હિન્દુસ્તાનના શિરમુકુટ સમાન હિમાલયની પર્વતમાળાઓમાં હિન્દુઓની આસ્થાના પ્રતિકસમા અનેક શિખરો વિખ્યાત છે. કૈલાસ માનસરોવર એમાંનું એક છે. કૈલાસ પર્વત સાથે વેદ-પુરાણો અને ધર્મગ્રંથોની અનેક કથાઓ જોડાયેલી છે. કૈલાસ શિખર અનેક રહસ્યોપૂર્ણ અદ્ભૂત સ્થાન છે. શિવપુરાણ, સ્કંદપુરાણ, મત્સ્યપુરાણમાં તો કૈલાસખંડ નામે એક આખો અધ્યાય જોવા મળે છે. જેમાં ભગવાન શિવ સાથે જોડાયેલા કૈલાસના ગુણગાન જોવા મળે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર અહીં કુબેરની નગરી પણ છે. પૌરાણિક કથાનુસાર ભગવાન વિષ્ણુના કરકમલોમાંથી નિકળતી ગંગાની ધારાઓ કૈલાસ શિખર પર વહે છે જયા કૈલાસનિવાસી ભગવાન શિવજી તેની જટાઓમાં ભરી નિર્મલ જળ રૂપે સમગ્ર વિશ્વના કલ્યાણાર્થે વહાવે છે.
ધરતીનો એક છેડો ઉતરી ધ્રુવ અને બીજો છેડો દક્ષિણી ધ્રુવ કહેવાય છે. આ બંને વચ્ચે હિમાલય પર્વતમાળા છે. હિમાલયનું કેન્દ્ર છે કૈલાસ પર્વત. વૈજ્ઞાનિકોના મતે કૈલાસ શિખર એ ધરતીનું કેન્દ્રબિંદુ છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને એકિસસ મુંડી (Axis Mundi) કહેવાય છે. અર્થાત આકાશીય ધ્રુવ અને ભૌગોલિક ધ્રુવનું કેન્દ્ર… આધ્યાત્મિક શૈલીમાં અલૌકિક શકિત પ્રવાહ કેન્દ્ર…. મતલબ અહીં જો રહેવાનું શકય બને તો આ અલૌકિક સાથે સંપર્ક કરી શકાય છે. કૈલાસ પર્વત પર આજ સુધી કોઇ જઇ નથી શકયું. કૈલાસ શિખરની ઊંચાઇ ૬૬૦૦ મીટર છે જે દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ કરતા લગભગ ૨૨૦૦ મીટર ઓછી.
માઉન્ટ એવરેસ્ટ પર અત્યાર સુધી ૭,૦૦૦ થી વધુ લોકો ચઢાઇ કરી ચુકયા છે, પણ અનેક પર્વતારોહકો સખત પરિશ્રમને અંતે પણ કૈલાસ શિખર પર ચઢી શકયા નથી. છેલ્લે વીસ વર્ષ પહેલા ૨૦૦૧ માં સ્પેનની એક ટીમને કૈલાસ પર ચઢવાની અનુમતિ મળી હતી જેને સફળતા નહોતી મળી એનું એક કારણ એવું જાણવા મળે છે અહીંના વાતાવરણ મુજબ અહીંનો એક દિવસ એક મહિના સમાન છે. અહીં ‘એજીંગ’ ઘણુ તીવ્ર હોય છે. ઉદાહરણ રૂપે સવારે ક્લિન શેવ હોય તો સાંજે દાઢી વધી જાય છે અને મહિનામાં બે વાર નખ કાપતા હોય તેને આ પર્વતીય તળેટીમાં દિવસના બે વાર નખ કાપવા પડે તેમ વધી જાય છે. આથી કૈલાસ પર ચઢવાની જ દરેક સરકારે બંધી ફરમાવી છે.
હિન્દુ, જૈન, બૌધ્ધ અને શીખ ધર્મના પ્રતિક જેવા ગણાતા કૈલાસ શિખરની પરિક્રમાનું મહત્વ ઘણુ મનાય છે. તિબેટી લામા કૈલાસ માનસરોવરની ત્રણ અથવા તેર પરિક્રમાનું અધિક મહત્વ ગણે છે અને ૧૦૮ પરિક્રમા પૂરી કરનારને જન્મ-મરણમાંથી મુકિત મળી જાય છે તેવી બૌધ્ધ લોકોમાં તીવ્ર માન્યતાઓ છે. કૈલાસ પર્વતના માનસરોવર સુધી પહોંચી શકાય છે. માનસરોવર એ હિન્દુઓનું એક તીર્થધામ ગણાય છે.
જૈન ભગવાન ઋષભદેવને અહીં નિર્વાણ પ્રાપ્ત થયું હતું. અર્જુને મહાભારતકાળમાં આ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કરેલ અને યુધિષ્ઠિરે કરેલ રાજયસૂર્ય યજ્ઞમાં અહીંના રાજાઓએ ઉત્તમ પ્રકારના ઘોડા, હાથી, સોનુ, રત્નો અને યાકની પુછડીના કાળા અને સફેદ વાળના ચામરની ભેટ આપેલી એવી પૌરાણિક કથાઓ મળે છે. ભસ્માસૂરે કૈલાસના સાનિધ્યમાં ઉગ્ર તપશ્ચર્યા કરી હતી તે ઉપરાંત ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપે અહીં જ તેનો વધ કર્યો હતો. જૈન ધર્મમાં ભરતસ્વામીએ અહીં રત્નજડિત ૭૨ જિનાલયો અહીં બનાવ્યા હોવાની માહિતી મળે છે.
કૈલાસ પર્વતની ગુફાઓમાં અને ત્યાનાં કેટલાયે મંદિરોમાં ઋષિ-મુનિઓ, સાધુ-સંતો વસે છે જે આધ્યાત્મિક શકિતઓ દ્વારા ટેલીપથીથી એકબીજાના સંપર્કમાં રહે છે. કૈલાસ પર્વતમાળાઓ કાશ્મીરથી ભૂતાન સુધી ફેલાયેલી છે. કૈલાસ પર્વતની તળેટીમાં બે તળાવ છે જેને બ્રહ્મતાલ અને રાક્ષસતાલ કહે છે. બ્રહ્મતાલ એ જ માનસરોવરસ, જેનું પાણી મીઠું છે. જયારે રાક્ષસતાલનું પાણી ખારું છે. માનસરોવર સૂર્ય આકારનું છે જયારે રાક્ષસતાલનું રૂપ અર્ધ ચંદ્રાકાર જેવું છે. બ્રહ્મતાલની સૌર ઉર્જા સકારાત્મક છે જયારે રાક્ષસતાલની નકારાત્મક ઉર્જા ગણાય છે.
રાક્ષસતાલની મુલાકાતે માણસ તો ઠીક પશુ – પંખીઓ પણ ફરકતા નથી જયારે માનસરોવરની યાત્રા, દર્શન અને સ્નાનું અત્યંત ધાર્મિક મહત્વ જણાયું છે. માનસરોવર પાસે યાત્રીઓને હંમેશા ઉપરથી વિમાન પસાર થતુ હોય તેવો અવાજ સંભળાય છે તો કેટલાકને મતે હંમેશ ડમરું વાગતું હોય અને સાથે ઓમકારના ધ્વનિનો અવાજ સતત સંભળાતો હોય તેવી પ્રતિતિ થતી હોય છે. શ્રધ્ધાળુ એને પવિત્ર પાવન જગ્યાનો પ્રભાવ અને ચમત્કાર ગણે છે તો વિજ્ઞાનના મતે તે બરફ ઓગળવાથી પાણી સાથેના હવાના ઘષર્ણથી ઉત્પન્ન થતાં ધ્વનિના તરંગોનો એ અવાજ હોય છે. સ્વર્ગલોક અને મૃત્યુલોકને જોડતો કૈલાસ એ બ્રહ્માંડનું પવિત્ર કેન્દ્ર સ્થાન છે અને એટલે જ તેના પર ચઢવું કઠીન મનાય છે.
કૈલાસ વિશે એવી પણ માન્યતા છે કે તેની એક બાજુ સ્ફટિકથી બનેલ છે તો બીજી તરફ માણેક, ત્રીજી બાજુએ સુવર્ણ અને ચોથી બાજુ નિલમથી બનેલી છે. આજુબાજુની છ પર્વત શ્રૃંખલાઓ વચ્ચે કમળના ફૂલ જેવા દેખાતા કૈલાસની ચારે બાજુએ વિભિન્ન પ્રાણીઓના મુખ છે. જયાંથી નદીઓ પ્રગટ થઇ વહે છે. અહીં પૂર્વનું અશ્વમુખ ગણાય છે તો પશ્ચિમનું હાથીનું મુખ છે. ઉત્તરમાં સિંહમુખ છે તો દક્ષિણમાં મોરનું મુખ હોવાનું જાણકારો કહે છે. કૈલાસના ચારેબાજુના ચારમુખેથી બ્રહ્મપુત્રા, સિંધુ, સતલજ તથા કરનાલી જેવી ચાર નદીઓ પ્રગટ થઇને વહે છે. આ નદીઓમાંથી ગંગા, સરસ્વતી જેવી અનેક અન્ય નદીઓ વિભાજીત થઇને પોતાના આગવા સ્વરૂપે વહે છે.
કૈલાસ માનસરોવર સુધી પહોંચવાના અનેક દુર્ગમ માર્ગો છે અને એટલે જ માનસરોવર યાત્રા ખૂબ જ કઠીન ગણાતી કે બે થી ત્રણ અઠવાડિયાનો સમય આ યાત્રામાં લાગી જતો. શ્રધ્ધાળુઓની માનસરોવર યાત્રા વધુને વધુ સરળ બને એટલે છેલ્લા બાર વરસની મહેનત પછી ઉત્તરાખંડમાં ધારચુલા – લિપુલેખ માર્ગનું નિર્માણ કરાયું છે. જે ગત વર્ષે ૮ મે – ૨૦૨૦ ના રોજ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી રક્ષામંત્રી રાજનાથસિંહે ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરેલ છે.
આ માર્ગથી બે ફાયદા થયા છે. માનસરોવર પહોંચનાર શ્રધ્ધાળુઓ બે થી ત્રણ સપ્તાહની યાત્રા એક સપ્તાહમાં પુરી કરી શકશે અને બીજુ કે સરહદ પર તૈનાત ભારતીય લશ્કર સુધી શસ્ત્ર સરંજામ બહુ સરળતાથી પહોંચી શકશે. ૬૦૦૦ થી લઇને ૧૭૦૬૦ ફૂટની ઉંચાઇ સુધી બનેલ આ માર્ગ કોરોનાકાળ દરમ્યાન પણ પૂરી જહેમતથી પૂર્ણ કરાયો હતો. પરમકૃપાળુ કૈલાસપતિ શિવને પ્રાર્થીએ કે જીવનમાં એકવાર કૈલાસ માનસરોવરના અલૌકિક, અદ્ભૂત, પાવન દર્શન-યાત્રાની સુગમતા ભરી તક આપજે.