એક મોટા શહેરમાં સેંકડો મજૂરોને રોજગારી આપતી કાપડની એક મિલ હતી. એક દિવસ તેના તમામ યંત્રો બંધ પડી ગયા. માલિકે જાણકાર ઈજનેરોને બોલાવ્યા. યંત્રોની ચકાસણી કરી. ઘણુ મથ્યા પણ યંત્રો ચાલુ ન થયા. શેઠને તો રોજ લાખોનું નુકસાન જતું હતું. તો બીજી તરફ સેંકડો કામદારો કામ વિના ઘેર બેસી ગયા હતા. એ બધાનો રોજી – રોટીનો સવાલ હતો. શું કરવું એ સમજાતું ન હતું. 2 દિવસમાં તો આ વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ કે અમુક મિલ બંધ પડી છે.
ત્યારે આ વાતની જાણ બાજુના ગામના એક ઓછું ભણેલા ગામડિયા યુવાનને થઈ. એને થયું લાવને શેઠને મળીને જોઉં તો ખરો શું થયું છે? એ શહેરમાં આવી શેઠની મિલમાં ગયો. શેઠ ઓફિસમાં બેઠા હતા. શેઠે આ ગામડિયાને જોઈને જ કહ્યું : ‘ભાઈ તારાથી એ ચાલુ નહીં થાય, તું ઈજનેર થોડો છે?’ યુવાને કહ્યું : ‘શેઠ હું ઈજનેર નથી પણ મને જોવા તો દો કે શું થયું છે?’ યુવાનના આગ્રહથી શેઠે મિલમાં યંત્રો જોવા મોકલ્યો. યુવાને યંત્રો જોઈ શેઠને કહ્યું : ‘શેઠ, મશીનો ચાલુ થઈ જશે પણ મારા કામની કિંમત રૂ. 10,000 થશે. બોલો કબૂલ છે?
શેઠે કહ્યું : ‘ભલભલા થાકી ગયા તો તું શું કરી શકીશ?’ પછી શેઠને થયું ‘જોવા તો દે, ચાલુ થાય તો 10,000 આપવાના છે ને?’ શેઠે હા કહ્યું. યુવાને એક હથોડી માગી. હથોડી લઈ એ યંત્રો પાસે ગયો. તેની સાથે શેઠ અને મેનેજર વગેરે પણ ગયા. પેલાએ યંત્રો પાસે જઈ જે યંત્રમાં ખામી સર્જાઈ હતી તેના અમુક ભાગમાં હથોડીના 2 ટચકા માર્યા અને કહ્યું : ‘હવે ચાલુ કરો.’ યંત્રો બધા ચાલુ થઈ ગયા. શેઠ તો વિચારમાં પડી ગયા. પેલા યુવાને કહ્યું : ‘લાવો શેઠ 10,000 રૂપિયા.’ શેઠ બોલ્યા, ‘અલ્યા, હથોડીના ટચકા મારવાના થોડા 10,000 હોય. આ તો લૂંટ કહેવાય.’
યુવાને કહ્યું, ‘શેઠ હથોડી મારવાનો તો એક જ રૂપિયો ગણું છું પણ ક્યાં હથોડી મારવી તેની મારી આવડત ના રૂ. 9999 ગણું છું. મારો આ ચાર્જ મારી બુધ્ધિ અને કળાનો છે.’ શેઠે રૂ. 10,000 આપવા પડ્યા. આમ, બુધ્ધિશાળી એની બુધ્ધિ અને કળાના પૈસા લે છે. એની તુલના અન્ય સાથે ના કરાય. વળી કોઈનો દીદાર જોઈને તેની આવડત માપી ન શકાય. અભણ લોક પાસે જે કળા હોય છે તે ભણેલા પાસે પણ નથી હોતી.