પલસાણા: (Palsana) કડોદરાની એક સોસાયટીમાં ટ્યુશન જઈ રહેલી બે વિદ્યાર્થિની (Student) પૈકી એકની છેડતી કરી યુવકે ગાળાગાળી કરી હતી. આ બાબતે ઠપકો આપવા ગયેલા વિદ્યાર્થિનીના પિતાને યુવકે તેના ભાઈ અને મામા સાથે મળી પિતાને માર માર્યો હતો. ઘટના અંગે કડોદરા પોલીસ મથકમાં ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે.
- કડોદરામાં અસામાજિક તત્ત્વો બેફામ, ખુલ્લેઆમ વિદ્યાર્થિનીઓની છેડતી
- વાલીઓ ઠપકો આપવા જાય તો વળતો હુમલો કરે છે
- કડોદરા પોલીસમથકમાં ત્રણ માથાભારે તત્ત્વો સામે ગુનો નોંધાયો
આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરાની એક સોસાયટીમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ સોમવારે બપોરના સમયે ટ્યુશન જઇ રહી હતી. તે સમયે સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ડબ્બુ દુલીચંદ રાજપૂત આ બંનેની નજીક આવ્યો હતો અને અપશબ્દ બોલી એક વિદ્યાર્થિનીની છેડતી કરવા લાગ્યો હતો. વિદ્યાર્થિનીઓએ આ હરકતનો વિરોધ કરતાં તેણે બંને સાથે અભદ્ર વર્તન કરી ગાળા ગાળી કરી ઝપાઝપી કરી હતી.
આ દરમિયાન એક વિદ્યાર્થિનીના પિતા ત્યાં આવી ગયા જતા પુત્રીની છેડતી કેમ કરે છે એમ કહેતા જ આ છેલબટાઉ યુવાન ઉશ્કેરાઇ ગયો હતો અને ઝપાઝપી કરી તેમના મોઢા ઉપર મુક્કો મારી દીધો હતો. વિદ્યાર્થિનીના પિતા અને ધર્મેન્દ્ર વચ્ચે ઝપાઝપી થઈ રહી હતી ત્યારે ધર્મેન્દ્રનો ભાઈ શુભમ અને મામા અજય લોટન રાજપૂત પણ ત્યાં આવી ગયા હતા. આ બંનેએ પણ વિદ્યાર્થિનીના પિતા સાથે મારામારી કરી હતી. ત્યારબાદ સોસાયટીના રહીશો ભેગા થઇ જતા ત્રણેય સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઘટના અંગે વિદ્યાર્થિનીના પિતાએ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસને જાણ કરતા પોલીસે ધર્મેન્દ્ર, શુભમ અને અજય વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.