Dakshin Gujarat

કડોદરા ઓવરબ્રિજ પર કન્ટેનરમાં આગ લાગતાં હાઈવે આઠ કિ.મી. સુધી જામ, લોકો અટવાયા

પલસાણા: કડોદરા ચાર રસ્તા નજીક હાઈવેના ઓવરબ્રિજ પર એક કન્ટેનરમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ તો હાઈવે પર ટ્રાફિક અવરોધાયો હતો અને અંદાજે 8 કિ.મી. લાંબો ચક્કાજામ થઈ જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતાં.

કડોદરા ચાર રસ્તા નજીક નેશનલ હાઇવે નંબર 48ના ઓવરબ્રિજ પર શુક્રવારે સાંજના સમયે કોસ્મેટિક સામાન ભરેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કારણે મુંબઈથી અમદાવાદ જતાં ટ્રેક પર વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ટ્રેલરમાં મૂકેલો તમામ સામાન ખાખ થઈ જતાં લાખોના નુકસાનની આશંકા છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.

આ ટ્રેલર કોસ્મેટિક સામાન લઈને મુંબઈથી હરિયાણાના ગુડગાંવ જઇ રહ્યો હતો. આગની ઘટનાને કારણે સમગ્ર રોડ પર નવસારી જિલ્લાના વેસ્મા નજીક વાહનોની લાઇન લાગી જતાં પિક અવર્સ દરમ્યાન વાહન ચાલકો અટવાયા હતા. સાંજે પણ ટ્રાફિક સુચારું થઈ શક્યો ન હતો. એક અંદાજ મુજબ હાઈવે પર આઠેક કિ.મી. સુધીનો ચક્કાજામ સર્જાયો હતો અને વાહનચાલકો અટવાઈ પડ્યા હતાં. પોલીસ દ્વારા ટ્રાફિકની સ્થિતિને પહોંચી વળવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Most Popular

To Top