશ્યો અપેક્ષા મુજબ શૂટ થયા ન હોવાથી એક દિવસ શૂટિંગ લંબાઈ શકે છે. રિંગરોડ બ્રિજની નીચે એક સીન એવો ફિલ્માવાયો જેમાં બાઇક પર ઉભા થઇ ને ઝાકીર હુસેન ને ઉભા રાખવા માટે પાછળ પાછળ પીછો કરવા નો સીન જે કલાકારે કર્યો હતો એ સુરત ના જ ડૉ. મિનેશ માટલીવાળા હતા.

Most Popular

To Top