પ્રથમ વાર અમદાવાદમાં 14 કલાકમાં 1.25 લાખ ચોરસ મીટર જગ્યા સાફ કરવાની ઝુંબેશ 50 જેસીબી, 50 ટ્રક, 10 ડ્રોન કેમેરા જેનાથી આખું ચંડોળા વિસ્તાર ડિમોલેશન કરી સુરક્ષિત કરવાનું અભિયાન દાદાએ ઉપાડી લીધું. બે લાખમાં ભારતીય નાગરિકતા મળી જતી. 2500માં આધાર કાર્ડ. 500માં પાનકાર્ડ. આ લલ્લુની કહાની ઘણી જ રોચક છે. બાવીસ વર્ષથી બાંગ્લાદેશીઓ ભારતમાં રહેવાની વ્યવસ્થાનો કામગીરીનો લલ્લા એક્કો હતો.
આટલા વર્ષમાં 12 મહાનગર કમિશનર, 15 એસ.પી, 7 કલેકટર છતાં ખબર ન પડી? શું આજ સુધી સાંઠગાંઠ કરી આખું સામ્રાજ્ય જાણે તેમણે હડપી લીધી હોય તેવું વાંચતા ખબર પડે છે. એક સમયે ગુજરાતમાં હું ખાતો નથી ને ખાવા દેતો નથી એ સૂત્ર પણ યાદ આવી જાય છે. ૨૦૨૪નાં સુપ્રીમ કોર્ટના આદેશનું વોટર બોડીને રીસ્ટોર કરવાનું પાલન તો થયું. સામી આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લલ્લુની શું અસર થશે? પઠાણ પિતા પુત્રની પઠાણી ઉઘરાણી બંધ થશે. કામગીરી સરાહનીય છે. ગુજરાતની બીજી મહાનગર પાલિકા ઊંઘ ઉડાવે અને સાર્વજનિક જગ્યાઓ ખુલ્લી કરવી જોઈએ.
તાપી – હરિશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વાર્તા કરનાર યુગ
જે વાતો આચરણમાં નથી લેવાતી ફક્ત બોલાય છે, તે છે વાર્તા. અને આજનો યુગ વાર્તા કરનારનું યુગ છે જેમાં બોલનાર, સારી વાતો કરનાર, ઉપદેશ આપનાર ઘણા છે પણ તે વાતોને વર્તનમાં લાવનાર જનસંખ્યા ખૂબ જ ઓછી છે. ‘ફળો આવતા ઝાડ નમે’ એ વાતો કરનાર વ્યક્તિના વર્તનમાં વિનમ્રતાનો ગુણ દેખાતો જ નથી અને વાર્તા કરવાનો ગુણ દરેક ક્ષેત્રનાં વ્યક્તિમાં જોવા મળે છે. હું અને તમે પણ એમાંથી બાકાત નથી. આ અવગુણને દૂર કરવો કેટલું જરૂરી? એ પ્રશ્નનો જવાબ મેળવીશું અને વાતો કરવાને બદલે સારા વિચારોને વર્તનમાં લાવવાનો પ્રયત્ન કરીશું તો આ યુગ ‘વાર્તા કરનાર યુગ’થી ‘કર્મ કરનાર યુગ’ બનશે.
સુરત – ઉમ્મેકુલસુમ શેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.