ઉમરગામ તાલુકાના સમુદ્ર તટે કાલય ગામ વસેલું છે. કાલય ગામ સંઘપ્રદેશ દમણને લાગીને આવેલું ગામ છે. ગામની વસતી અંદાજે ૩૧૯૧ જેટલી છે. સૌથી વધારે વસતી મીતના માછી માંગેલા સમાજની છે. ૧૦ વોર્ડ ધરાવતા આ ગામના ફળિયાઓમાં માહ્યાવંશી, માછીવાડ, મિતનવાડ, માંગેલવાડ, ધોડિયાવાડ, હળપતિવાસ, કંગળાવ સ્કૂલ વગેરે ફળિયાં આવેલાં છે. મીતના માછી માંગેલા સમાજનો મુખ્ય વ્યવસાય મચ્છીમારીનો છે. ગામમાં મોટી સંખ્યામાં મચ્છીમારીની નાની-મોટી અનેક બોટો છે. અહીંના લોકો સરીગામ ઉમરગામ જીઆઇડીસી અને ખાસ કરીને સંઘ પ્રદેશ દમણમાં નોકરીએ જતા હોય છે. થોડા ઘણા લોકો ખેતીવાડીના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે.
પંચાયતના સ્વભંડોળની આવક ખૂબ ઓછી છે. જેથી ગામમાં વિકાસનાં કામો કરવા પંચાયતને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. છતાં સરકારના નાણાપંચ, જિલ્લા-તાલુકા પંચાયત અને સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી વિકાસનાં અનેક કામો થયાં છે. ગામમાં પાકા રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ઘર ઘર પીવાના પાણીના નળ કનેક્શન, ઘરે ઘરે શૌચાલય, વીજ કનેક્શન જેવી પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ લોકો સુધી પહોંચી છે. ગામ બેવાર સમરસ બન્યું છે. સમુદ્ર તટે વસેલું આ ગામનો દરિયા કિનારો ખૂબ જ સુંદર છે. ગામ દરિયા કિનારે આવેલું હોવાથી દરિયાઈ ધોવાણનો પ્રશ્ન ખૂબ મોટો હતો. જો કે, દરિયાઈ ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે.
ગામના સરપંચ, ઉપસરપંચ તથા તમામ સભ્યોની રાજકીય સૂઝબૂઝના કારણે ગામ વિકાસના પંથે આગળ વધી રહી છે. વધુમાં તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર વિકાસનાં કામો તરફ આ ગામમાં વિશેષ ધ્યાન આપતા હોવાથી ગામમાં વિકાસનાં કામો ખૂબ સારા થયાં છે. પંચાયતના નવા ગ્રામ સચિવાલયનું કામ પણ ચાલી રહ્યું છે. ગામમાં સાંસ્કૃતિક ભવનનો અભાવ છે. સહકારી મંડળી પણ નથી. સમુદ્ર કિનારે આવેલું ગામ હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો લોકોએ કરવો પડે છે. ઉનાળામાં કિનારે પટ્ટીનાં ફળિયાંમાં પાણી ખરાબ થઈ જતા હોય છે. ગામમાં અંદાજે 100 એકરમાં ખૂબ મોટું તળાવ આવેલું હોવાથી ગામ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં હોવા છતાં પાણી ખારા થતા નથી. તળાવના કારણે જ કૂવા-બોરના જળસ્તર હંમેશાં ઊંચાં રહે છે અને ગામમાં પીવાના પાણીની સમસ્યા નહીંવત છે.
- વિલેજ પ્રોફાઈલ
ગામનું નામ : કાલય
તા-ઉમરગામ, જિ-વલસાડ
ગામની વસતી અંદાજે ૩૧૯૧
પુરુષો : ૧૬૩૭
સ્ત્રીઓ : ૧૫૫૪
મતદારો અંદાજે : ૨૩૦૦
કુલ વોર્ડ : ૧૦
પંચાયતના સરપંચ તેમજ સભ્યોની નામાવલી - સરપંચનું નામ : ત્રિવેણીબેન પ્રકાશભાઈ મિસ્ત્રી
- ઉપસરપંચ : દિનેશભાઈ પાંડુભાઇ માંગેલા
- સભ્યો : કંચનબેન નગીનભાઈ કારભારી
- પ્રવીણકુમાર નટવરલાલ પટેલ
- રિતેશકુમાર જગદીશભાઈ
- પ્રતીક્ષાબેન વિવેકભાઈ મીતના
- દમયંતીબેન કલ્પેશભાઈ ટંડેલ
- ઝરણાબેન અજયભાઈ માછી
- મોહનભાઈ જીવનભાઈ હળપતિ
- હિતેશભાઈ કાંતિભાઈ મીતના
- ઊર્મિલાબેન નરોત્તમભાઈ ધોડી
- તલાટી કમ મંત્રી : રણજિતભાઈ પટેલ
- જિલ્લા પંચાયતના સભ્ય : મુકેશભાઈ પટેલ
- તાલુકા પંચાયતના સભ્ય : અનિતાબેન વિલાસભાઈ વારલી
- ધારાસભ્ય : રમણભાઈ પાટકર
- ગામમાં આવેલાં મંદિરો
- શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર
- શ્રી તપેશ્વર હનુમાનજી મંદિર
- તળાવો : કોસ્ટેલ હાઈવે તળાવ અંદાજે ૧૦૦ એકરનું
- ગામમાં આવેલી સ્કૂલો : કાલય પ્રાથમિક શાળા, હળપતિ સેવા સંઘ આશ્રમશાળા
- સાક્ષરતા દર : ૮૨ ટકા
- ગામનો ભૌગોલિક વિસ્તાર હેક્ટર ૭૦૭ આરે ૯૩ ચોરસ મીટર, ૬૭ ખેડૂતોની સંખ્યા ૩૭૫
- પેટા આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ જાહેર બસ સેવા, ખાનગી બસ સેવા છે.
- આંગણવાડી : 0૫ નોંધાયેલાં બાળકો : ૫૫૨
- સખીમંડળની સંખ્યા : 0૪
- મહાત્મા ગાંધી રાષ્ટ્રીય બાંયધરી યોજના હેઠળ જોબકાર્ડ આપેલાં કુટુંબોની સંખ્યા : ૫૮૮
- નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થોની સંખ્યા અંદાજે : ૫૩
- ગામમાં એલપીજી ધારકોની સંખ્યા : ૫૬૦
- વિધવા સહાય મેળવતા લાભાર્થીઓની સંખ્યા અંદાજે : ૧૮
સ્વભંડોળની આવક ખૂબ ઓછી હોવાથી વિકાસનાં કામો કરવા ખૂબ જ મુશ્કેલ કાલય ગામમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી નથી. મોટા એપાર્ટમેન્ટ્સ પણ નથી. માત્ર નાના-મોટા સ્થાનિક લોકોનાં ઘરો મકાનો આવેલાં છે. જેઓના વેરાથી ગ્રામ પંચાયતને આવક થાય છે. કાલય ગ્રામ પંચાયતની સ્વભંડોળની આવક અંદાજે માત્ર રૂપિયા પાંચ લાખ જેટલી છે. આવક ખૂબ જ ઓછી હોવાથી વિકાસનાં કામો કરવા ઉપરાંત પંચાયતમાં કામ કરતા માણસોનો પગાર સ્ટ્રીટ લાઇટનું બિલ નાનાં-મોટાં બોરનાં રિપેરિંગનાં કામો માટે પંચાયતને ખૂબ જ મુશ્કેલી પડે છે.
વિકાસનાં કામોનો સમગ્ર આધાર નાણાપંચ અને જિલ્લા તાલુકા પંચાયત તથા સરકારની વિવિધ યોજનાઓ પર રાખવો પડે છે. નાણાપંચની ગ્રાન્ટ અંદાજે વાર્ષિક રૂપિયા 18 લાખ જેટલી મળે છે. સ્વભંડોળની આવક ખૂબ જ ઓછી હોવા છતાં પણ રાજકીય સૂઝબૂઝથી ગામ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ ઘર ઘર પીવા માટે નળ કનેક્શન શૌચાલય અને મોટા ભાગના રસ્તા ડામર અને પેવર બ્લોકના બનાવવામાં આવ્યા છે.
6 દાયકા પહેલાં ભારત અને પોર્ટુગલ વચ્ચે યુદ્ધને લઈ ભયનો માહોલ સર્જાયો હતો
અનેક લોકોએ ઘરબાર છોડી સ્થળાંતર કર્યું હતું, રાત્રે દરિયામાં મચ્છીમારી કરવા ગયેલી એક મહિલાને પગમાં ગોળી વાગી હતી ભારત અને પોર્ટુગલ વચ્ચે ગોવા-દમણ-દા.ન.હ.ને લઈને યુદ્ધ થયું ત્યારે દમણને અડીને આવેલા કાલય ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. અનેક લોકોએ ઘરબાર છોડી સ્થળાંતર કર્યું હતું. રાત્રે દરિયામાં મચ્છીમારી કરવા ગયેલી એક મહિલાને પણ પગમાં ગોળી વાગી હતી. 1947માં ભારત દેશ આઝાદ થયો બ્રિટિશરોએ તેમનો કબજો ભારતને સોંપી દીધો હતો. તે સમયે ભારતના કેટલાક ભાગો ગોવા અને દમણ, દીવ પોર્ટુગલના કબજામાં હતા. ભારતે સમજાવા છતાં પોર્ટુગલોએ પોતાનો કબજો ન છોડતાં આખરે ભારતે વર્ષ-1961માં સૈન્ય કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ભારત અને પોર્ટુગલ સૈનિકો વચ્ચે યુદ્ધ થયું હતું. ભારતે સૈન્ય કાર્યવાહી કરી તો સામે પોર્ટુગલ સૈનિકોએ પણ હુમલા કર્યા હતા. બંને બાજુએ ખુવારીઓ થઈ હતી. આખરે ભારતના સૈન્ય ઓપરેશન સામે પોર્ટુગલે શરણાગતિ સ્વીકારી લીધી હતી. આ રીતે ગોવા, દમણ, દીવ, દાનહ આઝાદ થયા હતા. અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવેશ થયો હતો. ભારતે સૈન્ય કાર્યવાહી કરી તો સામે પોર્ટુગલ સૈનિકોએ પણ હુમલાઓ કર્યા હતા. દમણને અડીને જ ઉમરગામ તાલુકાનું કાલય ગામ આવેલું હોવાથી અહીં ભયનો માહોલ સર્જાયો હતો. ગભરાટના માર્યા ગામના ઘણા લોકોએ ગામ છોડીને આજુબાજુમાં આશ્રય લેવો પડ્યો હતો. કાલય ગામના હાલના ઉપસરપંચ દિનેશ માંગેલાએ આપેલી જાણકારી મુજબ તેમની માતા ઉમાબેન પાંડુભાઇ માંગેલા રાત્રિ દરમિયાન દરિયામાં મચ્છી પકડવા ગયાં હતાં. ત્યારે ચાલી રહેલી લડાઈ દરમિયાન તેમની માતાને પગમાં ગોળી વાગતાં ઈજા પહોંચી હતી.
ગ્રામ સચિવાલયના મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે
ગ્રામ પંચાયતની નવી કચેરી ગ્રામ સચિવાલય બનાવવા સરકારની યોજનામાંથી રૂ.14 લાખ જેટલી રકમ મંજૂર થતાં નવા ગ્રામ પંચાયત સચિવાલયના મકાનનું બાંધકામ પૂરજોશમાં મનરેગા યોજના અંતર્ગત ચાલી રહ્યું છે. નવા ગ્રામ પંચાયત ભવનમાં બીજી ખૂટતી સુવિધાઓ ફર્નિચર કોમ્પ્યુટર્સ તથા અરજદારો માટે લગતી સુવિધાઓ માટે વધુ ગ્રાન્ટ પૈસાની પંચાયતને જરૂર રહેવાની છે. ત્યારે આ તરફ પણ વિશેષ ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે.
અઠવાડિયામાં એકવાર ફરતું દવાખાનું આરોગ્ય સંજીવની આવે છે
3,000થી વધુ વસતી ધરાવતા આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી. જેના કારણે લોકોએ આરોગ્યની સેવા માટે બીજા ગામમાં જવું પડે છે. જો કે, અઠવાડિયામાં એકવાર દર મંગળવારે આરોગ્યનો સ્ટાફ ફરતું દવાખાનું આરોગ્ય સંજીવનીની ગાડી લઈ આવે છે. આરોગ્યના સ્ટાફ દ્વારા તાવ, શરદી, ખાંસી તથા નાની-મોટી સારવાર દવાઓ આપવામાં આવે છે. એક અંદાજ મુજબ દર અઠવાડિયે 40થી 50 દર્દીઓ આ સેવાનો લાભ લે છે.
કાલય ગામ ભાજપનો ગઢ ગણાય છે
કાલય ગામ રાજકીય દૃષ્ટિએ વર્ષો પહેલાં કોંગ્રેસનું ગઢ ગણાતું હતું. પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી અહીં કોંગ્રેસ ખૂબ જ નબળી પડી ગઈ છે. અને ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં આ ગામમાં જોવા મળે છે. પહેલા આ વિસ્તારનો વિકાસ ખૂબ જ ઓછો થયો હતો. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર આ વિસ્તારમાં વિશેષ ધ્યાન આપતા હોવાથી ભાજપની સ્થિતિ આ ગામમાં ખૂબ જ મજબૂત હોવાનું કહેવાય છે.
કાલય ગામ અને દમણ વચ્ચે માત્ર ખાડીનું અંતર વર્ષો પહેલાં કાલુ નદી ઉપર ફેરી બોટ ચાલતી હતી
મનમોહક દરિયા કિનારો એ ઉમરગામની ઓળખ છે. કાલય ગામ અને સંઘ પ્રદેશ દમણ વચ્ચે માત્ર ખાડીનું અંતર છે. વર્ષો પહેલાં કાલુ નદી ઉપર લોકોના અવરજવર માટે ફેરી બોટ ચાલતી હતી. ફેરી બોટમાં બેસીને નદીના આ પાર-પેલે પાર લોકો જતા આવતા હતા. મરોલી, ફણસા, કાલય અને દમણના લોકો ફેરી બોટમાં બેસીને જતા આવતા હતા. જો કે, હોસ્ટેલ હાઈવે માર્ગ બની જતા અને જવા-આવવા વાહનોની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. ઘણાં વર્ષોથી ફેરી બોટ હવે બંધ થઈ ગઈ છે.
100 એકરના તળાવમાં કમળનાં ફૂલો આકર્ષણનું કેન્દ્ર, ખેડૂતો કરે છે લાખોની કમાણી ઉમરગામ તાલુકાનું કાલય ગામ સુંદર પણ કરું. તેની એક ખાસિયત તો તેનું તળાવ છે. જે 100 એકરમાં ફેલાયેલું છે અને એ તળાવમાં મોટી સંખ્યામાં કમળનાં ફૂલો થાય છે. જેના થકી ખેડૂતોને લાખોની આવક પણ થાય છે. એ સાથે મચ્છીની આવક તો ખરી.
મન મોહી લે એવું આ તળાવ વિદેશી પક્ષીઓને પણ આકર્ષે છે.
કાલય ગામમાં કોસ્ટેલ હાઈવેને અડીને બંને સાઇડ 100 એકર જમીનમાં મોટું તળાવ આવેલું છે. તળાવમાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થવાથી ગામમાં બોરકૂવાનાં સ્તર ખૂબ જ ઊંચાં આવ્યાં છે. તળાવના કારણે ગામ દરિયા કિનારે આવેલું હોવા છતાં પીવાના પાણીનો પ્રશ્ન રહેતો નથી. બારેમાસ મીઠું, ચોખ્ખું પાણી લોકોને મળી રહે છે. તળાવની હરાજીથી પંચાયતને પણ લાખો રૂપિયાની આવક દર વર્ષે થાય છે. તળાવમાં કમળનાં ફૂલોની તથા મચ્છી, શિંગોડાની ખેતી સ્થાનિકો કરે છે. જેથી રોજગારી પણ મળી રહે છે. તળાવમાં આપણા રાષ્ટ્રીય ફૂલ કમળની ખેતી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે. માર્ચના અંતમાં કમળ ખીલવાનાં શરૂ થાય છે. એપ્રિલ અને મે માસમાં વધુ પડતાં કમળો તળાવમાં ખીલવાને કારણે તળાવની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. તેને જોવા મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવતા હોય છે. કમળની ખેતીથી લાખો રૂપિયાની કમાણી ખેડૂતોને થાય છે. તળાવમાં મોટા પ્રમાણમાં મચ્છીની ખેતી પણ કરવામાં આવે છે. આ તળાવમાં દેશ-વિદેશનાં પક્ષીઓ પણ આવતાં હોય છે.
દરિયા કિનારે ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલનું નિર્માણ
કાલય ગામે દરિયા કાંઠે કિનારે મોટા પ્રમાણમાં લોકો રહે છે. દરિયા કિનારે ખાસ કરીને ચોમાસા દરમિયાન મોટી ભરતીમાં ધોવાણનો પ્રશ્ન લોકોને સતાવતો હતો. જો કે, સરકારની યોજનામાંથી દરિયા કિનારે ખૂબ મજબૂત અને લાંબી પ્રોટેક્શન વોલ મોટા પથ્થરોની દીવાલ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. દરિયાઈ ધોવાણ અટકાવવા પ્રોડક્શન વોલ બનાવવામાં આવી હોવાથી ધોવાણ અટકતાં દરિયા કિનારે વસતા લોકોને ખૂબ જ મોટી રાહત થઈ છે.
કાલયમાં હળપતિ સેવા સંઘ – બારડોલી સંચાલિત આશ્રમશાળા આવેલી છે
આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત ઉમરગામ તાલુકાના કાલય ગામે હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમશાળા આવેલી છે, જેમાં ધો.1થી 10 સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ આશ્રમશાળાની સ્થાપના વર્ષ-1977માં ડો.અરવિંદભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. હળપતિ અને આદિવાસી સમાજના વિકાસ માટે, તેમનાં બાળકોના અભ્યાસ માટે આ આશ્રમશાળા બનાવવામાં આવી હતી. શાળાના શિક્ષક ઇનચાર્જ આચાર્ય વિક્રમભાઈના જણાવ્યા પ્રમાણે આ શાળામાં ધોરણ એકથી દસમાં હાલમાં 230 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારના છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી મજૂરી-ધંધા માટે બહાર જવાનું હોય તેવા આદિવાસી જરૂરિયાતમંદ પરિવારનાં બાળકો માટે આ આશ્રમશાળા આશીર્વાદરૂપ બની રહે છે. આ આશ્રમશાળામાં રહેતાં બાળકોની ખૂબ જ સાર-સંભાળ રાખવામાં આવે છે. પ્રોજેક્ટર ઉપર અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળામાં રેગ્યુલર શિક્ષકો, પ્રવાસી શિક્ષકો દ્વારા ખૂબ સારી રીતે બાળકોને ભણાવવામાં આવે છે. હાલ આ આશ્રમશાળાનો વહીવટ હળપતિ સેવા સંઘ-બારડોલી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
સાંસ્કૃતિક હોલ, ઉચ્ચતર માધ્યમિક શાળા, સહકારી મંડળીનો અભાવ
ગામમાં સરકારી સાંસ્કૃતિક હોલ નથી. જેથી લગ્નપ્રસંગ કે નાના-મોટા સરકારી કે ખાનગી કાર્યક્રમો કરવા મુશ્કેલ થઈ પડે છે. ઉચ્ચતર માધ્યમિક શાળા પણ નથી. પ્રાથમિક શાળા પછી વધુ અભ્યાસ માટે બાળકોએ પાલી, કરમબેલી, ફણસા કે મરોલી જવું પડે છે. ગામમાં એકપણ સહકારી મંડળી નથી. ગામમાં મોટા પ્રમાણમાં માછીમારો છે. તેઓની બોટો છે. છતાં સહકારી મંડળી ન હોવાને કારણે સસ્તું ડીઝલ સબસીડીનો લાભ પણ આ વિસ્તારના માછીમારો લઈ શકતા નથી. કહેવાય છે કે, સંઘ પ્રદેશ દમણ નજીકમાં આવેલું હોવાથી તથા ગુજરાત કરતાં પેટ્રોલ ડીઝલનો ભાવ થોડો ઓછો હોવાથી મોટા ભાગના લોકો પેટ્રોલ-ડીઝલની ખરીદી કરવા, વાહનોમાં પેટ્રોલ ભરાવવા સંઘપ્રદેશ દમણમાં જતા હોય છે.
ફિસરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા દરિયા કિનારે લાઇટો લગાડવામાં આવી છે
દરિયા કિનારે વસેલા કાલય ગામમાં મોટા પ્રમાણમાં મીતના માછી માંગેલા સમાજના લોકો રહે છે. અને તેઓ મોટા ભાગે મચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દરિયામાં દિવસ-રાત ગમે ત્યારે મચ્છી પકડવા જતા હોય છે. આથી ફિસરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા દરિયા કિનારે લાઈટો લગાડવામાં આવી છે. જેથી માછીમારોને રાત્રે અવનજવનમાં ખૂબ સારું રહે છે. સમગ્ર ઉમરગામ તાલુકામાં દરિયા કિનારે લાઈટો લાગી હોય તો તે કાલય ગામમાં છે.
શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર આસ્થાનું કેન્દ્ર
કાલય ગામે દરિયા કિનારે શ્રી સત્યનારાયણ ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. વર્ષ-૧૯૭૨માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરનું સંચાલન માછી મહાજન કાલય દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે આ મંદિરે પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અત્રેના લોકોને ભગવાન શ્રી સત્યનારાયણ પ્રત્યે અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે. શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સુખ-શાંતિ અને સલામતી રહે છે. અને મનુષ્ય ભયમુક્ત બને છે.
પુલવામાના શહીદોની યાદમાં કાલયમાં શહીદ વન બનાવવામાં આવ્યું : 40,000 વૃક્ષ રોપવામાં આવ્યાં
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 જાન્યુઆરી, 2019ના રોજ સી.આર.પી.એફ. (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ શહીદોના સ્મરણાર્થે તેમની યાદમાં સામાજિક વનીકરણ વિભાગ વલસાડ-ઉમરગામ Forest Creators Enviro Creators Foundation અને કાલય ગ્રામ પંચાયત તથા વિવિધ સામાજિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોના સહયોગ (ગોદરેજ, કામદગીરી ફેશન, યુપીએલ)થી કાલયમાં પુલવામાં શહીદ વન બનાવવામાં આવ્યું છે. આ શહીદ વનમાં 40 શહીદ જવાનના ફોટા લગાડવામાં આવ્યા છે. અને આ શહીદ વનમાં 40 હજાર વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું છે. વૃક્ષોમાં નીમ, સીતાફળ, કરંજ, આસોપાલવ, કાજુ, બંગાળી બાવળ, શરુ, અર્જુન, અરીઠા, બોરસલી, ચંદન, બદામ, અશોકા, કાજોલિયા, સેવન સિંદૂર, આમલા, ગુલમહોર, મીઠી આમલી, પીપલ, કેસૂડા, જાબુન, મેંગો વગેરે વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે.
અંદાજે દોઢસો વર્ષ જૂનું સ્વયંભૂ શ્રી તપેશ્વર હનુમાનજી મંદિર
રાયણીના ઝાડ નીચે થડમાં હનુમાન દાદાની મૂર્તિના આકારમાં સ્વયંભૂ હનુમાન દાદા બિરાજમાન છે
કાલય ગામે હોસ્ટેલ હાઈવેને અડીને ૨૦૦ મીટરના અંતરે કાલય કંગળાવ ફળિયામાં શ્રી તપેશ્વર હનુમાનજી બજરંગ મંદિર આવેલું છે. આ મંદિર કેટલું જૂનું છે તે અંગે ચોક્કસ જાણકારી નથી. પરંતુ મંદિરના મહારાજના કહેવા પ્રમાણે અંદાજે દોઢસો વર્ષ જૂનું તપેશ્વર હનુમાનજીનું મંદિર છે. રાયડીના ઝાડ નીચે થડમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિની આકારમાં બિરાજમાન હનુમાનજી પ્રત્યે લોકોને ખાસ્સી આસ્થા અને શ્રદ્ધા છે. લોકોનું માનવું છે કે, હનુમાન દાદા આ ઝાડ નીચે આવ્યા હતા. જૂનું મંદિર તોડી નવેસરથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરમાં શ્રી અનંત, શ્રી ગણેશજી, ગીતા માતા તથા રામ-લક્ષ્મણ-સીતા અને જલારામ બાપાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે. મહિલાઓ મંદિરમાં અન્ય દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી શકે છે. જો કે, બહેનોને હનુમાન દાદાની મૂર્તિ પાસે ગર્ભગૃહમાં જવાની કે પૂજા-અર્ચના કરવાની સખત મનાય છે. બહેનો બહારથી માથું ઓળી દાદાનાં દર્શન કરી શકે છે. દર વર્ષે રામ નવમી, હનુમાન જયંતી, જલારામ જયંતી તથા પાટોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ મંદિરનું સંચાલન શ્રી તપેશ્વર હનુમાનજી બજરંગ ચેરિટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મંદિરે દૂર દૂરથી દર્શનાર્થે ભક્તો પધારે છે.